180X600.jpg
Jun 28,2016 06:40:42 PM IST
 

બોક્સઓફિસ પર માર ખાતી મલ્ટિસ્ટારર ફિલ્મો

Feb 28, 2013 18:58 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3569
Rate: 5.0
Rating:
Bookmark The Article

સિનેમા

બોલિવૂડમાં એક દાયકો હતો કે મલ્ટિસ્ટારર ફિલ્મ ચાલે ચાલે ને ચાલે જ. ૭૦-૮૦ અને ૯૦ના દશકમાં એક ફિલ્મની અંદર ડઝન હીરો-હિરોઇનો ભેગાં કરીને ફિલ્મ બનાવવામાં આવતી હતી અને જોરદાર હિટ રહેતી હતી. 'વક્ત', 'અમર અકબર એન્થોની', 'નસીબ', 'ત્રિદેવ', 'વિશ્વાત્મા', 'મોહરા' અને આવી અઢળક ફિલ્મો મલ્ટિસ્ટારવાળી હતી અને બ્લોકબસ્ટર રહી હતી. મલ્ટિસ્ટારર ફિલ્મો હિટ જ રહે એની હવે કોઈ ગેરન્ટી નથી

થોડા સમય પહેલાં 'શૈતાન' જેવી હટકે ફિલ્મ બનાવનાર બિજોય નામ્બિયારે 'ડેવિડ' ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ જાણે ફિલ્મમાં કોઈ દમ જ ન હોય. ફિલ્મનું જે થયું તે થયું, પણ એક વાત ચોક્કસ જાણવા મળે છે કે આજના દર્શકોને એક ફિલ્મમાં વધુ સ્ટોરીવાળી ફિલ્મ જોવી પસંદ નથી. મલ્ટિપલ સ્ટોરીવાળી ફિલ્મમાં સ્ટારનો મેળાવડો જામવાથી ફિલ્મમાંથી દર્શકોનો રસ ઘટી જતો હોય તેવું લાગે છે. આવી તો છેલ્લાં વર્ષોમાં આવેલી અનેક ફિલ્મો છે, જેની મલ્ટિપલ સ્ટોરી અને મલ્ટિસ્ટાર કાસ્ટના લીધે ફિલ્મને ફ્લોપનો સિમ્બોલ લાગી ગયો હોય.

ફિલ્મોનું લિસ્ટ તો ગણ્યું ગણાય નહીં વીણ્યું વીણાય નહીં તેવડું છે, પણ શરૂઆત બોલિવૂડ ઇતિહાસમાં ક્યારેય કોઈ ફિલ્મમાં ન જોયા હોય તેટલા સ્ટારનો મેળો ભરાયો હતો ત્યાંથી કરીએ. ૨૦૦૩માં જે.પી. દત્તાએ ઐતિહાસિક સાહસ કર્યું હતું 'એલઓસી કારગિલ' બનાવીને. ફિલ્મ કારગિલ યુદ્ધ પરની હતી, પણ જે.પી. દત્તાએ ફિલ્મમાં લગભગ છત્રીસ જેટલા નાના-મોટા સ્ટારોની સ્ટોરી ફિટ કરી હતી. આટલી ભવ્ય સંખ્યામાં બોલિવૂડે કોઈ ફિલ્મમાં સ્ટાર જોયા નથી અને કદાચ જોશે પણ નહીં. (એ વાત અલગ છે કે ગેસ્ટ રોલમાં હીરો વધારે હોય) અજય દેવગન, અભિષેક બચ્ચન, સંજય દત્ત, રાની મુખર્જી અને કરિના કપૂર જેવા ટોપ સ્ટાર્સથી ભરેલી આ ફિલ્મને બોક્સઓફિસ પર ભારે પછડાટ મળી હતી. જેટલાં વધારે ઠામ હોય એટલા વધુ ખખડે વળી, આ ફિલ્મની લંબાઈ પણ દર્શકોને ખટકી અને અસહ્ય નીવડી હતી. સ્ટોરી સ્ક્રીનપ્લે નિર્માતા અને દિગ્દર્શકની ભૂમિકા ભજવનાર જે.પી. દત્તાને મસમોટું નુકસાન સહન કરવું પડયું હતું.

'કલ હો ન હો'થી બોલિવૂડમાં લોકપ્રિય થનાર નિખિલ અડવાણીએ કંઈક આવી જ ભૂલ 'સલામ એ ઇશ્ક' બનાવીને કરી નાખી. સલમાન ખાન, જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, અક્ષય ખન્ના, ગોવિંદા, પ્રિયંકા ચોપરા અને વિદ્યા બાલન જેવી સુપરકાસ્ટ ફિલ્મમાં હોવા છતાં ધોબીપછડાટ મળી હતી. ફિલ્મમાં વાંધો જે હતો તે સુપરસ્ટાર હીરોની અલગ અલગ સ્ટોરીને જોડતી કંટાળાજનક કડી હતી. આ ફિલ્મને ખરી રીતે તો એક નિયમમાં રાખવાની જરૂર હતી કે નાનું કુટુંબ સુખી કુટુંબ, પણ નિખિલભાઈને તો બધાને ભેગા કરીને પૈસા કમાઈ જ લેવા હતા. પ્રેમને સર્મિપત ફિલ્મને સામાન્ય દર્શકો તો ન મળ્યા, પણ કોઈ પ્રેમીઓએ પણ હિંમત ન દાખવી. ૨૦૦૭ની સૌથી મોટા બજેટવાળી સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની હતી.

