- મેહુલ મકવાણા
સુંદરવનમાં દરેક પ્રાણી કે પંખીને પોતાને યોગ્ય લાગે તે સ્થળે વસવાટ કરવાનો અધિકાર હતો. જોકે, માંસભક્ષી તથા તૃણાહારીઓ માટે અલાયદા નિયમો બનાવવામાં આવ્યા હતા. જંગલની મધ્યમાં વડનું એક વિશાળ ઝાડ હતું. અહીં ઘણાં પંખીઓ રહેતાં હતાં. ખાસ કરીને બચ્ચાંઓ નાનાં હોય કે બચ્ચાંનો જન્મ થવાનો હોય ત્યારે પંખીઓ આ ઝાડ પર જ વસવાટ કરતાં. એક દિવસ સાંજે પંખીઓ માટે આરક્ષિત એવા આ ઝાડ પર એક દીપડો આવી ચડયો. બધાં પંખીઓએ તેના આગમનનો વિરોધ કર્યો પણ તે ત્યાંથી ખસ્યો જ નહીં. રાત પડવાની તૈયારી હતી. જો દીપડો રાતે અહીં જ રહેશે તો તે ચોક્ક્સ નાનાં બચ્ચાંઓનો શિકાર કરશે તેની પંખીઓને જાણ હતી. એક કાગડો દીપડાની પાસે જઈને બોલ્યો. આ ઝાડનો વિસ્તાર પ્રેસિડેન્ટ લવલી લાયનના હુકમથી નાનાં બચ્ચાવાળાં પંખીઓ માટે ખાસ રક્ષિત રાખવામાં આવ્યો છે એટલે તારે તરત જ અહીંથી જતા રહેવું પડશે. દીપડો એકદમ ખંધાઈથી બોલ્યો ''જંગલના નિયમ પ્રમાણે પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયેલું કોઈ પણ પ્રાણી તેને યોગ્ય લાગે તેવા સ્થળે રાત રહી શકે છે. હું આજે મારા ઘરનો રસ્તો ભૂલી ગયો છું એટલે જ આ સુરક્ષિત જગ્યાએ રોકાઈશ અને સૂરજ ઊગતાંની સાથે જ જતો રહીશ. જંગલ ઉપર મારો પણ તમારા જેટલો જ અધિકાર છે. '' દીપડાની વાત આમ તો સાચી હતી. જોકે, તે ઘરનો રસ્તો ભૂલી જવાનું નાટક જ કરી રહ્યો છે તેવી પાકી બાતમી કાગડાઓ પાસે હતી.
રકઝકમાં રાત પડવા આવી હતી. દીપડાના ભયથી પંખીઓ ચિંતામાં હતાં. જંગલના બે નિયમો સામસામે ટકરાતા હવે શું કરવું તેની અવઢવ પણ હતી. છેવટે તેમણે એક નવીન રસ્તો કાઢયો. સુંદરવનના નિયમ મુજબ દીપડાને રોકાવા માટે એક ડાળ ખાલી કરી આપી. દરેક પંખીના પરિવારે તેનું સ્વાગત કર્યું અને જાહેર કર્યું કે તે આજની રાત આપણો મહેમાન છે. ભૂલા પડયાનું બહાનું સફળ થઈ રહ્યું હોવાથી અને શિકારની શક્યતા નજીક હોવાથી દીપડો એકદમ ખુશ હતો. મધરાતે બધા સૂઈ જાય ત્યારે શિકાર કરવાનું વિચારી તે પોતાની ડાળ પર આંખ બંધ કરીને આડો પડયો. એટલામાં વિજુ વાંદરો તેના સ્વાગત માટે સરબત લઈને આવ્યો. આ ઘેન ચડે તેવી વનસ્પતિમાંથી બનાવેલું ખાસ શરબત હતું. દીપડાને શંકા ન જાય તે માટે વિજુ વાંદરાએ પણ તેની સામે જ શરબત પીધું. તેનો મધ જેવો મીઠો સ્વાદ દીપડાને બહુ ભાવ્યો. શિકાર માટે ખાલી ખાલી આરામ કરી રહેલો દીપડો શરબતના ઘેનમાં ખરેખર સૂઈ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે સૂરજ માથે ચડવા આવ્યો હતો પ્રેસિડેન્ટ લવલી લાયન તેનાં માતાપિતા સાથે તેની સામે ઊભા હતા.
બોધ : અવળચંડાઈ અને લુચ્ચાઈ કરનારા કદી ફાવતા નથી. નિયમમાં રહેનાર અને સારા લોકોનું જ હંમેશાં ભલું થતું હોય છે. લુચ્ચાઓને યોગ્ય બોધપાઠ ભણાવવો જોઈએ.