વિશેષ
વિદેશ જવા માટે યેનકેન પ્રકારના રસ્તા ભારતીયો અપનાવી રહ્યા છે. કેટલાક લેભાગુ એજન્ટો વિદેશ જવા ઉત્સુક પાસેથી લખલૂટ નાણાં ખંખેરીને કબૂતરબાજી દ્વારા વિદેશ પહોંચાડી દે છે. પણ, જ્યારે તેમના દસ્તાવેજોની પોલ ઉઘાડી પડે છે ત્યારે તેની હાલત અત્યંત કપરી બની જાય છે. તે દેશના ય નથી રહેતા કે વિદેશના ય નથી રહેતા. યોગ્ય પુરાવા અને આધાર વગર માત્ર પૈસાનું પાણી કરીને વિદેશ પહોંચી ગયેલા પછી ત્યાંની જેલમાં રાતા પાણીએ રોવે છે
અમેરિકામાં ઘૂસવા માટે ભારતીયો ૨૦થી ૫૦ હજાર ડોલર ખર્ચે છે
જો અમેરિકામાં કાયદેસર વસવાટ માટે પરમિશન ન મળે તો ગેરકાયદે ઘૂસવા માટે ભારતીયો જાતજાતનાં ગતકડાં કરે છે, જોખમો વ્હોરી લે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના એક અહેવાલ મુજબ છેલ્લા એક દાયકામાં અમેરિકામાં ૨.૪૦ લાખ લોકો ગેરકાયદે ઘૂસી ગયા છે. પંજાબીઓ, ગુજરાતીઓ ખાસ કરીને ગુજરાતના પટેલો યેનકેન પ્રકારેણ અમેરિકામાં ઘૂસવા માર્ગો અપનાવે છે.
કોઈ પણ જાતના વેલિડ પાસપોર્ટ વિઝા વિના અમેરિકામાં ઘૂસવા માટે ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશના ઘૂસણખોરો મધ્ય અમેરિકાનો રોડ રૂટ અપનાવે છે. મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલાના માર્ગેથી મેક્સિકો થઈ અમેરિકામાં રોડ રસ્તે ઘુસાડવા માટે એજન્ટો લાખો રૂપિયા વસૂલે છે ને છતાં ડગલે ને પગલે જોખમો તો હોય જ છે.
સાન સાલ્વાડોરથી પાંચ કલાકમાં ગ્વાટેમાલા
અલ સાલ્વાડોરના સાન સાલ્વાડોરથી પાંચ કલાકના માર્ગ પ્રવાસથી ગ્વાટેમાલા સિટી આવે છે. ત્યાં ૨૦૦૮માં એક ઘૂસણખોર ભારતીયે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, કેમ કે મધ્ય અમેરિકાના ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પકડાયેલા ઘૂસણખોરોને કોઈ કાનૂની સહાય મળતી નથી. તેમના માનવ અધિકારોનું જતન કરવાવાળું કોઈ નથી. એક વાર પકડાયા પછી એમણે રિબાઈ રિબાઈ કેદમાં દમ તોડવો પડે છે કે આપઘાત કરવો પડે છે.
અલ સાલ્વાડોરની વિઝા ઓન એરાઇવલની નીતિ અમેરિકામાં રોડ માર્ગે ગેરકાયદે ઘૂસવા માટે અલ સાલ્વાડોર દેશ બહુ અનુકૂળ છે, કેમ કે ત્યાં ઇન્ડિયન પાસપોર્ટ ધારકને તત્કાળ વિઝા (વિઝા ઓન અરાઇવલ) આપવામાં આવે છે એમ અલ સાલ્વાડોરના મિનિસ્ટ્રી ઓફ ઇમિગ્રેશનના કલેમેન આયાલ ડી રોડરીગ્ઝ કહે છે. અલ સાલ્વાડોરથી ગેરકાયદે ઘૂસણખોરો બસ દ્વારા પર્વતો અને મૃત જ્વાળામુખીઓના પ્રદેશ એવા કોકી એસ્ટેટો વચ્ચેથી ૯ કલાકનો પ્રવાસ કરી મેક્સિકો સાથેની ગ્વાટેમાલા બોર્ડર પહોંચે છે.
