વડોદરા, તા.૪
મધ્ય ગુજરાત વીજ કંપની વીજચોરીના બનાવો અટકાવવા અને ઓછા કરવા ઠેર ઠેર દરોડા પાડી વીજચોરી કરનારાઓ સામે લાલઘૂમ બની છે. તેમ છતાં વીજચોરી કરનારાની સંખ્યામાં ઘટાડો થવાના બદલે દિવસેને દિવસે વધારો થઇ રહયો છે. તપાસ અધિકારીઓ વીજચોરીના જેટલા પણ નુસખા પકડે તેની સામે વીજચોરી કરાવતી ટોળકીઓ ગ્રાહકોને નવી ટેકનિક આપી રહી છે. આવી ટોળકી પકડવા માટે પણ એમજીવીસીએલ ધમપછાડા કરી રહી છે ત્યારે ઇલેક્ટ્રીશિયનોની ટોળકી ખો પર ખો આપી રહી હતી.
લો અને હાઇ વોલ્ટ આપતા વીજ વાયરો સાથે ચેડા કરવા સામાન્ય માણસની ગજા બહારની વાત છે. ત્યારે શહેર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં હાર બંધ પકડાતા વીજચોરોને મદદગારી કરનાર ઇસમો ઇલેક્ટ્રીકના જાણકાર કે પછી એમજીવીસીએલમાં જ કયાંક મીટરના જમા ઉધાર પાસા જાણતાં કોઇ તાલિમ પામેલ કે નિષ્ણાત વ્યક્તિઓની ટોળી કામકરતી હોવાની શંકાની અવગણના થાય તેમ નથી. કેમ કે વીજચોરીમાં પકડાવાના અને બદનામીના ડરે સમાજનો ઉચ્ચ વર્ગ ઇલેક્ટ્રીશિયનના દમ પર જ વીજચોરી કરવાનો પેંતરો અપનાવે છે. વડોદરા શહેર જિલ્લામાં પણ પાંચ દસ હજારથી લઇ મોટી ફેક્ટરી કે કંપનીમાં લાખો રૂપિયા માટે વીજચોરીના નુસખા વેચાઇ રહયા છે. આ સાથે ટોળકી વીજચોરીની વ્યવસ્થા પણ ગ્રાહકને ઊભી કરી આપતી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
એમજીવીસીએલના મીટરો ફરતા બંધ કરી કે ડાયરેક્ટ લંગર નાખી વીજચોરીમાં નોંધાયેલા કિસ્સાઓ પર નોંધ લેતા મધ્યમ વર્ગથી લઇ મોટા વર્ગના લોકો વીજચોરીની પધ્ધતિસર વ્યવસ્થા કરાવી વીજચોરીમાં પકડાયા હોવાની વિગતો જાણવા મળે છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી આવકમાં ગુજરાન ચલાવતો વર્ગ એક વાર વીજચોરીમાં પકડાયા બાદ કનેક્શન કટ થઇ ગયા પછી ઘર પાસેથી પસાર થતી હળવા દબાણની વીજલાઇન પર લંગર વાયર નાખી વીજચોરી કરતા પકડાઇ રહયા છે. તેમાં પણ ખેતી કરતો વર્ગ ઉંભા પાકમાં પાણી લેવા ૧૦૦ મીટર થી લઇ ૪૫૦ મીટર ખાનગી વાયર લંબાવી વીજ મોટર થકી પાણી લેતાં મોટાભાગે રાતના સમયે પકડાયા હોવાની વિગતો ખૂલી છે.
જીયુવીએનએલ પોલીસ ચોપડે ૨,૨૩,૯૦,૬૯૮ ની વીજચોરી નોંધાઇ
એમજીવીસીએલની પાંખ જીયુવીએનએલ અંતર્ગત પોલીસ સ્ટેશનો ઉભા કરાયા છે. જેમા ઇલેક્ટ્રીસિટી એક્ટ ૨૦૦૩ અંતર્ગત વીજચોરી કરનારાઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે છે. ગત વર્ષે જીયુવીએનએલ પોલીસ ચોપડે વીજચોરીના ૧૨૩૪ કેસ નોંધાયા હતા. જેના પગલે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં વીજચોરીનો આંક રૂપિયા ૨,૨૩,૯૦,૬૯૮ પહોચ્યો હતો.
વીજચોરીમાં ખેડાને પાછળ છોડી વડોદરા પ્રથમ નંબરે
જીયુવીએનએલ પોલીસ મથક હેઠળ ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં થતી વીજચોરીઓ નોંધાય છે ત્યારે ગત વર્ષની શરૂઆતમાં ખેડા જિલ્લામાંથી ખેતી વિષયક વીજચોરીના કિસ્સા સૌથી વધુ નોધાતા આવતા હતા. પરંતું જુલાઇ માસ બાદ વીજચોરીમાં બીજા નંબરે આવતું વડોદરા ખેડા જિલ્લાથી આગળ વધી રહયું હતું. અને વર્ષના અંતે પાંચ જિલ્લામાંથી વીજચોરીના નોંધાયેલા કુલ ૧૨૩૪ કેસોમાંથી સૌથી વધુ કિસ્સા વડોદરા જિલ્લામાંથી નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.