કલાકાર - પ્રભુ દેવા, રેમો ડિસોઝા, ધર્મેશ, પુનીત પાઠક, કેકે મેનન
નિર્દેશક - રેમો ડિસોઝા
સંગીત - સચિન જીગર
રેટિંગ -
સ્ટોરી -
વિષ્ણુ (પ્રભુ દેવા)માટે ડાન્સ એક પેશન હોય છે, પરંતુ સફળ કોરિયોગ્રાફરના જીવનમાં પણ અસફળતા આવતી હોય છે. તેનો બિઝનેસ પાર્ટનર કેકે મેનન તેને ડાન્સની એકેડમીમાંથી કાઢી મૂકાવે છે. આ ઘટના બાદ વિષ્ણુ માયાનગરી મુંબઈ અને ડાન્સ છોડવાનો નિર્ણય કરે છે. જો કે તેની પહેલાં જ રાત્રે વિષ્ણુ ગણેસોત્વની તૈયારી કરી રહેલાં એક ડાન્સ ગ્રુપને જોવે છે. આ ગ્રુપનો ડાન્સ જોઈને પ્રભુ દેવા તેમનો કોરિયોગ્રાફર બની જાય છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં અલગ અલગ પ્રકારનાં ડાન્સ સ્ટેપ છે. ફિલ્મની કહાની થોડી નરમ પડે છે, પરંતુ રેમો અને પ્રભુદેવાના ડાન્સે ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધાં છે. ફિલ્મ ઈન્ટરવલ પહેલાં ખૂબ જ રોમાંચક છે.
રિવ્યૂ -
'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'શૉ થી દેશનાં ડાન્સિંગ સેન્સેશન બની ચૂકેલાં રેમો ડિસૂઝા હવે 3ડી ડાન્સ ફિલ્મ 'એબીસીડી' લઈને આવ્યાં છે. હોલિવૂડમાં તો ડાન્સ પર ફિલ્મો બની ચૂકી છે, પરંતુ બોલિવૂડમાં માત્ર ડાન્સ પર પહેલી વાર ફિલ્મ બની છે. 80ના દાયકાની 'ડિસ્કો ડાન્સર' અને 'નાચ મયૂરી' ફિલ્મ સિવાય ડાન્સ પર ફિલ્મ ભાગ્યે જ જોવા મળી છે. આ ફિલ્મને અભિનય માટે નહીં, બલ્કે ડાન્સ માટે યાદ કરવામાં આવશે. જો તમને ડાન્સમાં રસ હોય તો આ ફિલ્મ તમને જરાપણ બોરિંગ લાગશે નહીં. ફિલ્મમાં પ્રભુદેવાનું જોરદાર કમબેક જોવા મળી રહ્યું છે. ફિલ્મમાં 3ડી સીન્સ એટલા બધાં રોમાંચક છે કે તમને તરત જ ગમી જશે. ફિલ્મનું 'બેઝૂબાન...' ગીત સુપર છે.
સચિન જીગરે ફિલ્મમાં જોરદાર સંગીત આપ્યું છે. ફિલ્મની કોરિયોગ્રાફી ફિલ્મનો પ્રાણ છે. બોલિવૂડના ડાન્સર સરોજ ખાન, પ્રભુદેવા, ગણેશ આચાર્યા અને રેમો એકસાથે તમને ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભુદેવા એ ડાન્સની સાથે અભિનય પણ કર્યો છે. કેકે મેનન તો પહેલેથી સારા કલાકાર છે. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના ધર્મેશ, પુનીત પાઠક અને સલમાને પણ ફિલ્મમાં અદ્દભૂત ડાન્સ કર્યો છે.