180X600.jpg
Jul 26,2016 03:49:17 PM IST
 

ઇન્ડિયન મોબાઇલ કલ્ચર (દૂરબીન)

Mar 05, 2013 19:21 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3249
Rate: 5.0
Rating:
Bookmark The Article

દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ

દેશના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગયા અઠવાડિયે રજૂ કરેલા બજેટમાં રૂપિયા બે હજારથી મોંઘા મોબાઇલ ફોન પર એક્સાઇઝ ડયુટી વધારીને છ ટકા કરી નાખી. ભારતમાં મોબાઇલના આગમનને ૧૮ વર્ષ થયાં છે અને યુવાન થઈ ગયેલો મોબાઇલ ઇન્ડિયન કલ્ચરનો ભાગ બની ગયો છે. બાર્સેલોનામાં હમણાં યોજાયેલ વિશ્વના સૌથી મોટા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ૧૫૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. મોટાભાગની કંપનીઓની નજર ભારત ઉપર છે, કારણ કે ભારતનું મોબાઇલ માર્કેટ સોળે કળાએ ખીલેલું છે. ઇન્ડિયન પીપલ મોબાઇલ ક્રેઝી છે. આ ક્રેઝની રોકડી કરવા મોબાઇલ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ જામી છે

તમે તમારી જાતને મોબાઇલ વગર કલ્પી શકો છો? નહીં ને? આવું જ આપણા દેશના મોટાભાગના લોકોનું છે. મોબાઇલ એ આપણા કલ્ચરનો એવો ભાગ બની ગયો છે કે તેના વગર જાણે જીવન જ અધૂરું લાગે. ઇન્ડિયન લોકો આખા વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ફ્રેન્ડલી પીપલ છે. આપણા માટે મોબાઇલ ફોન માત્ર કમ્યુનિકેશનનું સાધન નથી, પણ મનોરંજનનું હાથવગું ઉપકરણ છે. મોબાઇલના ઉપયોગમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અનુમાન મુજબ દેશમાં ૯૦ કરોડ મોબાઇલ ફોન ધારકો છે અને આ આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે.

ગયા ગુરુવારે નાણાપ્રધાન પી ચિદમ્બરમે રજૂ કરેલા બજેટમાં રૂપિયા બે હજારથી વધુ કિંમતના મોબાઇલ પર એક્સાઇઝ ડયુટી વધારીને છ ટકા કરી નાંખી. તેનાથી સરકારને તગડો ફાયદો થવાનો છે. અલબત્ત, મોબાઇલ મોંઘા થવાની વાત ઘણાને ખટકી છે, કારણ કે આપણા દેશમાં દર બે-ચાર મહિને મોબાઇલ બદલી નાખનારાની મોટી સંખ્યા છે. એક વર્ગ તો એવો છે જે લેટેસ્ટ ફોન વાપરવાને શાન સમજે છે. એક્સાઇઝ વધારવાના નિર્ણયને મોબાઇલ કંપનીઓએ પણ કમનસીબ ગણાવ્યો છે. નોકિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પી. બાલાજીએ કહ્યું કે, સરકારના આ નિર્ણયથી ગ્રે માર્કેટને પ્રોત્સાહન મળશે અને લોકોએ હલકી ગુણવત્તાના મોબાઇલ વાપરવા પડશે. તેણે કહ્યું કે મોબાઇલ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગયો છે એટલે સરકારે આવો વધારો પાછો ખેંચવો જોઈએ. સેમસંગ મોબાઇલના વાઇસ પ્રેસિડેન્ટ અસીમ વારસીએ કહ્યું કે લોકોએ મોંઘા મોબાઇલ ફોન ખરીદવા પડશે. હકીકતે સરકાર અને મોબાઇલ કંપનીઓને ખબર જ છે કે લોકો મોબાઇલ ખરીદવાના જ છે, મોબાઇલના માર્કેટ કે નફામાં કંઈ બહુ મોટો ફર્ક પડવાનો નથી.