અહીં સ્થાનિક વસ્તીમાં દારુણ ગરીબી છે. એટલે એક ટંકના ભોજન માટે સ્થાનિક રહીશો ચોરી, લૂંટફાટ કરે છે. આ દરમિયાન જો ઘૂસણખોરો પકડાઈ જાય તો તેમણે કોઈ મુકદમા વિના અલ સાલ્વાડોર ને ગ્વાટેમાલાની જેલોમાં સબડવું પડે છે, પરંતુ એશિયાના બે મોટા રાષ્ટ્ર ચીન ને ભારત સાથે સંબંધ ન બગડે એટલે પોતાની જેલોમાં કેટલા ગેરકાયદે ચીની-ભારતીય ઇમિગ્રેન્ટ છે, તેની માહિતી આ દેશો બહાર પાડતા નથી.
અલ સાલ્વાડોરની એલ ફેરો અને ગ્વાટેમાલાની પ્લાઝા પબ્લિકાએ ભારતીય ઇમિગ્રેન્ટ્સ કયા માર્ગેથી અમેરિકામાં ઘૂસે છે, એ રૂટ શોધી કાઢયો છે. ભારતીયોના ધાડેધાડા અલ સાલ્વાડોર, ગ્વાટેમાલામાં ઊતરે છે. તેમને નિયંત્રણમાં લેવાની આ બંને દેશોની શક્તિ કે ઇચ્છા નથી. આ બંને દેશોની જેલોમાં બંધ ભારતીયોને બચાવવામાં ભારતીય સત્તાવાળાઓને પણ કંઈ ખાસ રસ હોતો નથી.
૨૦૦૯થી ૨૦૧૦માં ૨૬૦૦ ભારતીયો અમેરિકામાં ઘૂસ્યા
અમેરિકન સત્તાવાળાઓ કહે છે કે ૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન ૨૬૦૦ જેટલા ભારતીયો મધ્ય અમેરિકાના રૂટ દ્વારા અમેરિકાના ટેક્સાસની દક્ષિણ સરહદે ઘૂસી ગયા હતા. જોકે એ સમયગાળામાં અલ સાલ્વાડોરના સત્તાવાળાઓએ માત્ર ૧૩ ભારતીયોને પકડયા હતા.
મેક્સિકોના વેરાક્રુઝમાં લેન્ડિંગ કઇ રીતે થાય છે એ પણ રસપ્રદ છે. એક વાર ઘૂસણખોરોનું ગ્રૂપ સીમા પરના ચોકિયાતોને લાંચ આપી ગ્વાટેમાલા ઓળંગી જાય, પછી સીમા પરની કાર્ટેલ સિન્ડિકેટ તેમને મેક્સિકોના શહેર વેરાક્રુઝમાં લઈ જાય છે. ગેરકાયદે ઇમિગ્રેન્ટ ૨૦ હજારથી ૫૦ હજાર ડોલર ખર્ચે છે.
અમેરિકી સત્તાવાળાઓ કહે છે કે ભારતીય ઘૂસણખોરો અમેરિકામાં ઘૂસવા માટે ૨૦,૦૦૦થી લઈ ૫૦,૦૦૦ ડોલર સુધીની રકમ ખર્ચે છે.
ઘૂસણખોરો એક વાર મેક્સિકોના દક્ષિણ સીમાડેથી ઘૂસે પછી પાંખી વસ્તીવાળા વિશાળ દેશમાં ફેલાઈ જાય છે. આવા ગેરકાયદે ઘૂસણખોરોને મેક્સિકો સરકાર સમસ્યારૂપ ગણતા નથી, કેમ કે આવા હજારો ભારતીયો અને અન્ય દેશોના લોકોને કેદમાં રાખવા માટે મેક્સિકોમાં પૂરતી જેલો નથી મેક્સિકોના વિઝાના નિયમો ભારે કડક હોવાથી વિમાન માર્ગે ત્યાં પ્રવેશવું મુશ્કેલ છે. એટલે અલ સાલ્વાડોરના માર્ગેથી બસ દ્વારા મેક્સિકોમાં ઘૂસવા માટે ભારતીય લોકો રાહ અપનાવે છે.
સી-ફોર વિઝાનો ઘૂસણખોરો દ્વારા ઉપયોગ
અલ સાલ્વાડોરના ભારત ખાતેના એલચી રૂબેન ઝામોરા રિવાસ કહે છે કે ૨૦૦૮માં અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુસ અને નિકારાગુઆ દેશોએ ભારત માટે વિઝાના નિયમો હળવા કરી સી-ફોર વિઝા ઇસ્યુ કરવાની શરૂ કરતાં સમસ્યા શરૂ થઈ. આ ૪ દેશોમાં વગર વિઝાએ મુસાફરી થઈ શકે છે. પરંતુ ૨૦૦૯માં ગ્વાટેમાલામાં વિવિધ સ્થળેથી ભારતીય ઘૂસણખોરો પકડાતાં, ગ્વાટેમાલાએ ફરી ભારતીયોના વિઝા માટેના નિયમો કડક બનાવી દીધા. અગાઉ મેક્સિકો અને ગ્વાટેમાલા ભારતીય પ્રવાસીઓ માટે ઉદાર હતા, પણ હવે બહુ કડક નિયંત્રણો લાદી દીધાં છે.
