180X600.jpg
Jul 27,2016 10:52:13 AM IST
 

હટકે સફળતા હાંસલ કરનારી મહિલાઓ

Mar 04, 2013 19:48 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 937
Rate: 0
Rating:
Bookmark The Article

પેરેન્ટ્સને આરામની જિંદગી આપીશઃ પ્રેમા

જન્મ
૬ માર્ચ, ૧૯૮૮
અભ્યાસ

બીકોમ, એમકોમ અને સીએ

સિદ્ધિ
સીએમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ સ્થાને.

ટીવાય બીકોમમાં, યુનિવર્સિટીમાં બીજા સ્થાને.

'સાધન વગર સિદ્ધિનો માર્ગ ક્યારેય અટકતો નથી' આ વાતને મુંબઈના મલાડની ચાલીના ૩૦૦ સ્કવેર ફૂટના રૂમમાં રહેતી પ્રેમા જય કુમારે સી.એ.ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ટોપરનું સ્થાન મેળવીને સાબિત કરી છે. સી.એ.માં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે સખત પરિશ્રમ અને દૃઢ સંકલ્પબળથી જીવનમાં સુખદ સપનાને સાકાર કરી શકાય છે.

પ્રેમા જ્યારે નાની હતી ત્યારથી જ તે તેના પિતાને સખત પરિશ્રમ કરતાં જોતી. તેમના પિતા મુંબઈમાં બાવીસ વર્ષથી રીક્ષા ચલાવે છે અને માતા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી. સંતાનની મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવા માટે ટાઢ, તડકો વેઠતાં મા-બાપને જોઈને પ્રેમાનું હૃદય વ્યથિત થઈ જતું. તેને આ પરિસ્થિતિ ખૂબ જ અકળાવતી હતી. આ સંવેદને જ તેમને આગળ વધવાની પ્રેરણા આપી. પ્રેમાએ આ પરિસ્થિતિને બદલવા માટે સંકલ્પ કર્યો અને પેરેન્ટ્સને સુખદ અને આરામમય જીવન આપવા માટે કાળજીપૂર્વક અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

 પિતાને રીક્ષાનો ધંધો હોવાથી આવક નિશ્ચિત ન રહેતી પણ ખંતથી ભણનાર પ્રેમા અભ્યાસકાળમાં પણ પિતા માટે બોજરૂપ નથી બની. કોચિંગ ઇન્સ્ટિટયૂટ તરફથી તેમને ૪૦, ૦૦૦ની સ્કોલરશિપ મળી હતી. ૨૦૦૮માં ટીવાય પછી આઇસીએઆઇની કોમન ટેસ્ટ આપી. ૨૦૦૯માં આઇપીસીસીની પરીક્ષા પાસ કરી ત્યારબાદ ૨૦૧૨માં સીએની ફાઇનલ પરીક્ષા આપી, જેણે તેમના જીવનને સુંદર વળાંક આપ્યો. આજે તે એક પ્રાઇવેટ કંપનીમાં ઇન્ટર્નશિપ કરે છે. પોતાની કપરી મહેનતના જોરે અને સ્વાભિમાન સાથે આગળ વધી રહેલી પ્રેમા માટે આ તો હજી એક શરૂઆત છે.

 
નોલેજ ઇઝ ધ કી ઓફ સક્સેસ સનમીત કૌર
અભ્યાસ
૧૨મું પાસ
પરિવાર

પતિ - મનમીત કૌર, બે પુત્રી

સિદ્ધિ

'કૌન બનેગા કરોડપતિ'માં પાંચ કરોડ જીતનાર પ્રથમ મહિલા

કૌન બનેગા કરોડપતિમાં પાંચ કરોડ જીતનાર સનમીત કૌર એવું કહે છે કે જો તમારી પાસે નોલેજ હશે તો સફળ થતાં તમને કોઇ નહીં રોકી શકે. સામાન્ય હાઉસવાઇફની લાઇફ જીવતી સનમીત કૌર ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી હતી પણ પારિવારિક સંજોગોને લીધે તેમણે લગ્ન કરી લીધાં અને અભ્યાસ છૂટી ગયો. જોકે, નોલેજ મેળવવાની પ્રક્રિયા ચાલુ જ રાખી. સનમીત કૌર મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને નાનાં બાળકોને ટયૂશન કરાવી પતિને ઇન્કમમાં મદદ કરતી. ત્યારબાદ તે સતત કેબીસીમાં ફોન કરતી રહી . એક દિવસ નસીબે સાથ આપ્યો અને તે પાંચ કરોડ મેળવનારી પ્રથમ મહિલા વિજેતા બની ગયા.