ભારતનું માર્કેટ જોઈને જ કેનેડાની બ્લેકબેરી કંપનીએ બીબી -૧૦ નામનો તેનો લેટેસ્ટ મોબાઇલ અમેરિકા પહેલાં ઇન્ડિયામાં લોન્ચ કર્યો. આ હેન્ડસેટની કિંમત છે, રૂપિયા ૪૩,૫૦૦. ૪.૨ ઇંચનો ટચ સ્ક્રીન, ૧૬ જીબીની સ્ટોરેજ કેપેસિટી, ૮ મેગા પિક્સેલ કેમેરા અને હાઈ ડેફિનેશન વીડિયો ફેસેલિટી ધરાવતા આ મોબાઇલની સફળતાનો મોટો આધાર ભારતમાં કેટલા લોકો ખરીદે છે તેના પર રહેલો છે.

ભારતમાં નોકિયાના મોબાઇલનું આધિપત્ય હતું, પણ હવે તેને કોરિયા કંપની સેમસંગે કાંટે કી ટક્કર આપી છે. હમણાં બાર્સેલોનામાં વિશ્વના સૌથી મોટા મોબાઇલ મેળા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થયું હતું. આ પ્રદર્શનમાં ૧૫૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. ચીનની હવાને કંપનીએ દુનિયાના સૌથી ઝડપી મોબાઇલના દાવા સાથે તેને એક્સેડ પી-ટુ મોબાઇલ બજારમાં મૂક્યો. ૪.૭ ઇંચના ટચ સ્ક્રીનવાળા આ મોબાઇલ હેન્ડસેટમાં ૧૩ મેગા પિક્સેલ કેમેરા છે. આ મોબાઇલમાં ૧૫૦૦ મેગાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડે ડાઉનલોડિંગ થઈ શકે છે. એપલ, સેમસંગ, નોકિયા, એચટીસી, એલજી સહિત વિશ્વની તમામ નામી-અનામી મોબાઇલ કંપનીઝ આ વર્લ્ડ કોંગ્રેસમાં હાજર હતી અને બધાનું ધ્યાન હતું ઇન્ડિયન માર્કેટ.

ભારતમાં સૌથી સસ્તા અને અતિશય મોંઘા મોબાઇલ ફોન ખરીદનારો મોટો વર્ગ છે, એટલે જ દરેક કંપની દરેક પ્રકારના મોબાઇલ બજારમાં મૂકી રહી છે. દુનિયામાં સૌથી મોંઘા ગણાતા વેર્ટુ - ટી કંપનીના મોબાઇલ પણ ભારતમાં વેચાય છે. આ કંપનીએ તેના લેટેસ્ટ મોબાઇલ હેન્ડસેટની ભારતમાં કિંમત રાખી છે રૂપિયા ૫ લાખ ૭૧ હજાર. ટાઇટેનિયમ બોડીના બનેલા આ મોબાઇલ માટે એવો દાવો કરાય છે કે તેના ઉપરથી ટ્રક પસાર થઈ જાય તોપણ મોબાઇલને ઊની આંચ આવતી નથી. આ મોબાઇલ હાથેથી બનતો હોવાથી તેને હેન્ડ ક્રાફટેડ હેન્ડસેટ તરીકે ઓળખવામાં આવે છે. આ મોબાઇલ વિશ્વની માત્ર પાંચસો દુકાનોમાં વેચાય છે અને તેમાંથી ૭૦ શો રૂમ તો કંપની પોતે જ ચલાવે છે. તેના બધા જ ફોન લિમિટેડ એડિશન હોય છે અને અત્યાર સુધીમાં કંપનીએ માત્ર ૩ લાખ ૨૬ હજાર ફોન જ વેચ્યા છે. કંપની ફોડ નથી પાડતી, પણ ભારતમાં તેનો મોંઘો ફોન લેનારા ઘણા બધા લોકો છે.

