180X600.jpg
Jul 25,2016 11:21:14 PM IST
 

નવગ્રહ રત્નનો કમાલ

Feb 20, 2013 19:00 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 8691
Rate: 2.5
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી

જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય કે ખરાબ પ્રભાવ પાડતો હોય ત્યારે તેને બળવાન બનાવવાના ઉપાયો કરવા જોઈએ. તેના માટે લાલ કિતાબના ઉપાયો, દાન, રત્નધારણ, જે-તે ગ્રહના મંત્રોનો જાપ, પૂજન વગેરે કરવામાં આવે છે. જે વ્યક્તિ મંત્રજાપ કે બીજા ઉપાયો કરી શકે તેમ ન હોય તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય રત્નધારણ છે. નબળા ગ્રહનું રત્ન ધારણ કરવાથી તે બળવાન બને છે અને વિવિધ પ્રકારના લાભ થાય છે

માણેક

માણેક સૂર્ય ગ્રહનું રત્ન છે. જ્યારે સૂર્ય નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્નનો સ્વામી સૂર્ય હોય ત્યારે જાતકે માણેક રત્ન ધારણ કરવું જોઈએ. માણેક રત્નને સોનાની વીંટીમાં જડાવીને રવિવારના દિવસે સૂર્યોદયના સમયે પૂજાસ્થાનમાં દૂધ અથવા ગંગાજળથી શુદ્ધ કરીને સૂર્યદેવના મંત્ર 'ૐ ગ્રીં સૂર્યાય નમઃ ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને વીંટી સિદ્ધ કરી અનામિકા આંગળીમાં ધારણ કરો. સૂર્ય રત્ન માણેકની ગુણવત્તા જેટલી સારી હશે, તેટલો વધારે લાભ થશે. માણેક રત્ન પહેરીને સૂર્ય ઉપાસના કરવામાં આવે તો પૂજાનું ફળ બે ગણું વધી જાય છે.

લાભ

માણેક રત્ન ધારણ કરવાથી બળ તથા સાહસમાં વૃદ્ધિ થાય છે.

ભય, દુઃખ અને વ્યાધિનો નાશ થાય છે.

નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે તથા સમાજમાં પ્રતિષ્ઠા મળે છે.

માણેક રત્ન ધારણ કરવાથી માથાનો દુખાવો, હાડકાંના રોગ, રક્તવિકાર તથા દુર્બળતા દૂર થાય છે.

મોતી

મોતી ચંદ્ર ગ્રહનું શુભ રત્ન છે. જ્યારે ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્ન સ્વામી ચંદ્ર હોય ત્યારે મોતી રત્ન ધારણ કરવું જોઈએ. મોતી બહુ મોંઘું રત્ન નથી, તેથી તેનું ઉપરત્ન પહેરવાની કોઈ જરૂર નથી. મોતી રત્નને ચાંદીની વીંટીમાં જડાવીને સોમવારના દિવસે પ્રાતઃકાળે પૂજાસ્થાનમાં ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરીને ચંદ્રદેવના મંત્ર 'ૐ સં સોમાય નમઃ 'નો ૧૦૮ વાર જપ કરી વીંટીને સિદ્ધ કરી અનામિકા આંગળીમાં ધારણ કરવી જોઈએ. મોતીની ગુણવત્તા જેટલી સારી હશે, તેટલો જ સારો લાભ પણ થશે. તે ચંદ્ર ગ્રહજનિત કષ્ટો દૂર કરે છે.

લાભ
મોતી માનસિક તણાવ ઘટાડે છે.

આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિના બળ, બુદ્ધિ, વિદ્યા તથા સ્મરણશક્તિમાં વધારો થાય છે.

અનિદ્રા, દાંતના રોગ, મૂત્રરોગમાં મોતી ખૂબ જ લાભકારક છે.

સ્ત્રીઓના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે.
ઉચ્ચ રક્તચાપને અંકુશમાં રાખે છે.
પરવાળું

પરવાળું એ મંગળ ગ્રહનું અસરકારક રત્ન છે. જ્યારે મંગળ ગ્રહ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્નનો સ્વામી મંગળ હોય ત્યારે પરવાળું રત્ન ધારણ કરવું જોઈએ. મંગળ રત્ન પરવાળું સોનાની વીંટીમાં જડાવીને મંગળવારના દિવસે સવારે પૂજાસ્થાનમાં ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરીને મંગળદેવના મંત્ર 'ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને વીંટીને સિદ્ધ કરીને અનામિકા આંગળીમાં ધારણ કરવી જોઈએ.

લાભ

મંગળ રત્ન પરવાળું ધારણ કરવાથી બળ- સાહસમાં વૃદ્ધિ થાય તથા દુર્ઘટનાનું જોખમ ઘટે.

