વોશિંગ્ટન, તા. ૧
- ફિલાડેલ્ફિયામાં ૨૩મી માર્ચે યોજાનારા ઇકોનોમી ફોરમમાં મુખ્ય વક્તા તરીકે વીડિયો કોન્ફરન્સથી ભાષણ આપશે
- અમેરિકા માટે વિઝાનો પ્રતિબંધ છતાં મોદીની ઓનલાઇન એન્ટ્રી
- અગાઉ અબ્દુલ કલામ, અનિલ અંબાણી, ચિદમ્બરમ્ આ ફોરમમાં ભાગ લઈ ચૂક્યા છે
અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના પેન મ્યુઝિયમ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત વોર્થન ઇન્ડિયા ઇકોનોમી ફોરમ(ડબ્લ્યુઆઈઈએફ)ના મુખ્ય છ વક્તામાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૩મી માર્ચે યોજાનારી ઇકોનોમી ફોરમમાં તેમની સાથે વક્તાઓમાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ આહલુવાલિયા, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, રાજ્યકક્ષાના આઇટી અને કોમ્યુનિકેશન પ્રધાન મિલિન્દ દેવરા, ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી, સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખતર પણ જોડાશે.
ભારતના આગામી વડાપ્રધાન બનવા માટે પક્ષ તરફથી પ્રબળ દાવેદાર મનાતા મોદી હાલ 'મેનેજમેન્ટ ગુરુ' બનીને વિશ્વભરમાં પોતાની છબી છોડી રહ્યા છે. ગયા મહિને જ તેમણે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાતના વિકાસ મોડલને પોતાના અંદાજમાં રજૂ કર્યું હતું અને હવે અમેરિકામાં ઇકોનોમિક ફોરમનાં બહાને તે રાજ્યના વિકાસ મોડલ વિશે સંબોધન કરશે. મોદીને અમેરિકાના વિઝા પર પ્રતિબંધ છે પણ તેઓ વીડિયો કોન્ફરન્સથી ઇકોનોમી ફોરમમાં ભાષણ આપશે. ગુજરાતમાં ૨૦૦૨માં રમખાણો બાદ અમેરિકાએ મોદીના વિઝા પર પ્રતિબંધ લગાવેલો છે તેથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી અમેરિકામાં તેમનું ભાષણ આપશે.
વોર્થન ઇન્ડિયા ઇકોનોમી ફોરમ શું છે?
વોર્થન ઇન્ડિયા ઇકોનોમી ફોરમ વોર્થન સ્કૂલ ઓફ ધ યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતો એક વાર્ષિક કાર્યક્રમ છે, જેમાં ભારતના આર્થિક મુદ્દાઓનો પણ સમાવેશ કરાયો છે. ૧૬ વર્ષ પહેલાં શરૂ થયેલી ભારત આધારિત બિઝનેસ કોન્ફરન્સ આજે વિશ્વભરમાં ઓળખ બનાવી ચૂકી છે, તે ભારતમાં વર્તમાન પરિસ્થિતિમાં તકો અને પડકારોનો સામનો કરવા માટે નેતાઓના વિચાર રજૂ કરવાનો મંચ છે.