ભારતમાં આવતા વર્ષે ચૂંટણી છે અને ભારતના લોકોનો મોબાઇલ મોહ જાણીને જ અત્યારથી યુપીએ સરકારે 'હર હાથ મેં મોબાઇલ' નામની યોજના મૂકવાનો વિચાર કર્યો હતો. લોકોને આકર્ષવા માટેની આ યોજનામાં ખુદ વડાપ્રધાને રસ દાખવ્યો હતો. આખી યોજના હતી રૂપિયા ૧૧,૫૦૦ કરોડની! ગણતરી શું હતી? ભારતમાં ૮૦ કરોડ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. પરિવાર મુજબ ગણીએ તો ૧૬ કરોડ પરિવાર થાય. આ ૧૬માંથી ૧૦ કરોડ પરિવારો પાસે મોબાઇલ ફોન છે, પણ છ કરોડ પરિવારો પાસે નથી. આ છ કરોડમાંથી પાંચ કરોડ પરિવારમાં મોબાઇલ ફોન આવવાની યોજના હતી. એક ઘરમાં પુખ્ત વયની બે વ્યક્તિને મોબાઇલ ફોન મળવાના હતા. એ હિસાબે ટોટલ દસ કરોડ મોબાઇલ ફોનની જરૂર પડે. આ યોજના દ્વારા દેશના ગ્રામીણ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, ગરીબ, પછાત અને બીપીએલ કાર્ડધારક લોકોને આકર્ષવાનું પ્રયોજન હતું.

આખી યોજના ટેલિકોમ અને આયોજન પંચને પણ વિચાર માટે મોકલાઈ હતી. જોકે આયોજન પંચે એવું કહ્યું કે દેશના ગ્રામીણ વિકાસ માટેનું ફંડ આ રીતે વાપરી નાખવું વાજબી નથી. ટેલિકોમ વિભાગે મોબાઇલ નેટર્વિંકગ સિસ્ટમ અંગે પણ શંકા વ્યક્ત કરી. કેટલાક લોકોએ વળી આખી યોજના બૂમરેંગ સાબિત થવાનો ભય પણ વ્યક્ત કર્યો અને છેવટે આખી યોજના પડતી મુકાઈ. આમ છતાં આગામી ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષો મોબાઇલ આપવાનું વચન આપે તો તેમાં કંઈ નવાઈ પામવા જેવું નહીં હોય.

ભારતમાં મોબાઇલ ૧૮ વર્ષનો થયો છે. ૧૯૯૫ના ઓગસ્ટ મહિનામાં સૌથી પહેલાં દિલ્હીમાં મોટારોલા કંપનીએ મોબાઇલ સેવા ઇન્ટ્રોડયુસ કરી હતી. એ પછી તરત જ કોલકાતામાં મોબાઇલ ર્સિવસ શરૂ થઈ. ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ એ વખતના કેન્દ્રના ટેલિકોમ મિનિસ્ટર સુખરામને સૌથી પહેલો ફોન કરી મોબાઇલ સેવા શરૂ કરી. પછીનાં થોડાં વર્ષો તો મોબાઇલ માત્ર ધનિકોના ઉપયોગની જ વસ્તુ હતી. આઉટ ગોઇંગ ઉપરાંત ઇનકમિંગ ફોનના પણ ચાર્જ થતા. છેલ્લાં દસ વર્ષમાં મોબાઇલે દેશમાં ક્રાંતિ સર્જી અને જાણે આખો યુગ પલટાઈ ગયો.

મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય એવા લોકોની સંખ્યા આપણા દેશમાં ૮૭ મિલિયન છે અને માર્ચ ૨૦૧૫ સુધીમાં આ સંખ્યા બમણી એટલે કે ૧૬૫ મિલિયન પહોંચવાનો અંદાજ છે. ઇન્ડિયા યંગ કન્ટ્રી છે. મતલબ કે ભારતની બહુમતિ પ્રજા યુવાન છે અને યુવાનોને મોબાઇલનું ઘેલું છે. ગેમિંગથી માંડીને ઇ-બેંકિંગ સુધીની સેવાઓ મોબાઇલમાં ઉપલબ્ધ છે અને ઇન્ડિયન કસ્ટમરને ધ્યાનમાં રાખીને જ વિશ્વની મોબાઇલ કંપનીઓ સોફ્ટવેર બનાવી રહી છે. હવેનો સમય મોબાઇલનો છે. આખી દુનિયાની મોટાભાગની સુવિધા મોબાઇલમાં સમાઈ જશે.

ભારતમાં મોબાઇલના કોલિંગ રેટ પણ આખી દુનિયાની સરખામણીમાં ઘણા ઓછા છે. વસ્તી વધુ હોવાના કારણે કંપનીઓને ઓછા દરે સેવા આપવા છતાં તગડો નફો મળે છે. ઇન્ડિયન્સની ટેવ આખી દુનિયા કરતાં જુદી છે. વિશ્વના ઘણા દેશોમાં તો લોકો માત્ર બહાર ગયા હોય ત્યારે જ મોબાઇલનો ઉપયોગ કરે છે, જ્યારે આપણે ત્યાં તો મોબાઇલના કારણે લેન્ડલાઇન ફોન પણ ભુલાતા જાય છે. લોકો સામાન્ય કામ માટે પણ મોબાઇલ વાપરે છે. બાજુના રૂમમાંથી કોઈને બોલાવવા હોય તોપણ લોકો રાડ પાડવાને બદલે મોબાઇલ લગાવવાનું પસંદ કરે છે. ઇન્ટરનેટનો ઉપયોગ પણ બહુ સહજતાથી કરે છે. મોબાઇલનો ઉપયોગ આપણા દેશના લોકો માટે જરૂરિયાત કરતાં આનંદ-પ્રમોદનું સાધન વધુ છે. એટલે જ આપણા દેશમાં મોબાઇલનો યુગ આથમે એવી કોઈ શક્યતાઓ નથી.

એક સર્વે મુજબ અત્યારે દેશમાં લોકોને સૌથી વધુ રસ મોબાઇલની દુનિયામાં શું નવું છે એ જાણવામાં છે. દુનિયાના બીજા દેશો કરતાં નવાં એપ્સ અપનાવવામાં ઇન્ડિયન્સ સૌથી આગળ છે. મોબાઇલ ઉપયોગના અતિરેકને ઘણા લોકો આશ્ચર્યથી પણ જુએ છે. છતાં આ ક્રેઝ સતત વધતો રહે છે અને વધતો જ રહેવાનો છે.

એક મોબાઇલમાં કેટલું બધું!

મોબાઇલ માત્ર વાત કરવા માટે નથી, પણ સવારે ઊઠવા માટે એલાર્મથી માંડીને મૂવિ જોવા માટેનું મસ્ત અને હેન્ડી ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક ટચૂકડા મોબાઇલમાં કેટલું બધું સમાઈ ગયું છે?

ફોન તો ખરો જ એ ઉપરાંત ઘડિયાળ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો, સીડી પ્લેયર, વીડિયો, મૂવિ, ઇન્ટરનેટ, કેમેરા, મેપ, નેવિગેશન, સ્ટોપ વોચ, વોઇસ રેકોર્ડર, ટેલિવિઝન અને બીજું ઘણું બધું. હવે તો તમારું બ્લડપ્રેશર અને સુગર લેવલ પણ કહી દે એવાં સોફ્ટવેર આવી ગયાં છે. એટલે જ લોકો કહે છે કે એક લેટેસ્ટ મોબાઇલ હોય તો બીજા કશાની જરૂર નથી... આખું જગત જાણે મુઠ્ઠીમાં!

[email protected]
 
Share This
 
 
   

 
Supplements