ભુજ, તા.૧
ભુજ તાલુકાના પદ્ધર ગામે આહિર યુવાનનું ખૂન કરનાર આરોપીએ ભુજની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.જો કે, તેની અરજીની સુનાવણી થઇ જતાં કોર્ટે અરજી નામંજૂર કરી હતી.કેસની વિગતો પ્રમાણે ભુજ તાલુકાના પદ્ધર ગામના ફરિયાદી શંભુ જેસંગ ખુંગલા પોતાના પુત્ર અરજણ શંભુ ખુંગલા(ઉ.વ. ૨૩) નું આરોપી શામજી કાના કોઠિવાર તથા તેના પુત્ર રાજેશ શામજી કોઠિવાર તથા અરજણ બાબુ આહિર(રહે. પદ્ધર)એ સાથે મળીને આરોપી શામજી કાનાની પુત્રી સાથે મૃતકને પ્રેમસંબંધ તથા આડા સંબંધ હોવાનું મનદુઃખ રાખીને આરોપી શામજી કાના તથા તેના પુત્ર રાજેશ શામજીએ ગુજરનાર અરજણ શંભુને બળતણના લાકડા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને મૃતકને રાત્રિના પોતાની મહેન્દ્ર પીકઅપ જીપની પાછળ નાખીને કાળી તલાવડી તરફ જતાં રસ્તા પાસે બાવળની ઝાડીમાં નાખીને નાસી ગયા હતા. આ સંબંધે મૃતકના પિતાએ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૦૨,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબની ફરિયાદ નોંધાવી હતી.ખૂન કેસનાં આરોપી પિતા-પુત્ર શામજી કાના તથા રાજેશ શામજીએ ભુજની એડિશનલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. જેની સુનાવણી થઇ જતાં ન્યાયાધિશ એચ.ડી.સુથારે બંને આરોપીઓની જામીન અરજી ગુનાની ગંભીરતા જોઇને નામંજૂર કરી હતી. સરકાર પક્ષે એડિશનલ પી.પી.ચંદ્રકાન્ત સી.ગુજરાતી તથા મુખ્ય ફરિયાદી તરફે ડી.વી.ગઢવી અને અતુલ નેમચંદ મહેતા હાજર રહ્યા હતા.