Jul 01,2015 07:18:14 AM IST
 

હાય મૈ કયા કરું રામ મુઝે ઠિંગુજી મિલ ગયા! (યૌવનની સમસ્યા)

Mar 05, 2013 19:20 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 7719
Rate: 5.0
Rating:
Bookmark The Article

યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,

મારું નામ ખુશી છે. હું સારી નોકરી કરું છું. મોટા હોદ્દા પર છું. મને એક છોકરો ગમે છે. એનું નામ પંચમ છે. પંચમને મારા માટે બહુ જ લાગણી છે. પંચમ તરફથી મને નિઃસ્વાર્થ પ્રેમ મળ્યો છે, એનાથી હું ખૂબ ખુશ છું. પંચમ પોતાનો બિઝનેસ કરે છે અને આર્થિક રીતે સધ્ધર છે. અમારા બન્નેના પરિવારો સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે.

મારા પરિવાર તરફથી મને લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મારા પપ્પા હયાત નથી. થોડા સમય પહેલાં જ અચાનક તેમનું નિધન થયું હતું. મારે બે નાના ભાઈ છે અને અત્યારે ભણી રહ્યા છે. મારો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે, છતાં મોટા સંતાન તરીકે ઘરની જવાબદારી મારા પર આવી છે. પંચમે મારા પપ્પાનો દેહાંત થયો ત્યારે મને સાચવી લીધી હતી. મને એ આઘાતમાંથી બહાર કાઢવામાં તેણે ઘણી મહેનત કરી હતી.

પંચમ મને ચાહે છે અને મને પૂરેપૂરી ઓળખે છે. મારે શું જોઈએ, એનો એને પળવારમાં ખ્યાલ આવી જાય છે. તે તરત મારો મૂડ પારખી લે છે. તે મને જિંદગીભર સાથ આપવા તૈયાર છે. મારા પપ્પાના મૃત્યુ પછી તો એ ત્યાં સુધી કહે છે કે ઘરની અને નાના ભાઈઓની જવાબદારી તારે માથે છે ત્યારે આપણે લગ્ન કર્યા પછી બધા સાથે જ રહીશું. તે મારા પરિવારની ઘણી કાળજી લેતો હોય છે.

હવે મૂળ સમસ્યાની વાત કરું તો પંચમ મારા કરતાં એકાદ વેંત નીચો છે. મારી ઊંચાઈ તેના કરતાં વધારે છે. લગ્નની ચોરીમાં લાડી કરતાં વરરાજા નીચા હોય તો કેટલું ખરાબ લાગે? અમે સમાજમાં ક્યાંક સાથે જઈએ તો લોકો કેવો પ્રતિભાવ આપે? આ પ્રશ્નો મને સતાવે છે અને મારું મન પાછું પડે છે.

હું દિલથી સ્વીકારું છું કે મારાં મમ્મી-પપ્પા પછી પંચમ જ એવી વ્યક્તિ છે, જે મને સાચો અને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે, પણ તેની ઊંચાઈનું કોઈ સોલ્યુશન મને દેખાતું નથી. હું સખત દ્વિધામાં રહું છું. મારે શું કરવું જોઈએ?

લિ. ખુશી
પ્રિય ખુશી,

પ્રેમ માટે કહેવાય છે કે તે આંધળો હોય છે. વ્યક્તિને પ્રેમ થાય છે ત્યારે તેને સામેવાળા પાત્રમાં પ્રેમ સિવાય કશું ધ્યાનમાં આવતું નથી. વ્યક્તિની ઉંમર, આવક, સ્વભાવ, નાત-જાત, પરિવાર કશા તરફ ધ્યાન જતું નથી. અલબત્ત, પ્રેમમાંથી મુગ્ધતાનો ગાળો પસાર થઈ જાય પછી ધીમે ધીમે સામેવાળાની મર્યાદાઓ ધ્યાનમાં આવતી હોય છે. મર્યાદાની ખબર જેમ જેમ પડતી જાય એની સાથે સાથે સંબંધોમાં મેચ્યોરિટી આવતી જાય તો વાંધો નથી આવતો, બાકી સંબંધો ટકી શકતા નથી. અલબત્ત, સાચો પ્રેમ તો એ જ કહેવાય જ્યારે સામેવાળા પાત્રને તેની તમામ ઊણપો-મર્યાદાઓ સાથે સ્વીકારવામાં આવે. તમારા પ્રેમીની ઊંચાઈ નીચી છે, એના વિચારો તો નીચા નથીને? તેમનો તમારા પ્રત્યેના પ્રેમનો ગ્રાફ તો નીચો નથી ઊતર્યોને? તમારા વચ્ચેના સંબંધોનો સ્તર તો નીચો નથીને? પરસ્પર સન્માનમાં ઘટાડો નથી થયોને? જો આવું કંઈ ન થયું હોય તો માત્ર શારીરિક ઊંચાઈના આધારે નિઃસ્વાર્થભાવે પ્રેમ કરનારને છોડી દેવામાં કોઈ સમજદારી નથી. માત્ર ઊંચાઈના પ્રશ્ને તમારે પંચમને છોડી દેવાનો વિચાર ન કરવો જોઈએ.

તમે બન્ને સાથે જવાના હો ત્યારે પંચમને હાઈ હિલના શૂઝ પહેરાવવા જેવા મધ્યમ માર્ગો અપનાવી શકો છો. વ્યક્તિની શારીરિક ઊંચાઈ નહીં, પરંતુ તેની ખાનદાની-લાગણીની ઊંચાઈ જોઈને તેને મૂલવવો જોઈએ. લોકો કે સમાજની ચિંતા છોડો, તમારા દિલને પૂછો, કારણ કે કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના...! 

socrates.sandesh@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com