આગામી ૧૧ માર્ચે ઓન એર થનારા આ શોમાં થયેલા તેમના અનુભવો અને અવનવા ટાસ્કને લઇને પોતાને તૈયાર કરી રહેલા અમદાવાદી પ્રતિનિધિઓ આ સફળતાને લઇને ખૂબ જ ઉત્સાહી છે.
ખૂબ ચેલેન્જિંગ છે : જ્હોન સરકારી
'જ્યારે અમદાવાદમાં ઓડિશન હતું ત્યારે મેં ઘરે નહોતું કીધું, કેમ કે હું સિલેક્ટ થઈને તેમને સરપ્રાઇઝ આપવા માગતો હતો.' : જ્હોન સરકારી
ઓફિસમાં આંકડાઓની વચ્ચે અને ઘરે ઇન્ગ્રિડિયન્સની સાથે રમતા અને બેંકમાં મેનેજર તરીકે કાર્યરત જ્હોન બોમી સરકારી પોતાના આ અલગ શોખ વિશે વાત કરતા કહે છે કે, 'નાનપણથી જ મને રસોઈનો શોખ છે. મેં ટીવી પર અમદાવાદમાં થનારા ઓડિશન વિશે જોયું અને ઇન્કવાયરી કરી ઓડિશન પાસ કર્યુ. મેગા ઓડિશન પાસ કર્યા બાદ અનેક ટાસ્ક શરૂ થયાં જે ખુબ જ ચેલેન્જિંગ છે. દરેક શેફ પોતાની રીતે ટાસ્ક આપતા હોય છે અને અમારે તે પાસ કરવાના હોય છે. પણ અગર મારે ગુજરાતી કોઈ ડિશ બનાવવાની થાય તો હું ઉંધીયું બનાવીને વિકાસ ખન્નાને ખવડાવવા માગું છું.'
ફેમિલીથી દૂર રહીને કોઈ પણ સ્પર્ધાને પાર કરવી ખૂબ અઘરી હોય છે : શિવાની મહેતા
'મારા માટે સૌથી સહેલો ટાસ્ક સંજીવ કપૂરે આપેલો ખાંડવી બનાવવાનો હતો. ગુજરાતી હોવાથી મેં તેને ખૂબ સરસ રીતે પાર કર્યો હતો. ' : શિવાની મહેતા
અમદાવાદી શિવાની મહેતાએ ટોપ ૩૧ની યાદીમાં એન્ટ્રી મેળવી લીધી છે. શિવાની કહે છે કે, કોલેજ કરતી હતી ત્યાં સુધી મને રસોઇ બનાવતા આવડતું નહોતું. પણ મારો ભાઇ સ્કૂલેથી આવે તો હું કંઈ પણ નવું એક્સપરિમેન્ટ કરીને તેને બનાવી આપતી હતી. મેં કોઈ રસોઈ માટેની ટ્રેનિંગ નથી લીધી. માસ્ટર સેફમાં ઓડિશનથી લઈને સિલેક્શન સુધીની સફર વિશે વાત કરતા શિવાની કહે છે કે, અમદાવાદ ઓડિશન પાસ કર્યા બાદ હું મેગા ઓડિશન માટે મુંબઇ પહોંચી જ્યાં મારૃં સિલેક્શન થઇ ગયું હતું. 'પહેલાં તો હું ખૂબ નર્વસ હતી. ક્રૂ મેમ્બર્સ અને ૧૭ કેમેરા તમને સતત ફોલો કરતા હોય. પણ સંજીવ કપૂર ઘણાં હેલ્પફુલ છે. બધા જજ પાસેથી અમને ઘણું શીખવા મળી રહ્યું છે.' તેમના માટે કયો ટાસ્ક અઘરો અને કયો ટાસ્ક સહેલો હતો કે વિશે વાત કરતા શિવાની કહે છે કે, 'મારા માટે સૌથી સહેલો ટાસ્ક સંજીવ કપૂરે આપેલો ખાંડવીનો હતો ગુજરાતી હોવાથી મે તેને ખૂબ સરસ રીતે પાર કર્યો હતો. મારા માટે અઘરો ટાસ્ક પુતરેકુ બનાવવાનો હતો. ફેમિલીથી દૂર રહીને કોમ્પિટીશન પાસ કરવાના અનુભવ વિશે વાત કરતા તે કહે છે કે,'ફેમિલીથી દૂર રહીને કોઈ પણ સ્પર્ધાને પાર કરવી ખૂબ અઘરી હોય છે. રોજ રાત્રે ફેમિલી અને મારી ૧૨ વર્ષની દીકરીને યાદ કરીને રડી પડું છું. ક્યારેક તો તેમને મળવા ભાગી જવાની ઇચ્છા થાય છે.' શિવાની મહેતા માસ્ટર શેફમાં સિલેક્ટ થયા બાદ કેટરિંગ શરૂ કર્યું છે.