Nov 25,2014 03:53:49 AM IST
 

ટેસ્ટમાં 'ગલઢા ગાડા વાળે'ને ખોટું પાડતી યંગબ્રિગેડ (એકસ્ટ્રા કોમેન્ટ)

Mar 05, 2013 21:15 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 7064
Rate: 5.0
Rating:
Bookmark The Article

એક્સ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત ઉનડકટ

એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે આપણું શું થશે એવી શંકા અને ભય રહેતો હતો. સતત બે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરી દઇ ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયનનું મોરલ તોડી નાખ્યું છે, એન્ડ યસ ઓલ ક્રેડિટ ગોઝ ટુ યંગ બ્રિગેડ.

માત્ર સાડા ત્રણ દિવસમાં જ ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વાવટા સંકેલી નાખ્યા. ચેન્નઇ પછી હૈદ્રાબાદમાં સતત બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય માત્રને માત્ર આપણી ક્રિકેટ ટીમના યંગ ખેલાડીઓને આભારી છે. ટ્વેન્ટી-૨૦ અને વન-ડે મેચની સરખામણીમાં બોરિંગ ગણાતા ટેસ્ટ મેચને યંગસ્ટર્સે રોમાંચક બનાવી દીધો અને એ છાપ પણ ભૂંસી નાખી કે માત્ર નિવડેલા, સીઝન્ડ કે અનુભવી ખેલાડી જ ટેસ્ટ મેચની નૈયા પાર કરાવી શકે છે.

એક સમય હતો જ્યારે ક્રિકેટ ઉપર ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો હતો અને તેનો હાઉ બધાને સતાવતો હતો, જો કે છેલ્લા થોડા સમયથી ઓસ્ટ્રેલિયાના વળતા પાણી થયા છે. એના કારણો અલગ છે પણ આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણા માટે તો ખુશીની વાત એ છે કે આપણી ક્રિકેટ ટીમમાં જે યંગ બ્લડ છે તે આપણા જૂના ખેલાડીઓની કમી સાલવા દે એવા તો નથી જ ઊલટું તેનાથી મુઠી ઊંચેરા સાબિત થાય એવા છે.

આંકડા ઉપર થોડીક બારીકાઇથી નજર કરીએ તો કહી શકાય કે આપણા માત્ર બે ખેલાડીઓ જ આખી ઓસ્ટ્રેલિયન ટીમ પર ભારે પડી ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં ટોટલ ૨૩૭ રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં તો માત્ર ૧૩૧ રનમાં ફીડલું વળી ગયું. બંને ઇનિંગનો ટોટલ મારીએ તો ૩૬૮ થાય છે. હવે આ ટોટલ સામે આપણે માત્ર ચેતેશ્વર પુજારાના ૨૦૬ અને મુરલી વિજયના ૧૬૭નો સરવાળો કરીએ તો ૩૭૩નો થાય છે, મતલબ કે ઓસ્ટ્રેલિયાની બે પૂરી ઇનિંગ કરતા પણ પાંચ રન વધારે! અલબત્ત આપણા પ્રમાણમાં નવા ગણાતા બોલર અશ્વિન અને જાડેજાને પણ દાદ આપવી પડે.

ઓસ્ટ્રેલિયન ટીમ માનસિક દબાણ ઊભું કરવામાં માહિર છે. મેચના પહેલા જ દિવસે માત્ર ૨૩૭ રન જ થયા હોવા છતાં નવ વિકેટે દાવ ડિકલેર કરી દીધો. ગણતરી તો કદાચ એવી હતી કે પહેલા દિવસની મેચ પૂરી થાય એ પહેલા જો ભારતની એક-બે વિકેટ ખડી જાય તો ઇન્ડિયન ટીમ દબાણમાં આવી જાય. આ દાવ અને ગણતરી ખોટી પડી, ઊલટું બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયે સટાસટ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમ ઉપર દબાણ લાવી દીધું કે અબ તુમ બચ શકો તો બચો.

