તંત્રી સ્થાનેથી
આદિકાળના માનવીમાં એ જિજ્ઞાસા કે લાક્ષણિકતા હશે કે નહીં તે તો કહી શકાય તેમ નથી, પણ લખાયેલા ઇતિહાસમાં જેટલી સદીઓ સમાઈ છે તે બધામાં તો માણસને તેનો વર્તમાન જાણવા કરતાં ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા વધારે બળવાન હોવાનું જોવા મળે છે. ખુલ્લી યા છૂપી રીતે પણ માણસ પોતાનું ભવિષ્ય શું છે તે જાણવા અથવા કોઈ એક બાબતનો કે પ્રશ્નનો ઉકેલ શું આવશે તે જાણવા હંમેશાં ઉત્કંઠ રહે છે. આ એક બાબતમાંથી કોઈ માનવી બાકાત નથી એ વાત નક્કી છે.
બીજી બાજુ, ભવિષ્ય ભાખવાની રીતો, શાસ્ત્રો અને પદ્ધતિઓનો ફાલ પણ એટલો જ મોટો ઊતરતો રહ્યો છે. દુનિયાભરની ભવિષ્યકથનની રીતો-પદ્ધતિઓનો સરવાળો કરીએ તો તેની સૂચિનું કદ પણ ખાસ્સા મોટા પુસ્તક જેટલું થઈ જાય. આપણે ત્યાં પણ પ્રાચીન જ્યોતિષ વિદ્યા, હસ્તરેખાશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, અંકશાસ્ત્ર વગેરે હતા જ. તેમાં આધુનિક સમયમાં પાછી વિદેશી પદ્ધતિઓ ટેરોકાર્ડ-જેવીનો ઉમેરો થયો છે. કાચના ગોળામાં ભવિષ્ય જોવાની પણ પદ્ધતિ તો ખરી જ. જેમ જેમ વિજ્ઞાન કુદરતના વધુ ને વધુ રહસ્યોનો તાગ મેળવતું જાય છે તેમ તેમ લોકોની વિચારવાની શક્તિ અને વિવેકબુદ્ધિ મંજાઈને વધારે સાફ-સ્પષ્ટ થવાને બદલે તેઓ ભવિષ્ય ભાખનારાઓ ભણી કેવળ શ્રદ્ધાના દોર્યા દોડી રહ્યા છે. એટલું જ નહીં, ભવિષ્યને ધાર્યા મુજબનું બનાવી દેવાનો વ્યવસાય ખોલી બેઠેલા તાંત્રિકો, માંત્રિકો અને એવા એવા કેટલાય 'કો'નું શરણું શોધી રહ્યા છે અને ભવિષ્યકથન જાણે એક પૂરા કદનો ઉદ્યોગ બની રહ્યો છે.
ભવિષ્યવેત્તા કે ભવિષ્ય ભાખનાર વિશે એક વાત યાદ આવે છે. એક દિવસ ચાર વિદ્યાર્થીઓ એક ભવિષ્ય ભાખનાર પાસે ગયા અને પોતે આપેલી પરીક્ષાનું પરિણામ શું આવશે તેની ઉત્કંઠા દર્શાવી. ભવિષ્યવેત્તા કશું બોલ્યા નહીં, ફક્ત એક આંગળી ઊંચી કરી.
પછી પરિણામ તો જાહેર થયું જ. ફક્ત એક વિદ્યાર્થી જ પાસ થયો હતો. એટલે ચારેય વિદ્યાર્થી દોડતા પાછા ભવિષ્ય ભાખનાર પાસે પહોંચ્યા અને આતુરતાથી પૂછયું : તમને આ પરિણામની ખબર કેવી રીતે પડી હતી? ભવિષ્યવેત્તાએ કહ્યું : સાવ સીધી વાત છે. જો તમે બે જણ પાસ થયા હોત તો હું કહેત કે એક આંગળીનો અર્થ થાય છે અર્ધા (એટલે કે ચારમાંથી બે જણ) જો ત્રણ પાસ થયા હોત તો કહેત કે એક આંગળી એટલે એક જણ નાપાસ. જો બધા પાસ થયા હોત તો કહેત કે એક આંગળી એટલે કોઈ નાપાસ નહીં અને જો બધા નાપાસ થયા હોત તો કહેત કે એક આંગળીનો અર્થ જ એ કે કોઈ પાસ થશે નહીં!
વિદ્યાર્થીઓ તો માથું ખંજવાળતા ચાલ્યા ગયા, પણ તમને કંઈ સમજાયું?