પરિવારમાં ક્લેશ અને લડાઈ-ઝઘડા થતા હોય તો તે બંધ થઈ જાય છે.

પરવાળું ધારણ કરવાથી અનેક પ્રકારનાં કષ્ટો દૂર થાય છે તથા ઘરમાં સુખ-શાંતિ આવે છે.

જે કન્યાના વિવાહ ન થતા હોય તે પરવાળું રત્ન ધારણ કરે તો તેના વિવાહ જલદી નક્કી થાય છે.

પેટનો દુખાવો, પથરી, ટયૂમર વગેરે દૂર થાય છે.

પન્ના

પન્ના બુધ ગ્રહનું અસરકારક રત્ન છે. બુધ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્નનો સ્વામી બુધ હોય તો આ રત્ન ધારણ કરવું જોઈએ. પન્નાનું ઉપરત્ન બેરુજ છે. તે કિંમતમાં પન્ના કરતાં મોંઘું છે તથા પન્નાની જગ્યાએ ધારણ કરી શકાય છે. આ રત્નને સોનાની વીંટીમાં જડાવીને બુધવારના દિવસે પ્રાતઃકાળે પૂજાસ્થાનમાં ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરીને બુધદેવના મંત્ર 'ૐ બું બુધાય નમઃ ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને વીંટી સિદ્ધ કરી તર્જની આંગળીમાં ધારણ કરવી જોઈએ.

લાભ

આ રત્ન ધારણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ તથા ધન-ધાન્ય ભરપૂર રહે છે.

આ રત્ન ભૂત-પ્રેતથી રક્ષણ કરે છે.

આ રત્ન ધારણ કરવાથી વેપાર-રોજગારમાં વૃદ્ધિ થાય છે.

ગુરુરત્ન પન્ના ધારણ કરવાથી શરદી-ઉધરસ તથા રક્તચાપમાં રાહત થાય છે.

પતિના સુખ-શાંતિ માટે આ રત્ન ધારણ કરવું.

પોખરાજ

પોખરાજ ગુરુ ગ્રહનું ચમત્કારિક રત્ન છે. જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્નનો સ્વામી ગુરુ હોય ત્યારે પોખરાજ રત્ન ધારણ કરવું જોઈએ. પોખરાજનું ઉપરત્ન સુનૈલા છે, જેને તમે પોખરાજની જગ્યાએ ધારણ કરી શકો છો. પોખરાજને સોનાની વીંટીમાં જડાવીને ગુરુવારના દિવસે પ્રાતઃકાળે અથવા સાંજના સમયે પૂજાસ્થાનમાં દૂધ અથવા ગંગાજળથી શુદ્ધ કરીને ગુરુ ગ્રહના મંત્ર 'ૐ બ્રીં બૃહસ્પતાય નમઃ ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને વીંટીને સિદ્ધ કરી તર્જની આંગળીમાં ધારણ કરવી જોઈએ.

લાભ

પોખરાજ વ્યક્તિના બળ, બુદ્ધિ, જ્ઞાન, યશ, માન તથા ધનમાં વૃદ્ધિ કરે છે.

આ રત્ન સંતાનપ્રાપ્તિમાં મદદરૃપ છે.

પોખરાજ ધારણ કરનારની સુરક્ષા કરે છે તથા ખરાબ કર્મ કરતાં પણ રોકે છે.

તે અજીર્ણ, કબજિયાત, એસિડિટી, શ્વેતપ્રદર તથા ત્વચારોગમાં રાહત આપે છે.

હીરો

હીરો એ શુક્ર ગ્રહનું ઉત્તમ રત્ન છે. જ્યારે શુક્ર ગ્રહ નબળો હોય અથવા કુંડળીમાં લગ્ન સ્વામી શુક્ર હોય ત્યારે શુક્ર રત્ન હીરો ધારણ કરવો જોઈએ. હીરાનું ઉપરત્ન દૂધિયા અથવા તુરસવા છે, જે હીરા કરતાં કિંમતમાં સસ્તું છે. હીરા અથવા તેના ઉપરત્નને સોના અથવા પ્લેટિનમ ધાતુની વીંટીમાં જડાવીને શુક્રવારના દિવસે સૂર્યોદયના સમયે પૂજાસ્થાનમાં બેસી વીંટીને દૂધ અથવા ગંગાજળથી શુદ્ધ કરીને 'ૐ શં શુક્રાય નમઃ' મંત્રનો ૧૦૮ વાર જપ કરીને વીંટીને સિદ્ધ કરવી અને ત્યારબાદ મધ્યમા આંગળીમાં ધારણ કરવી. હીરો જેટલી સારી ગુણવત્તાનો હશે તેટલો લાભ વધુ આપશે.

