Nov 28,2014 11:25:18 PM IST
 

તમને મારા ઉત્તરાધિકારી નીમ્યા છે એટલે આપણે એકબીજાને સમજવા જરૂરી

Nov 24, 2012 21:39 Supplements > Sanskar
 
comment     E-Mail     Print    
 
Viewed: 643
Rate: 0
Rating:
Bookmark The Article

Classic Letters

મહાત્મા ગાંધીએ ૧૯૪૫માં જવાહરલાલ નહેરુને પત્ર લખીને ભારતને આઝાદી મળે તો વિકાસની તરાહ કેવી હોઈ જોઈએ, એ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગાંધીજીએ કાયમ ગામડાના જીવનની તરફેણ કરી હતી. પણ તેમના માટે આદર્શ ગામની કલ્પના કેવી હતી, એની વિગત આ ઐતિહાસિક પત્ર મારફત જાણવા મળે છે...

૫ ઓક્ટોબર, ૧૯૪૫

મારા પ્રિય જવાહરલાલ,

સૌથી પહેલા હું તમને આપણી વચ્ચેના દૃષ્ટિકોણના તફાવતની લખવા માગું છું. જો એ પાયાનો મૂળભૂત દૃષ્ટિભેદ હોય તો જાહેર જનતાને પણ એ અંગે જાણ કરવાનું હું જરૂરી માનું છું.

જો જનતાને એનાથી અંધારામાં રખાય તો આપણા સ્વરાજ માટેના કાર્ય માટે એ વિનાશકારી બનશે. મારા 'હિન્દ સ્વરાજ'માં સરકારની જે પદ્ધતિની કલ્પના-વિચારણા કરવામાં આવી છે, એને હું હજુ પણ વળગી રહ્યો છું. આ માત્ર કાગળ પરના શબ્દોની જ વાત નથી. મેં ૧૯૦૦માં જ્યારે પુસ્તિકા લખી ત્યારથી મને જે અનુભવ મળ્યો એનાથી મારી માન્યતામાં રહેલા સત્યને સમર્થન-બળ પ્રાપ્ત થયું છે. એટલે એ મુદ્દે જો હું એકલો પડી જાઉં તોપણ મને એની દરકાર નથી.

ભારતને 'ખરી આઝાદી' મળે અને ભારતના માધ્યમથી વિશ્વને મળે તો બહુ જલદી એ હકીકતનો સ્વીકાર થવો જોઈએ કે લોકોએ શહેરોમાં નહીં, ગામડાંઓમાં જીવવું પડશે, એ જ રીતે મહેલોમાં નહીં, પણ ઝૂંપડીઓમાં વસવાટ કરવો પડશે. કરોડો લોકો મહેલોમાં અને શહેરોમાં વસીને એકબીજા સાથે શાંતિથી જીવી શકશે નહીં.

જો શહેરો અને મહેલોમાં લોકો વસવાટ કરશે તો તેમણે હિંસા અને અસત્યનો આશરો જીવન જીવવા માટે લેવો પડશે અને એનાથી માનવીય સભ્યતાના વિનાશ સિવાય બીજું કંઈ નહીં હોય. માત્ર ગામડાના લોકોના જીવનમાં જ સાદગી અને અહિંસા સંભવી શકે અને આ સાદગી માત્ર ચરખા દ્વારા જ મળી શકે. હું એમ કહેતાં અચકાતો નથી કે આજે દુનિયા ખોટા માર્ગે જાય છે અને ભારત પણ એ જ રસ્તે જશે. શમા આજુબાજુ ઘૂમતા પરવાનાની જેમ પોતે જ પોતાની જાતને અગ્નિમાં હોમી દેશે, પરંતુ ભારતને બચાવવાની ને એના દ્વારા વિશ્વને બચાવવાની મારી જવાબદારી છે.

મેં જે કહ્યું એનો સાર એ છે કે માણસની જે વાસ્તવિક જરૂરિયાતો હોય એની પ્રાપ્તિથી સંતુષ્ટ રહેવું જોઈએ અને સ્વનિર્ભર બનવું જોઈએ. જો માણસમાં આટલો સંયમ ન હોય તો એ પોતાની જાતને બચાવી શકે નહીં. જેવી રીતે એક એક બિંદુથી મહાસાગર બને છે એ રીતે વ્યક્તિઓના સમૂહથી જ વિશ્વનું નિર્માણ થાય છે. મેં જે કહ્યું છે તે કંઈ નવું નથી, આ એક સર્વસ્વીકૃત સત્ય જ છે.