મેક્સિકોમાં એજન્ટની બોલબાલા
ભારતીયોને ટેક્સાસના સીમાડે કે એરિઝેનાની સરહદે પહોંચાડવા માટે મેક્સિકોમાં એજન્ટો ફૂટી નીકળ્યા છે, જેમા દુલાલ નામનો એક શખ્સ નામચીન છે. એ ભારત, પાકિસ્તાન ને બાંગ્લાદેશના ૧૦૦૦થી વધુ લોકોને યુએસએમાં ઘુસાડી શકે એવો ભેજાબાજ છે. ગેરકાયદે હોવાને લીદે મેક્સિકોમાં હાલતા ચાલતા, મારામારી, લૂંટ, ખૂનામરકી થાય છે. એમાં અનેક ઘૂસણખોરો ભારતીયો ગેંગવોરમાં કે અકસ્માતમાં માર્યા જાય છે, પણ એ ખુવારીનો સાચો આંકડો કદી બહાર આવતો નથી. ભારતીયોની લૂંટ-હત્યા સામાન્ય ઘટના બની ગઈ છે.
મેક્સિકોમાં ઘૂસણખોરી એ ક્રાઇમ નથી
મેક્સિકોમાં ગેરકાયદે ઘૂસણખોર પકડાય તો એ ગુનો નથી બનતો એટલે એમને સુધારણા ગ્રહમાં મૂકવામાં આવે છે. ત્યાંથી પણ ભારતીય લોકો સ્થાનિક કનેકશન અને ડોલરના જોરે છટકીને અમેરિકી સરહદે પહોંચે છે. ઘૂસણખોરોએ ટેક્સી, હોટલો-મોટલોમાં ગુલામી કરવી પડે છે. એક વાર ગેરકાયદે ઇમિગ્રેન્ટ અમેરિકામાં ઘૂસી જાય પછી એ કોઈ ગુનામાં ન પકડાય ત્યાં સુધી આખી જિંદગી અમેરિકામાં રહે તોય એનું પગેરું સત્તાવાળાને મળતું નથી. આ બધા લોકો ભારતીય મૂળના અમેરિકાનો દ્વારા ચાલતી હોટલો-મોટલોમાં સસ્તા દરે નોકરી કરે છે, યા ટેક્સી ચલાવે છે. એક રીતે તેઓ બંધક કે ગુલામ જેવી જિંદગી જીવે છે.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં પંજાબ અને ગુજરાત મોખરે
છેલ્લા ૧ વર્ષમાં ભારતમાંથી અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં ૯૪ ટકા ને ચીનમાંથી આવતા ઘૂસણખોરોમાં ૪૬ ટકાનો વધારો નોંધાયો છે. ભારતનાં લોકોમાં પંજાબીઓ અને ગુજરાતીઓ મોખરે છે. તેમનામાં અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ જવાનો ભારે ક્રેઝ છે. પંજાબમાં ૨૦૧૨માં આવેલી ફિલ્મ 'જાટ એન્ડ જુલિયેટ' આ થીમ પર આધારિત હોવાથી તે ભારે લોકપ્રિય થયેલી. તાજેતરમાં હિટ ગયેલી ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ' ની વાર્તા પણ અમેરિકા જવા પર જ હતી.
ગેરકાયદે ઇમિગ્રેશનનો સૂત્રધાર નિરંજન પટેલ
ભારતે ગત જુલાઈમાં જ અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ ઘુસાડવાનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર નિરંજન પટેલને ભારતમાંથી દેશનિકાલ કર્યો હતો. હાલ તે ન્યૂ યોર્કની જેલમાં કેદ છે. એનું પણ માથું ભાંગે એવો બીજો માણસ જસબીર સિંઘ ગ્રેવાલ છે, જે હ્યુમન ટ્રાફિકિંગ સાથે કોકેઇનની દાણચોરી માટે પણ વોન્ટેડ છે, જેણે ૧૦૦ કરોડ રૂપિયાની કોકેઇનની હેરાફેરી કરી કેનેડા, અમેરિકા અને મધ્ય અમેરિકાના દેશોના ક્રાઇમ ચોપડે નોંધાયો છે.
purti.ardhsaptahik@sandesh.com