 

ટ્રેન્ડ સેટર્સઃ ગુજરાતની પ્રથમ મહિલા સ્કોરર્સ

સ્પોર્ટ્સનાં અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓ કાઠું કાઢી રહી છે, પણ મેચના સ્કોરર્સના ક્ષેત્રમાં પુરુષોનો ઈજારો રહેતો હતો. ગુજરાતની આ બે મહિલા સ્કોરર્સે ક્રિકેટમાં નવો ચીલો ચાતર્યો છે. જાણીએ આ બે ટ્રેન્ડ સેટર્સની વાત

મહાનાયક અમિતાભ બચ્ચને એક વાર ઇન્ટવ્યૂમાં કહ્યું હતું કે, 'કોઈ પણ ફિલ્મ હોય તેમાં સઘળો જશ પડદા ઉપર જોવા મળતાં અભિનેતા-અભિનેત્રી જ લઈ જાય છે. હકીકતમાં અભિનેતા-અભિનેત્રી કરતાં પડદા પાછળની વ્યક્તિઓએ પણ ખૂબ જ મહેનત કરી હોય છે,' અમિતાભ બચ્ચનનું આ નિવેદન કંઈક અંશે ફિલ્મ માટે નહીં, ક્રિકેટને પણ લાગુ પડે છે. ક્રિકેટના મેદાનમાં ક્રિકેટર્સ સિવાય પડદા પાછળ ઘણા એવા હીરો હોય છે જેના વિષે આપણામાંથી મોટાભાગના કશું જાણતા નથી આવા જ કેટલાક હીરો પૈકીના એક એટલે સ્કોરર્સ. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતીય ક્રિકેટમાં આ સ્કોરર્સની ભૂમિકા રાજકોટની મહિલા હિમાલી દેસાઈ અને સેજલ દવે બખૂબી નિભાવી રહી છે.

આજથી થોડાં વર્ષ અગાઉ ખાસ કરીને એશિયન દેશમાં મહિલા સ્કોરર્સનો ખાસ ટ્રેન્ડ જ નહોતો. ભારતમાં હિમાલી દેસાઈએ આ ટ્રેન્ડ બદલવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી તેમ કહી શકાય. હિમાલી દેસાઈએ આ વિષે જણાવ્યું હતું કે, 'હું સૌરાષ્ટ્રની વિમેન્સ ટીમ માટે વેસ્ટઝોન અંડર-૧૯ અને સબ જુનિયર નેશનલ્સમાં વિકેટકીપર તરીકે રમી ચૂકી છું. ૧૯૯૪માં સ્ટેટ લેવલે સ્કોરિંગ એક્ઝામ યોજવામાં આવી હતી. જેને મેં સફળતાપૂર્વક પાસ કરી. ૧૯૯૫માં ક્રિકેટર તરીકે રમતને અલવિદા કરી અને સ્કોરર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ અરસામાં મારા ઉપરાંત મુંબઈની એક યુવતીએ બીસીસીઆઇની સ્કોરિંગ એક્ઝામ પાસ કરી હતી. ૨૦૦૫ સુધી હું એકમાત્ર મહિલા સ્કોરર હતી અને ૨૦૦૫થી હવે મારી સાથે સેજલ જોડાઈ છે. ૨૦૦૮માં ઓનલાઇન સ્કોરિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે તે કરનાર હું સૌ પ્રથમ મહિલા હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સહકારથી આજે મેં આ મજલ કાપી છે. હાલ સ્કોરિંગમાં પુરુષોનું પ્રભુત્વ છે. મહિલાઓ સ્કોરિંગનું કામ ન કરી શકે તેવી માન્યતા દૂર થાય તેવી મારી ખ્વાહિશ છે.'