પણ હું નથી માનતો કે મેં 'હિન્દ સ્વરાજ' પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હોય. હું આધુનિક વિજ્ઞાનની પ્રશંસા કરું છું. આધુનિક વિજ્ઞાનના પ્રકાશમાં પુરાણી હાલતને નવા પરિવેશમાં નવા દૃષ્ટિકોણથી જોવી જોઈએ. આજે ગામડામાં જે જીવન છે એ જીવનની હું કલ્પના કરતો નથી કે નથી એનું સમર્થન કરતો. હું જે ગામડાનું સ્વપ્ન જોઉં છું એ હજુ મારા મનમાં, કલ્પનામાં જ છે. મારા સ્વપ્નરૂપી આદર્શ ગામડામાં બુદ્ધિશાળી મનુષ્યો હોય એવું હું ઇચ્છું છું.

એ લોકો (આજની જેમ) પશુની માફક ધૂળ, ગંદકી અને અંધકારમાં જીવતા નહીં હોય. સ્ત્રીઓ અને પુરુષો સ્વતંત્ર હશે અને તેઓ દુનિયાભરમાં કોઈની સામે પોતાની જીવનપ્રણાલી દર્શાવવા સક્ષમ હશે. એવા ગામડામાં પ્લેગ, કોલેરા કે શીતળા જેવી બીમારી નહીં હોય અને કોઈ નવરો નહીં હોય કે કોઈ વૈભવ, વિલાસમાં આળોટતો નહીં હોય. દરેકે પોતાના ભાગે આવે તે માનવશ્રમ શરીરશ્રમ કરવો પડશે. દરેક ગામડામાં રેલવે, પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસની સુવિધા હશે. આમ, આદર્શ ગામડાનું વાસ્તવિક ચિત્ર સર્જાવું જોઈએ.

કોંગ્રેસની કાર્યકારિણીના છેલ્લા દિવસે એવું નક્કી થયું હતું કે આ બાબત પૂર્ણ રીતે ચર્ચાવી જોઈએ. બે-ત્રણ દિવસના સત્ર બાદ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. પક્ષની ર્વિંકગ કમિટીની બેઠક મળે કે ન મળે, પણ આપણી વચ્ચે સામસામે આ બાબત સ્પષ્ટ થઈ જવી જોઈએ. એનું પહેલું કારણ એ છે કે આપણી વચ્ચેના સંબંધો માત્ર રાજકીય નથી, પણ અમાપ અને અતૂટ, ઊંડા સંબંધ છે. એટલે રાજકીય બાબતોમાં પણ આપણે એકબીજાને સમજવા જોઈએ. બીજું કારણ એ છે કે આપણે એકબીજાને બિનઉપયોગી ગણતા નથી.

આપણે બંને ભારતની આઝાદીને કાજે જીવીએ છીએ અને આપણે બંને રાજીખુશીથી એને માટે મરવાનું પસંદ કરીશું. આપણને દુનિયાની પ્રશંસાની જરૂર નથી. દુનિયા આપણી પ્રશંસા કરે કે નિંદા કરે એ આપણે માટે બિનમહત્ત્વનું છે. આપણે જે દેશસેવાના કામમાં લાગ્યા છીએ એમાં પ્રશંસા ભાગ્યે જ મળે છે. હું ભારતની સેવા માટે ૧૨૫ વર્ષ જીવવા માગું છું, પણ મારે એ કબૂલ કરવું જોઈએ કે હું હવે વૃદ્ધ થયો છું. તમે મારી સરખામણીમાં મારાથી યુવાન છો અને એટલે જ મેં તમને મારા વારસદાર નીમ્યા છે. મારે મારા વારસદારને અને મારા વારસદારે મને એમ બંનેએ એકબીજાને સમજવા જોઈએ. મેં તમને જે કહ્યું એ અંગે મને મળવાનું તમને જરૂરી જણાય તો એ માટે મિટિંગની ગોઠવણ કરવી જોઈએ. તમે બહુ સખત મહેનત કરી રહ્યા છો. મને આશા છે કે તમારું સ્વાસ્થ્ય સારું હશે. મને આશા છે કે ઇન્દુ (ઇન્દિરા) પણ તંદુરસ્ત હશે.

આશીર્વાદ સહ,
બાપુ.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com