ક્રિકેટમાં ટવેન્ટી ૨૦, વન-ડે અને ટેસ્ટ મેચની ટીમ અલગ અલગ રહે છે અને ટેસ્ટમાં અનુભવી ખેલાડીઓનો લાભ લેવાય છે. હા, અનુભવી ખેલાડીઓના ફાયદા ચોક્કસ હશે પણ ઊંધી રીતે જુઓ તો તેમાં યંગ પ્લેયર્સ પ્રત્યે અવિશ્વાસ પણ છે. ટીચૂક ટીચૂક રમીને પાંચ દિવસ ખેંચી કાઢવા કરતાં પફોર્મ કરીને મેચને પરિણામ સુધી પહોંચાડવી વધુ યોગ્ય છે એવું યંગ બ્રિગેડે સાબિત કરી આપ્યું.

તમે મેચ તરફ નજર કરો વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર કંઇ ખાસ ઊકાળી શક્યા નથી. સ્પીન બોલિંગમાં હરભજનનો જાદુ પણ ઓસરીગયો હોય એવું જ લાગ્યું. નો ડાઉટ કે આ બધા જ ખેલાડીઓ મહાન છે અને ભૂતકાળમાં અનેક વખત તેનો કરિશ્મા જોવા મળ્યો છે પણ આપણી ટીમના નવા મેમ્બર્સ પણ કંઇ કમ નથી. વિરાટ કોહલીએ તો અગાઉ જ પોતાની કાબેલિયત બતાવી દીધી છે તો ભુવનેશ્વરકુમારની બોલિંગમાં પણ ચમક દેખાય છે. આ બધા ખેલાડીઓ માટે હવે માત્ર એટલું જ જરૂરી છે કે તે પોતાનું પર્ફોમન્સ બરકરાર રાખે. બાકી પ્રારંભિક સફળતાથી છકી ગયેલા અનેક ખેલાડીઓ ફેંકાઇ ગયા છે. જોકે ચેતેશ્વર પુજારાથી માંડી અશ્વિન સુધીના નવા ખેલાડીઓ એકદમ ઠરેલ, મેચ્યોર અને મહેનતુ છે. અત્યારના યંગસ્ટર્સને ખબર છે કે જો ટકવું હશે તમારે દરેક તબક્કે તમારી જાતને સાબિત કરવી પડશે. ગુજરાતીઓ માટે વિશેષ ખુશીની વાત એ છે કે આપણી ટીમમાં બે ગુજ્જુ ખેલાડીઓ હરીફ ટીમના પગે પરસેવો ઉતરાવે છે. ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાએ પોતાનું કૌવત સાબિત કર્યું છે. બે વખત ડબલ સેન્ચુરી મારીને સૌથી ઝડપે વન થાઉઝન્ડ રન પૂરા કરવામાં ચેતેશ્વર પુજારા વિનોદ કાંબલી પછી બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે તો પુજારાએ મુરલી વિજય સાથે ૩૭૦ રન બનાવીને બીજી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો સુનીલ ગાવાસ્કર અને દિલીપ વેંગસરકરનો ૩૪ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. ૧૯૭૮માં કોલકાત્તા ખાતે ગાવાસ્કરે ૧૮૨ અને વેંગસરકરે ૧૫૭ મળી કુલ ૩૪૪ રન કર્યા હતા. સાડા ત્રણ દાયકા પછી આવી રમત જોવા મળી.

આંકડાઓમાં કે ઇતિહાસમાં બહુ પડવું નથી, કહેવાનું માત્ર એટલું જ છે કે, આપણા યંગ ખેલાડીઓમાં દમ છે અને જરૂર પડયે તે અનુભવી ખેલાડીઓને પણ શરમાવે તેવી શાન અને છટાથી રમી શકે છે. ટેસ્ટ મેચ વિશે એવું જ કહેવાતું આવ્યું છે કે 'ગલઢા (ઘરડાં) ગાડા વાળે' ની માફક છેવાડે આવી ગયા હોય એવા ખેલાડીઓ જ ચાલે સામાજિક જીવનમાં વડીલો માટે કદાચ આ કહેવત સાચી હશે પણ જ્યાં સુધી વાત ક્રિકેટની છે ત્યાં સુધી તો આપણે યંગ ખેલાડી પણ કોલર ઊંચો કરીને કહી શકે તેમ છે કે, હમ કીસીસે કમ નહીં...

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com