May 27,2015 06:56:11 AM IST
 

નિર્મલા કોન્વેન્ટમાં તોતીંગ ફી વધારાનાં વિરોધમાં વાલીઓનાં ધરણાં-સૂત્રોચ્ચાર

Feb 26, 2013 03:38 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1817
Rate: 5.0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૫ :

નિર્મલા સ્કૂલ અને વાલીઓ વચ્ચે ચાલી રહેલાં વિવાદ અંતર્ગત વાલીઓ દ્વારા આજથી શાળાબંધીના અપાયેલાં એલાનને આંશિક સફળતા મળી હતી અને અનેક બાળકો આજે શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રહ્યા હતા. દરમિયાન, વાલીઓએ તેમના શાળાબંધના એલાનને આગળ ધપાવવાનું નક્કી કર્યુ છે અને જરૂર પડયે ભૂખ હડતાલ સહિતના પગલાં પણ લેવાનો નિર્ધાર કર્યો છે. બીજી તરફ, મામલો આટલી હદે ગંભીર બનીગયો હોવા છતાં કલેક્ટર કે, ડીઈઓ કોઈ આ મુદ્દે રસ લઈ રહ્યા ન હોવાની બાબત ભારે નિંદનીય બની છે.

  • શાળા સંચાલકો વાલીઓમાં તડાં પડાવવામાં સફળ થયાં હોઈ શાળા બંધને પ્રથમ દિવસે આંશિક સફળતા મળી
  • હજૂ આજે અને કાલે બંધનું એલાન : ફી મામલે પીસાતા વાલીઓ લડી લેવા મક્કમ : ભૂખ હડતાલની ચિમકી

શિક્ષણના નામે વેપલો શરૂ કરનાર શાળા નિર્મલા કોન્વેન્ટના ફી વધારાનો વિવાદ અત્યંત વકરી ગયો છે. દિન પ્રતિદિન વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યુ છે. આજથી ત્રણ દિવસ માટે અપાયેલાં શાળા બંધના એલાનમાં આજે અનેક વાલીઓ જોડાયા હતા અને અનેક વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રહી હતી. દરમિયાન, આજે હડતાલના પ્રારંભિક તબક્કે જ વાલીઓ અને સંચાલકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતુ. બીજી તરફ, હડતાલ મુદ્દે વાલીઓ મક્કમ છે. આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

વાલીઓની લડતથી હચમચી ઉઠેલાં સંચાલકોએ જાણે હવે, વાલીઓમાં તડાં પડાવવાના પ્રયાસો હાથ ધર્યા હોઈ તેમ વિરોધ કરનારા વાલીઓ સામે પગલાં લેવાં સંચાલકો દ્વારા રાતો-રાત કહેવાતું વાલીમંડળ ઉભુ કરી દેવામાં આવ્યુ છે. જો કે, ફી વધારાનો વિરોધ કરનારા વાલીઓ તેમના નિશ્ચય પર અડગ હોઈ, સંચાલકોનો તડાં પડાવવાનો આ કીમિયો નિષ્ફળ જઈ રહ્યાનું જોવા મળી રહ્યુ છે. આવતીકાલે કાયદાકીય કાર્યવાહી માટે વાલીઓની બેઠકનું આયોજન રેસકોર્સ ગાર્ડન ખાતે કરવામાં આવ્યાનું જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ ડીઈઓની ટીમ દ્વારા શાળાની તપાસ કરી, એક દિવસમાં ખૂલાસો કરવા તાકીદ કરાઈ હતી. ડીઈઓની તાકીદના છ દિવસ પછી પણ શાળા દ્વારા ખુલાસો કરાયાનું જાણવા મળ્યુ નથી. આમ છતાં, ડીઈઓ દ્વારા શાળાને નોટીસ ફટકારવાની પણ તસ્દી લેવાઈ ન હોવાની બાબતે વાલીઓમાં રોષ ફેલાયો છે.

કલેક્ટર, ડીઈઓની શરમજનક ચૂપકીદીથી વાલીઓમાં રોષ

રાજકોટ : નિર્મલા કોન્વેન્ટના ફીના સળગતાં મુદ્દે વાલીઓ દ્વારા બંધનું એલાન અપાયું છે. રજૂઆત કરનારા વાલીઓને શાળા સંચાલકો સાંભળવા પણ તૈયાર નથી. ત્યારે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ, હજૂ સુધીમાં કલેક્ટરે ડીઈઓને રીપોર્ટ કરવા તાકીદ કરવી, તો દૂર કડકાઈથી ખૂલાસો પણ માંગ્યો નથી. જ્યારે શાળાને ખુલાસો કરવાની તાકીદ છતાં, જવાબ રજૂ ન કરવા બદલ નોટિસ પણ ફટકારી નથી.

૩ દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થિનીનું નામ કમી કરવા ધમકી

રાજકોટ : નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ફી વધારાના વિરોધમાં વાલીઓ દ્વારા અપાયેલાં બંધમાં અનેક વાલીઓ જોડાયા છે અને પરિણામે આજે અનેક વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રહી હતી. જો કે, નફ્ફટ શાળા સંચાલકોએ છેક છેલ્લે પાટલે બેસી જઈ, હડતાલના ત્રણ દિવસ ગેરહાજર રહેનારી વિદ્યાર્થિનીનું નામ શાળામાંથી કમી કરી નાખવાની ધમકી આપ્યાનું વાલીઓ જણાવે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com