હિમાલી દેસાઈની માફક અન્ય એક મહિલા સ્કોરર સેજલ દવે-મહેતા પણ સૌરાષ્ટ્રનાં જ છે. નેશનલ લેવલ ફિલ્ડ હોકી પ્લેયર રહી ચૂકેલાં સેજલ દવે-મહેતાએ કહ્યું હતું કે, 'ધીરજ અને એકાગ્રતાની ખૂબી સ્કોરરમાં હોવી ખૂબ જ જરૂરી છે. સ્કોરરને મેચ શરૂ થવાના એક કલાક પહેલાં આવી જવું પડે છે અને મેચ દરમિયાન અમારાથી ઊભા પણ થવાતું નથી. મારાં લગ્ન થોડા સમય અગાઉ જ થયાં છે. મને મારા પતિ તથા સાસરા પક્ષે ખૂબ જ સહકાર મળી રહ્યો છે. આ સહકાર વિના હું મારી કારકિર્દી આગળ ધપાવી શકત નહીં.'

 
ન્યૂ રાઇઝિંગ ટેનિસ સ્ટાર અંકિતા રૈના

જન્મ : ૧૧ જાન્યુઆરી, ૧૯૯૩

અભ્યાસ : એફ.વાય બી.કોમ
વ્યવસાય : ટેનિસ પ્લેયર
સિદ્ધિ : ગોલ્ડ મેડલ નેશનલ સ્કૂલ ગેઇમ
રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ
સિનિયર એન્ડ જુનિયર નેશનલશિપમાં જીત

અંકિતા રૈના ટેનિસનો એક આશાસ્પદ ચહેરો છે. આ ગુજ્જુ યુવતીને ટેનિસ વારસામાં મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પ્રવેશ મેળવનાર અંકિતા ટેનિસ સ્ટાર બનવાનાં સપનાં લઇને અમદાવાદથી પૂના આવી અને ફેડ કપમાં રમવાનો અવસર મળતાં તેમનાં સપનાંને ઉડાન મળી. અંકિતાએ બાર વર્ષની ઉંમરથી જ ટેનિસ ટૂર્નામેન્ટમાં રમવાનું શરૂ કરી દીધું હતું. અંકિતા રૈના કહે છે કે મારા ઘરમાં સ્પોર્ટ્સનું વાતાવરણ હોવાથી મને ટેનિસમાં આગળ વધવા માટે પૂરતું પ્રોત્સાહન મળી રહે છે. અંકિતાનાં મમ્મી ટેનિસમાં રાજ્યકક્ષાનાં પ્લેયર હતાં. તેમનો પ્રથમ પ્રેમ ટેનિસ જ છે. અંકિતા અમદાવાદમાં ટેનિસ ક્લબની પાછળ જ રહે છે. તેઓ જ્યારે ચાર વર્ષના હતાં ત્યારે તેમને અને તેમના ભાઈને લઈને તેમની મમ્મી ટેનિસની ટ્રેનિંગ આપવા ક્લબમાં લઈ જતી. આ સમયથી જ ટેનિસ અંકિતા સાથે જોડાયેલું છે. આ સમયે તે તેમના ભાઈ સાથે માત્ર આનંદ માટે ટેનિસ રમતી પણ એક વખત તેમણે સ્થાનિક ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું તો તેમના પેરેન્ટ્સને સમજાયું કે અંકિતાની અંદર ટેનિસ પડેલું છે, જરૂર છે તેમને પદ્ધતિસરની તાલીમ આપવાની. ત્યારબાદ અંકિતાએ પાંચ વર્ષ પૂનામાં તાલીમ લીધી. ઘરથી દૂર રહીને પાંચ વર્ષની ટેનિસની સાધના કરનાર અંકિતાની મહેનત અંતે રંગ લાવી અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો અનેક વખત મોકો મળ્યો. તાજેતરમાં ફેબ્રુઆરીમાં ટેનિસ ફેડ કપ એશિયામાં પણ તેણે પર્ફોર્મ કર્યું. તે કહે છે કે ક્યારેક ઘરથી દૂર એકલા રહેવું મુશ્કેલ તો છે પણ પરિવારને મારી ક્ષમતા પર વિશ્વાસ છે અને હું તેમના વિશ્વાસને સફળ કરવા ખંતથી ટેનિસ રમીશ. અંકિતાનું એક જ લક્ષ્ય છે, દેશ માટે ઓલિમ્પિકમાં રમવું અને ગોલ્ડમેડલ મેળવવો.

 
Share This
 
 
   

 
Columns/Editorial