રાજકોટ તા.૨૬ :
કેન્દ્રીય બોર્ડના નામે ફી વધારો ઝીંક્યા બાદ વાલીઓને કે શિક્ષણતંત્રને જવાબ આપવાની દરકાર પણ ન લેનારી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ મુદ્દે જાણે શિક્ષણતંત્ર તાબોટાં પાડી રહ્યુ હોય તેમ ખુલાસો ન કરવા અંગે ડીઈઓ દ્વારા હજૂ સુધી શો-કોઝ નોટિસ ફટકારવાની ગંભીરતા પણ ધ્યાને લેવાઈ નથી ! બીજી તરફ, આજે અધિક કલેક્ટરે શાળા સંચાલકોને બોલાવતાં તેમણે ફી વધારા માટે કેન્દ્રીય બોર્ડના અમલનું બહાનુ દોહરાવ્યુ હતુ.
- અધિક કલેક્ટરે સંચાલકોને બોલાવ્યા પણ ફી ઘટે તેવાં કોઈ નક્કર પગલાં નહીં
નિર્મલા કોન્વેન્ટ શાળાના પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થિનીઓની ફી મુદ્દે વાલીઓ અને સંચાલકો વચ્ચે છેલ્લાં એકાદ માસથી ચાલતાં ઘર્ષણ મુદ્દે ગત સપ્તાહ ડીઈઓની ટીમ દ્વારા શાળાની તપાસ કરી એક જ દિવસમાં ખૂલાસો કરવા તાકીદ કરાયા બાદ એક સપ્તાહ પછી પણ ખૂલાસો નહિં કરનારી નિર્મલા કોન્વેન્ટ સામે પગલાં લેવામાં ડીઈઓ તંત્રની નિષ્ક્રિયતા મુદ્દે ભારે રોષ ફેલાયો છે. ડીઈઓના આદેશને ઘોળીને પી જનારા શાળા સંચાલકોએ ડીઈઓના આદેશ છતાં, કાનૂની સલાહ બાદ ખૂલાસો કરવાનો પ્રત્યુત્તર આપ્યો હોવાનું ડીઈઓ કચેરી તપાસનીશ અધિકારી આશાબેને જણાવ્યુ હતું.દરમિયાન, આખરે આજે અધિક કલેક્ટર એ.બી.ગોરે શાળાના સંચાલકોને બોલાવી, તેમનો ખૂલાસો માંગ્યો હતો. જે મુદ્દે શાળાના ગ્રાન્ટેડ માધ્યમિક વિભાગના આચાર્યાનો હવાલો સંભાળતાં સિસ્ટર બેટી મેથ્યુએ કેન્દ્રીય બોર્ડ માટે જરૂરી વિદ્યાર્થિનીઓની વર્ગસંખ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોના પગારધોરણ સહિતના કારણો દર્શાવ્યા હતા. જેના આધારે અધિક કલેક્ટરે ડીઈઓને સૂચના આપી હતી. જો કે, મનમાની ચલાવનારી આ શાળાના સંચાલકો સામે શિક્ષણતંત્ર પગલાં લેશે કે કેમ ? આવનારો સમય જ બતાવશે.