લંડન, તા. ૩
- જીપી એક્ઝામમાં ભારતીય સાથે ભેદભાવ રખાય છે
- બ્રિટિશ અને ભારતીય ડોક્ટરો સાથે માર્કમાં પણ ભેદભાવ
લંડનમાં ડોક્ટરીનો અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ થયાની કાયદેસરની ફરિયાદ કરવામાં આવી છે. તેમણે રેગ્યુલેટરી બોર્ડ ફોર ડોક્ટર્સ ઈન યુકે સામે કાયદેસરની ફરિયાદ કરી છે. ડોક્ટર બનનાર વ્યક્તિ દ્વારા પોતાની શાખામાં સંતોષકાર કામ કરીને અને અભ્યાસ કરીને આવડત હાંસલ કરવામાં આવી છે તથા તે ખાગની પ્રેક્ટિસ કરી શકે છે તેને લગતી પરીક્ષામાં ભારતીય સાથે અન્યાય કરવામાં આવે છે. બ્રિટિશ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિને જણાવ્યું કે, આ પરીક્ષામાં બ્રિટિશ વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો વચ્ચે પાસિંગ માર્કમાં પણ તફાવત રાખવામાં આવે છે.
બીએપીઆઈઓના વકીલો દ્વારા જનરલ મેડિકલ કાઉન્સિલ, સ્ટાન્ડર્ડ બોડી તથા રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર(આરસીજીપી) જેવા રેગ્યુલેટરો સામે કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે. બીએપીઆઈઓના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું કે, બીએપીઆઈઓ દ્વારા માગણી કરાઈ છે કે આરસીજીપી દ્વારા લેવાતી એમઆરસીજીપી એક્ઝામ અંગે જ્યુડિશિય રિવ્યૂ થવો જોઈએ. અમારા વકીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કારણો જણાવ્યા વગર કે કોઈ ક્રાયટેરિયા વગર બ્રિટિશ ગ્રેજ્યુએટ અને આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ વચ્ચે માર્ક બાબતે પણ ભેદભાવ કરવામાં આવે છે.
બીએપીઆઈઓ દ્વારા એવી પણ દલિલ કરવામાં આવી છે કે અહીંયા મેડિકલનો અભ્યાસ કરતા લોકો દ્વારા જીએમસીની પીલેબ ટેસ્ટ (જેમાં અંગ્રેજી ભાષાની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે, અને જેના દ્વારા જાહેર કરવામાં આવે છે કે આ વ્યક્તિ બ્રિટનમાં મેડિસિનની પ્રેક્ટિસ માટે યોગ્ય છે અને તેનામાં જરૂરી સ્કિલ્સ છે) પણ પાસ કરી ચૂક્યા છે. આ ટેસ્ટ જીપી ટ્રેનિંગમાં અને ચાલુ પરીક્ષા પ્રક્રિયામાં પ્રવેશ લેવા માટે ફરજિયાત હોય છે.