180X600.jpg
Jul 01,2016 08:02:34 AM IST
 

ત્રાસવાદીઓ સામે ઇઝરાયલવાળી જરૂરી

Mar 02, 2013 19:10 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 4578
Rate: 3.6
Rating:
Bookmark The Article

બ્લેક & વ્હાઇટ - આશુ પટેલ

દેશમાં જુદા જુદા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સમાં ૧૦૦૦થી વધુ નિર્દોષ લોકો કમોતે મર્યા છે

હૈદરાબાદના બોમ્બ બ્લાસ્ટ્સનો ઘા હજુ તાજો છે ત્યાં એવી માહિતી બહાર આવી છે કે ત્રાસવાદીઓએ દેશના અન્ય મોટાં શહેરોમાં પણ રેકી કરી છે. થોડા દિવસો અગાઉ મુંબઈ પોલીસને પણ ખબર પડી હતી કે મુંબઈના કેટલાક ભીડવાળા વિસ્તારોની પણ ત્રાસવાદીઓએ રેકી કરી છે. એટલે કે એ વિસ્તારોમાં પણ બોમ્બ બ્લાસ્ટ્સ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. બાપડા મુંબઈગરાઓએ કાશ્મીર પછી સૌથી વધુ આતંકવાદી હુમલાઓ સહન કર્યા છે. ૧૯૯૩માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુંબઈમાં સમયાંતરે બોમ્બ બ્લાસ્ટ્સ થતા રહ્યા છે અને ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે ફાઇવસ્ટાર હોટલ્સ તાજમહાલ અને ઓબેરોય તથા છત્રપતિ શિવાજી ટર્મિનસમાં અંધાધૂંધ ગોળીબાર કરીને સેંકડો મુંબઈગરાઓને મારી નખાયા હતા, એ યાદ આવે ત્યારે હજુ મુંબઈગરાઓ ફફડી જાય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે હાથ ઊંચા કરીને ઊભા રહી જાય છે કે અમે કેટલાંક રાજ્યોને ત્રાસવાદી હુમલા માટે ચેતવ્યા હતા.

કાશ્મીરમાં છેલ્લા અઢી દાયકામાં પચાસ હજાર માણસો કમોતે મર્યા છે અને ૧૯૯૩થી અત્યાર સુધીમાં ૨૦ વર્ષમાં દેશના જુદાં જુદાં શહેરોમાં ડઝનબંધ બોમ્બ બ્લાસ્ટ્સ થયા છે. એમાંથી એક ડઝન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સમાં જ ૧૦૦૦થી વધુ માણસો કમોતે મર્યા છે. એ સિવાય મુંબઈના ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના આતંકવાદી હુમલા જેવા કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૨ના દિવસે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકવાદી હુમલા જેવી ઘટનાઓ તો જુદી, પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાઓ સામે આપણા સત્તાધીશ રાજકારણીઓની પ્રતિક્રિયા એ હુમલાઓના જખમ પર મીઠું ભભરાવવા જેવી હોય છે અને એ દરેક પક્ષના રાજકારણીઓને લાગુ પડે છે. ઉપરાછાપરી ત્રાસવાદી હુમલાઓ થવા છતાં આપણા નકટા, નિંભર અને નફફટ રાજકારણીઓનાં પેટનું પાણી પણ હલતું નથી. તેમના માટે સામાન્ય ભારતીય નાગરિકની કિંમત કીડા-મંકોડાથી વધુ નથી. બીજી બાજુ પાકિસ્તાન સાથે શાંતિ માટે મંત્રણાઓ ચાલતી રહે છે.

હદ તો ત્યારે થાય છે કે યાસીન મલિક જેવો કબાડી કાશ્મીરી નેતા પાકિસ્તાન જઈને મુંબઈ પર ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સાથે સ્ટેજ પર ચડીને અફઝલ ગુરુને ફાંસીએ ચડાવવા માટે ઉપવાસ કરે અને ભારત સરકારને ગાળો આપે પછી આપણી સરકાર 'ધમકી' આપે કે યાસીન મલિકે આ વખતે વધુ પડતું જ ઉંબાડિયું મૂક્યું છે એટલે એનો પાસપોર્ટ પાછો ખેંચી લેવા માટે વિચારવું પડશે!

આતંકવાદને કઈ રીતે ખાળવો જોઈએ અને આતંકવાદીઓ તથા એમને સમર્થન આપનારા દેશદ્રોહીઓ સામે કઈ રીતે વર્તવું જોઈએ એ આપણે ઇઝરાયેલ પાસેથી શીખવું જોઈએ. ચોતરફ મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું ઇઝરાયેલ આતંકવાદ સામે દાયકાઓથી ટક્કર લઈ રહ્યું છે અને જેવા સાથે તેવાની ફોર્મ્યુલા અજમાવી રહ્યું છે. ઇઝરાયેલને આતંકવાદથી બ્લેકમેઇલ કરવાની કોશિશ થાય એ સાથે ઇઝરાયેલ ધોકાવાળી (મિસાઇલ હુમલા અને બોમ્બાર્ડિગ, ધેટ ઇઝ) કરે છે.

