અમદાવાદ, તા.૫
- છેલ્લા ૨ મહિનામાં ડોલરની સામે પાઉન્ડ ૬.૭ ટકા ગગડયો આમ છતાં હજી તેમાં ૨.૩ ટકાના ઘટાડાને અવકાશ હોવાનો મત્ત
- રૂપિયો પણ પાઉન્ડની સામે સાડા ૬ ટકા મજબૂત
- યુરો સામે સળંગ ૭ મહિનાથી પાઉન્ડના મૂલ્યમાં ધોવાણ
- ઓપ્શન ટ્રેડિંગમાં પાઉન્ડમાં મંદીની પોઝિશન વધીને ૨ વર્ષની ટોચે
- અર્થતંત્રની કથળતી હાલત*ફોર્થ ક્વાર્ટરનો જીડીપી ઘટીને ૦.૩ ટકા
૨૦૧૩નું વર્ષ બ્રિટન માટે કદાચ સૌથી વસમું નિવડવાના એંધાણ છે. ગત મહિને જ તેને મૂડીઝ દ્વારા ડાઉન ગ્રેડિંગ કરવામાં આવ્યું અને ઇતિહાસમાં પહેલી વાર તેનું ત્રિપલ એ રેટિંગ ગુમાવ્યું. કરન્સીની વાત કરીએ તો, બ્રિટિશ પાઉન્ડનો દેખાવ આ વર્ષે સૌથી ખરાબ રહ્યો છે. ફેબ્રુઆરી સુધીના ગાળામાં ડોલરની સામે પાઉન્ડ ૭ ટકા તૂટયો છે. જે લગભગ ૩ વર્ષનું બોટમ કહી શકાય. પાઉન્ડનો ભાવ વર્ષારંભે ૧.૬૪ ડોલરનો હતો, તે ૧.૪૯ ડોલર બોલાયો છે.
જુલાઇ ૧૦ પછીની આ નીચી સપાટી છે. ડોલરની સામે પાઉન્ડ સળંગ ૭ મહિનાથી ઘટી રહ્યો છે. યુરો સામે પણ ડોલરની આવી જ હાલત છે. ફેબ્રુઆરીના અંતે યુરો દીઠ ૮૮.૧૫ પેન્સનો ભાવ આવ્યો હતો, તે ઓક્ટોબર ૨૦૧૧ પછીની નીચી સપાટી હતી. હાલ, યુરો દિઠ ૮૬ પેન્સની આસપાસનો ભાવ ચાલે છે.
વિશ્વના અગ્રણી ૩૨ ચલણોની સાથે તુલના કરીએ તો, ૨૦૧૩ના વર્ષે પાઉન્ડનો દેખાવ વર્સ્ટ કરન્સીમાં ત્રીજા ક્રમે છે. ભારતીય રૂપિયો ડોલરની સામે લગભગ યથાવત છે. પરંતુ પાઉન્ડની સામે સાડા છ ટકા જેવો મજબૂત બન્યો છે. વર્ષની શરૂઆતમાં પાઉન્ડ દીઠ ૮૮.૯૦નો ભાવ હતો, તે હાલ ૮૩.૨૮નો ભાવ ચાલી રહ્યો છે. પાઉન્ડમાં આટલી નોંધપાત્ર ખરાબી છતાં પિમ્પકો, ડબ્યુબીસી (વેસ્ટ પૅક બેન્કિંગ), જેવા કરન્સી માર્કેટના ખેલાડીઓની ધારણા છે કે, પાઉન્ડ હજુ તૂટશે. ડોલરમાં વેસ્ટ પૅક તરફથી એક પાઉન્ડ દીઠ સવા ડોલરની આગાહી કરાઇ છે. મતલબ કે, પરિસ્થિતિ વધુ વકરે તો, પાઉન્ડ હજુ ડોલરની સામે ૧૦ ટકા જેવો ઘટી શકે!
યુરોની સામે ૯૩ પેન્સનો સુધીનો ભાવ મૂકાય છે. ઓપ્શન ટ્રેડર્સ જે કરન્સી માર્કેટમાં ચલણનો ટ્રેન્ડ કેવો રહેશે તેનું બેરોમિટર ગણાય છે, ત્યાં મંદીની પોઝિશનનો રેશિયો ૨ વર્ષની ઊંચી સપાટીએ છે. પિમ્પકોની ધારણા પ્રમાણે બ્રિટિશ ઇકોનોમીની હાલત વસમી છે. ફોર્થ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોઝ રેટ ગગડીને ૦.૩ ટકા નોંધાયો હતો. તાજેતરમાં આવેલા આંકડા પ્રમાણે મેન્યુફેક્ચરિંગની હાલત કફોડી છે. કન્સ્ટ્રક્શનના ડેટા ૩ વર્ષની ખરાબી બતાવે છે. ઇકોનોમીને ઉગારવા માટે સ્ટિમ્યુલન્સનો ડોઝ વધારાશે એવી વ્યાપક ધારણા છે અને આ ધારણા સાચી ઠરે તો, પાઉન્ડ પરનું ડાઉનવર્ડ પ્રેશર વધવાનું છે.