રામગોપાલ વર્મા તો ચાલો એક્સપરિમેન્ટ કરીને 'ડરના મના હૈ' અને 'ડરના જરૂરી હૈ' જેવી સામાન્ય બજેટની ફિલ્મો બનાવીને વળતર મેળવી લે છે. જોકે આ ફિલ્મો સદંતર નિષ્ફળ પણ નહોતી. થોડા ઘણા અંશે સ્વીકાર્ય હતી. રામુથી એક કદમ આગળ વધીને અપૂર્વ લાખિયાએ દસ-દસ સ્ટોરીવાળી 'દસ કહાનિયાં' ફિલ્મ બનાવી નાખી. જેમાંથી મોટાભાગની સ્ટોરી હોલિવૂડ શોર્ટ ફિલ્મોની ઉઠાંતરી હતી. બહુ મોટા ગજાના સ્ટાર ફિલ્મોમાં નહોતા, સિવાય સંજય દત્ત, નસીરુદ્દીન શાહ, સુનીલ શેટ્ટી અને અનુપમ ખેર. જે ૨૦૦૭ની બીજી મોટી ફ્લોપ સાબિત થઈ હતી. જોકે સંજય દત્ત, અનિલ કપૂર અને અક્ષય ખન્નાની મલ્ટિસ્ટાર 'નો પ્રોબ્લેમ' માટે બધાને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ હતા. અનિઝ બઝમીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને જોવા કોઈ રાજી ન થયા.

કરણ જોહર 'કભી ખુશી કભી ગમ'માં મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવામાં સફળ થયા હતા, પણ 'કભી અલવિદા ના કહેના'માં ખાસ કંઈ ઉકાળી નહોતા શક્યા. અબ્બાસ-મસ્તાનની ફિલ્મો મલ્ટિ કાસ્ટમાં સફળ રહી હતી, પણ બધી હિટ ફિલ્મોનો નફો એક 'પ્લેયર્સ'માં ખાખ થઈ ગયો. અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, સોનમ કપૂર, બોબી દેઓલ અને વિનોદ ખન્ના અને હજી ઘણા બધા કલાકારો હોવા છતાં ફિલ્મ ડબ્બે ડુલ થઈ ગઈ. બધા કલાકારો એક-એક કરોડનું વળતર લાવ્યા હોતને તોપણ ફિલ્મનું થોડુંક બેલેન્સ થઈ જાત. છેલ્લામાં છેલ્લી કહી શકાય તેવી મલ્ટિસ્ટારર ફિલ્મ પ્રકાશ ઝાની 'રાજનીતિ' આવી હતી. જોકે 'રાજનીતિ' ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. વિશાલ ભારદ્વાજે સુપર એક્ટ હીરોને લઈને 'ઓમકારા' બનાવવાનો સારો પ્રયાસ કરેલો, જેમાં તે સફળ થયેલા. મણિરત્નમ્ની 'યુવા' પણ નકારી ન શકાય, તો આદિત્ય ચોપરાની એક્શન ડ્રામા 'ધૂમ' સિરીઝ જબરદસ્ત રહી હતી. લાસ્ટમાં આવેલી મલ્ટિસ્ટાર હીરોની ફિલ્મની પસંદમાં અભિષેક બચ્ચન બધાની પસંદગી બન્યો છે, જે અનુભવ સિંહાની 'દસ' ફિલ્મમાં પણ હતો. 

૧૯૬૫માં યશ ચોપરાની 'વક્ત' ફિલ્મે બોલિવૂડમાં મલ્ટિસ્ટારર ફિલ્મનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જેમાં રાજકુમાર, સુનીલ દત્ત અને નૂતન જેવા સુપરસ્ટારો હતા.

સિને ઇતિહાસમાં રમેશ સિપ્પીની 'શોલે' મલ્ટિસ્ટાર હીરોની બ્લોકબસ્ટર ટ્રેડમાર્ક ફિલ્મ બની રહી છે. જોકે આ ફિલ્મ પાંચ વર્ષ સુધી થિયેટરમાં ચાલવાનો રેકોર્ડ ધરાવે છે.

મનમોહન દેસાઈની મોટાભાગની ફિલ્મોમાં એક કરતાં વધારે હીરો જોવા મળતા, જે તેનો ટ્રેડમાર્ક હતો અને સક્સેસ ફોર્મુલા પણ...

સુભાષ ઘાઈએ 'કર્મા', 'રામ લખન' અને 'સૌદાગર' જેવી મલ્ટિસ્ટારર હિટ ફિલ્મ આપી છે, તો 'યાદેં' અને 'યુવરાજ' જેવી નિષ્ફળ ફિલ્મ પણ આપી છે.

ગત સપ્તાહે આવેલી 'જિલ્લા ગાઝિયાબાદ' ફિલ્મમાં સંજય દત્ત, વિવેક ઓબેરોય, અર્શદ વારસી, પરેશ રાવલ, મિનિષા લાંબા અને રવિ કિશન જેવા સ્ટારનો રાફડો હોવા છતાં ફિલ્મ ફ્લોપ રહી હતી.

આ વર્ષે મલ્ટિસ્ટાર કાસ્ટ 'શૂટ આઉટ એટ વડાલા', 'ધૂમ-૩', 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ અગેઇન', 'સત્યાગ્રહ', 'બુલેટ રાજા' અને 'હેપ્પી ન્યૂ યર' જેવી ફિલ્મો આવી રહી છે.

 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com