આપણે ત્યાં આતંકવાદી હુમલો થાય ત્યારે એક વર્ગ એવી પણ માગણી કરે છે કે નાઇન ઇલેવનના હુમલા પછી અમેરિકાએ જે રીતે અફઘાનિસ્તાનમાં તાલીબાનોના અડ્ડાઓને ઘડી લાડવો કરી નાખ્યો હતો એ જ રીતે આપણે પાકિસ્તાની ત્રાસવાદી છાવણીઓનો ખાતમો બોલાવી દેવો જોઈએ. પણ એવું કરવા જતાં ભારત-પાક વચ્ચે યુદ્ધ થઈ જાય અને ઇન્દિરા ગાંધી પછી આપણા નસીબે મોટા ભાગના ત્રીજી અને તિરસ્કૃત જાતિના સભ્ય સમા (નપુંસક, સાદી ભાષામાં કહીએ તો) રાજકારણીઓ જ આવ્યા છે. એટલે પાકિસ્તાની ટેરરિસ્ટ કેમ્પ્સ પર ત્રાટકવાની હિંમત તો શું કલ્પના પણ તેઓ ન કરી શકે. એટલે એ વિકલ્પ તો ભૂલી જ જવો પડે, પણ કાશ્મીર અને બીજા રાજ્યોમાં ત્રાસવાદીઓ બાપના બગીચામાં ફરતા હોય એ રીતે પ્રવૃત્તિઓ કરે છે, ત્યાં પંજાબ જેવી 'સાફસૂફી' તો ચોક્કસ હાથ ધરી જ શકાય. કે.પી.એસ. ગિલને છુટ્ટો દોર આપીને પંજાબના પોલીસ વડા બનાવીને મોકલાયા એ પછી તેમણે જે રીતે પંજાબમાંથી ત્રાસવાદને મૂળિયાં સોતો ઉખેડી નાખ્યો હતો એ રીતે કાશ્મીર, મહારાષ્ટ્ર, હૈદરાબાદ અને બીજા વિસ્તારોમાં જ્યાં ત્રાસવાદ ઘર કરી ગયો છે ત્યાં ત્રાસવાદીઓનો સફાયો કરી નાખવો જોઈએ.

ત્રાસવાદીઓની સાથે સાથે એમને આશ્રય આપનારા અને મદદ કરનારા દેશદ્રોહીઓને પાઠ ભણાવવા માટે પણ પોલીસને અને લશ્કરને છુટ્ટો દોર આપવો જોઈએ. અફઝલ ગુરુ બ્રાન્ડ દેશદ્રોહીઓને ફાંસીએ લટકાવવા જોઈએ. આપણે ત્યાં કેટલાંક છાપેલાં કાટલાં સમા થનગનભૂષણો છે, જે કોઈ પણ મુદ્દે માનવ અધિકારની દુહાઈ દેવા માંડે છે. અફઝલ ગુરુ કે અજમલ કસાબ જેવા ગુનેગારોને ફાંસીની સજા થાય ત્યારે પણ તેઓ માનવ અધિકારનો ઝંડો લઈને ઠેકી પડે છે અને એ રીતે તેઓ ત્રાસવાદીઓને મદદરૂપ થાય છે. કાશ્મીરમાં હજારો નિર્દોષ માણસોની કતલ થાય કે મુંબઈમાં સેંકડો માણસો ત્રાસવાદી હુમલામાં કમોતે મરે ત્યારે એમનું રૂવાડું પણ ફરકતું નથી, પણ પોલીસ કે લશ્કર કોઈ ત્રાસવાદીને ગોળીએ દે ત્યારે જાણે માડીજાયો ભાઈ મરી ગયો હોય એ રીતે તેઓ કાગારોળ મચાવી મૂકે છે. એવા તિકડમબાજોને કાંઠલેથી ઝાલીને સવાલ કરવો જોઈએ કે, "લ્યા, છેલ્લા કયા આતંકવાદી હુમલા વખત તું તારા મોઢામાંથી ફાટયો હતો કે બહુ ખોટું થયું. આ હુમલો કરનારા ત્રાસવાદીઓ અને એમને મદદ કરનારા તમામને વીણી વીણીને ફાંસીએ ચડાવી દેવા જોઈએ." એવા સવાલના જવાબમાં એ સો કોલ્ડ બૌદ્ધિક સજ્જન કે સન્નારી મૂંગાં થઈ જાય અથવા તો માનવ અધિકારની આડી તેડી વાત કરવા માંડે ત્યારે એમને પણ દેશદ્રોહી ઠરાવીને આરોપીના પિંજરામાં ખડા કરી શકાય એવી જોગવાઈ આપણા કાનૂનમાં કરવી જોઈએ. હજારો લોકો કમોતે મરે એનો આવા નમૂનાઓને વાંધો નથી હોતો, પણ એક અફઝલ ગુરુને ફાંસીએ ચડાવવા સાથે એમનો જાણે ગરાસ લૂંટાઈ જાય છે.

એવી જ રીતે ઓસામા બિન લાદેન માટે ઓસામાજી શબ્દ ઉચ્ચારનારા અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઇદનો શ્રી હાફિઝ સઇદ તરીકે ઉલ્લેખ કરનારા રાજકારણીઓને પણ ઘરે બેસાડી દેવાની વ્યવસ્થા સુજ્ઞા મતદારોએ પછીની ચૂંટણીમાં કરવી જોઈએ અને જે નેતાઓ, પ્રધાનો અને અધિકારીઓ ત્રાસવાદ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવાને બદલે ગોળ ગોળ વાતો કરીને અને પ્રજાના સ્પિરિટની પ્રશંસા કરીને પ્રજાનો આક્રોશ ઠંડો પાડી દેવા માગતા હોય એમને શાંતિથી પણ મક્કમ રીતે કહેવું જોઈએ કે તમારાથી કંઈ ન થઈ શકતું હોય તો તમારી જવાબદારી બીજા સક્ષમ માણસોને સોંપીને તમે માતાજીના મંદિરમાં જઈને તાબોટા પાડો!

aashupatel@gmail.com
 
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com