લાભ

હીરો ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તથા વ્યક્તિ બળવાન અને સાહસી બને છે.

હીરો વ્યક્તિને ધનવાન પણ બનાવે છે.
હીરો ધારણ કરનારના વિવાહ ઝડપી થાય છે.

હીરો વ્યક્તિના વીર્યદોષ તથા નપુંસકતાને દૂર કરે છે તથા સ્ત્રીઓના ગર્ભાશયસંબંધી રોગોને દૂર કરે છે.

હીરો વ્યક્તિના માન-સન્માનમાં વધારો કરે છે.

નીલમ

નીલમ શનિ ગ્રહનું રત્ન છે. જ્યારે શનિ ગ્રહ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્નનો સ્વામી શનિ હોય ત્યારે નીલમ રત્ન ધારણ કરવું જોઈએ. નીલમ રત્નનું ઉપરત્ન કટૈલા છે, જે નીલમ કરતાં કિંમતમાં સસ્તું છે. નીલમ રત્ન સોનાની વીંટીમાં જડાવીને શનિવારના દિવસે સાંજના સમયે (સંધ્યાકાળ) પૂજાસ્થાનમાં ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરીને શનિદેવના મંત્ર 'ૐ શં શનિશ્વરાય નમ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરી સિદ્ધ કરીને મધ્યમા આંગળીમાં ધારણ કરવી જોઈએ.

લાભ

નીલમ રત્ન શનિ ગ્રહના ખરાબ પ્રભાવને ઓછો કરે છે.

આ રત્ન ધન-ધાન્ય તથા સમૃદ્ધિ પ્રદાન કરે છે.

નીલમ ધારણ કરવાથી સંતાનસુખની પ્રાપ્તિ થાય છે.

નીલમ રત્ન ધારણ કરવાથી મન શાંત અને સદ્વિચારયુક્ત બને છે.

આ રત્ન ધારણ કરવાથી વાતરોગ, સંધિવા, ર્હિનયા વગેરે રોગોમાં ફાયદો થાય છે.

ગોમેદ

ગોમેદ છાયા ગ્રહ રાહુનું રત્ન છે. જ્યારે રાહુ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્ન સ્વામી રાહુ હોય તો ગોમેદ રત્ન ધારણ કરવું જોઈએ. રાહુ રત્ન ગોમેદને ચાંદીની વીંટીમાં જડાવીને શનિવારના દિવસે સાંજે પૂજાસ્થાનમાં દૂધ તથા ગંગાજળથી શુદ્ધ કરીને રાહુદેવના મંત્ર 'ૐ રાં રાહવે નમઃ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને વીંટી સિદ્ધ કરી અનામિકા આંગળીમાં ધારણ કરવું જોઈએ.

લાભ

ગોમેદ રત્ન ધારણ કરવાથી શત્રુઓનો ડર રહેતો નથી તથા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે.

કોર્ટ-કેસમાં સફળતા મળે છે તથા ઘરના લોકોની સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે.

રાહુ રત્ન ગોમેદ ધારણ કરવાથી મનને શાંતિ તથા શરીરને આરામ મળે છે.

ગોમેદ પહેરવાથી પેટના વિકાર, ગેસ, કબજિયાત, રક્તવિકાર, વીર્યવિકાર વગેરે બીમારીઓ દૂર થાય છે.

લસણિયું

લસણિયું છાયા ગ્રહ કેતુનું મુખ્ય રત્ન છે. કેતુ નબળો હોય અથવા જન્મકુંડળીમાં લગ્ન સ્વામી કેતુ ગ્રહ હોય તો લસણિયું રત્ન ધારણ કરવું જોઈએ. કેતુ રત્ન લસણિયું સોનાની વીંટીમાં જડાવીને બુધવારના દિવસે સવારના સમયે પૂજાસ્થાનમાં ગંગાજળ તથા દૂધથી શુદ્ધ કરીને કેતુદેવના મંત્ર 'ૐ હ્રીં કેતવે નમઃ।'નો ૧૦૮ વાર જાપ કરીને સિદ્ધ કરી અનામિકા આંગળીમાં ધારણ કરવું જોઈએ.

લાભ

લસણિયું ધારણ કરવાથી ગુપ્ત શત્રુઓ તથા સરકારી સજામાંથી મુક્તિ મળે છે.

લોટરી-ડ્રો કે અન્ય કોઈ રીતે ધનની પ્રાપ્તિ થાય છે.

વેપારમાં વૃદ્ધિ થાય છે તથા અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.

 
Share This
 
 
   

 
Columns/Editorial