180X600.jpg
Jul 26,2016 03:33:22 AM IST
 

હાશ ! મવડી ઓવરબ્રિજ ૮ માર્ચે લોકો માટે ખૂલ્લો મૂકાશે

Feb 27, 2013 02:15 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2347
Rate: 3.5
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૨૫

રાજકોટ-ગોંડલ રોડ ઉપર મવડી નજીક રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી અંતે મહાપાલિકા પુરી કરી શકી છે. આમ છતાં ભાજપના પદાધિકારીઓ હરખાઈ ઉઠયા છે. આગામી તા.૮ના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરાવવા કાર્યક્રમ ઘડી કાઢયો છે. મવડી ફાટક તરીકે ઓળખાતા આ સ્થળે એક સાથે નજીક નજીકમાં બે ફાટક આવેલા હોય તેની ઉપર ત્રિકોણીય બ્રિજ બનાવવા માટે આયોજન કરાયું ત્યારે તેમાં જે ખર્ચ હતો તેમાં વિલંબ થતાં ખર્ચમાં તોતિંગ વધારો થઈ ચુક્યો છે. મહાપાલિકાએ બ્રિજની કામગીરી હાથ ધરી ત્યારે તેનો ખર્ચ રૂ.૨૫ કરોડ આસપાસ અંદાજવામાં આવ્યો હતો. હવે, જ્યારે બ્રિજ પુરો થયો છે ત્યારે તેનો ખર્ચ રૂ.૫૮.૪૪ કરોડે પહોંચ્યો છે.

  • ૧૮ માસની કામગીરી ૫૧ મહિને માંડ પુરી છતાં હરખાતા નેતાઓ

ગત તા.૩-૧૧-૨૦૦૮ના રોજ બ્રિજનું કામ શરૃં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બ્રિજની ડિઝાઈન તેમજ કપાતને લઈને વારંવાર વિવાદો ઉઠયા હતા અને ડિઝાઈનમાં ફેરફારો કરાયા હતા. ૧૬.૫૦ મિટર પહોળા અને કુલ ૧૧૨૯,૨૧ મિટર પહોળા પુલમાં ત્રિકોણીય એપ્રોચ બનાવાયા છે. તેમાં મવડી ફાટક નં.૯ ઉપર ૩૭.૪૨ મિટરનો અને ગોંડલ રોડ ઉપર ૩૮.૯૩ મિટરનો સ્પાન( સ્ટીલ ગર્ડર)ચડાવાયો હતો. જ્યારે સિમેન્ટના કુલ ૪૧ પિલોર ઉપર સિમેન્ટના ૨૧.૮૦ મિટરના ૨૧૦ ગર્ડર ચડાવાયા હતા. આ ઉપરાંત ૧૪ એમ.એસ.પ્લેટ સ્ટીલ ગર્ડર પણ બંને તરફે ચડાવાયા હતા. બ્રિજ તૈયાર થવામાં ચાર વર્ષ કરતા પણ વધુ સમય વિતી ગયો હોય હાલાકી વધતા લોકોએ વારંવાર ઉશ્કેરાઈને બ્રિજ ખુલ્લો કરાવવા માટે માથાકુટો કરી હતી. ગત જાન્યુઆરી માસમાં એક નહિ પણ બબ્બે વખત લોકોએ જ બ્રિજને ખુલ્લો મુકી દીધો હતો. હવે તમામ કામગીરી તા.૨૮ સુધીમાં પુરી કરી દેવામાં આવનાર છે.

સાંજે ચાર કલાકે સીએમ બ્રિજ ખુલ્લો મુકશે

રાજકોટ : ૮ માર્ચે સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી નુરેન્દ્ર મોદીના હાથે આ બ્રિજ ખુલ્લો મુકવાનો હોઈ ક્યાં મુખ્ય કાર્યક્રમ યોજવો તેનું સ્થળ શોધવામાં આવી રહ્યું છે. પુલના એપ્રોચ રોડ બનાવવાના હોય તેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. મોદીના હાથે તખ્તી અનાવરણ થયા બાદ તેઓ જીપમાં બેસી પુલ ઉપરથી પસાર થશે અને બાદમાં ડાયસ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

મ્યુનિસિપલ કમિશનરના પ્રયાસો સફળ રહ્યાં

રાજકોટ : લોડ સેફ્ટીમાંથી મુકિત મળી હોય તેવો આ પ્રથમ પુલ છે. લોડ સેફ્ટીમાંથી મુકિત મળે તે માટે કમિશનર અજય ભાદૂ તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાયે સતત પ્રયાસો કર્યા હતા. તેમણે રેલવે સતાધિશો સાથે ત્રણ વખત બેઠકો કર્યા બાદ માંડ રેલવે સતાધિશોને ગળે મુકિતની વાત ઉતરી હતી. લોડ ટેસ્ટીગમાંથી મુકિત મળી ન હોત તો કદાચ તૈયાર થયેલો પુલ પણ હજુ એકાદ માસ ઉપયોગમાં લઈ શકાયો ન હોત.

ઓવરબ્રિજ કોન્ટ્રાકટરે વિલંબ વળતર માગ્યું

રાજકોટ : મવડી બ્રિજ બનાવવાની કામગીરી લેનાર રણજીત બિલ્ડકોને મહાપાલિકા પાસે વિલંબ વળતર માગ્યાની વિગતો સાંપડે છે. મવડી બ્રિજ બનાવવા માટે રેલવે તંત્ર આડુ ફાટતા તેમજ   મહાપાલિકાએ પણ સમયસર કેટલાક નિર્ણયો ન લેતા બ્રિજની કામગીરી ૧૮ માસને બદલે ચાર વર્ષ ચાલી હોય તેને કારણે ખર્ચ વધી જતાં રણજીત બિલ્ડકોને કરોડો રૂપિયાની માંગ મહાપાલિકા સમક્ષ મુકી છે.

રૈયા રોડ બ્રિજની ડિઝાઈન હજૂ ફાઇનલ નથી

રાજકોટ : રૈયા રોડ ફાટકે બ્રીજનું કામ ચાલુ થાય તે પહેલા જ કપાત તેમજ ડિઝાઈનના મુદ્દે ડખ્ખે ચડી ચુક્યું છે. રેલવેએ આ બ્રિજ માટે જનરલ ડ્રોઈંગ તૈયાર કરી તેને મંજૂરીની મહોર પણ મારી દિધી છે ત્યારે મહાપાલિકામાં હજુ ત્રણ પૈકી એકે ડિઝાઈન પસંદ થઈ નથી. ડિઝાઈન પંસદ થાય તો કપાત નક્કી થાય અને કપાત ફાઈનલ થયા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે. ડિઝાઈનાનાં ત્રણે વિકલ્પો સારા હોવાનું પદાધિકારીઓ જાહેરમાં કબુલી ચુક્યા છે પણ દરેકમાં કપાતનો એક યા બીજો પ્રશ્ન સામે આવતો હોય અને તેમાં રાજકિય ગજગ્રાહ ઉભો થાય તેમ હોય નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. હાલ, ભગવતીપરામાં રેલવે ફાટકે પુલની કામગીરી હાથ ઉપર લેવામાં આવી હોય ત્યાં પણ એક પછી એક મુશ્કેલીઓનો તંત્ર સામનો કરી રહ્યું છે.

 
Share This