નવી દિલ્હી, તા.૫
ચાલુ નાણાકીય વર્ષે દરમિયાન ૧૨ ટેક્સટાઇલ યુનિટ બંધ થયાં
છેલ્લાં ચાર વર્ષમાં નાણાકીય મંદી, કર્મચારી અશાંતિના કારણે ૧૦૦થી વધુ ટેક્સટાઇલ યુનિટને તાળાં લાગ્યા છે જેના કારણે ૨૯ હજારથી વધુ કર્મચારીઓ બેકાર બન્યાં છે. આજે સંસદમાં ટેક્સટાઇલ મિનિસ્ટર આનંદ શર્માએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વિશે કહ્યું છે.
વિતેલ ત્રણ વર્ષમાં ૮૯ ટેક્સટાઇલ યુનિટ બંધ થયા છે અને ચાલુ નાણાકીય વર્ષે વધુ ૧૨ ટેક્સટાઇલ મિલોને તાળાં લાગતા આ સંખ્યા ૧૦૦થી વધી ગઇ છે. આ ટેક્સટાઇલ યુનિટ બંધ થયા બાદ બેકાર થયેલ કર્મચારીઓને ટેક્સટાઇલ વર્કર રિહેબિલિટેશન ફંડ સ્કીમ અંર્તગત નાણાકીય સહાય આપવામાં આવી છે. દેશમાં ૧૨૭૬ કોટન/ મેનમેડ ફાઇબર ટેક્સટાઇલ સ્પિનિંગ મિલ (નોન-એસએસટી) છે જે ૪.૧૯ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. વધુમાં જણાવ્યું કે, ચાલુ કપાસ માર્કેટિંગ સિઝનમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૨૨ લાખ ગાંસડીની ખરીદી કરી છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન વૈશ્વિક કપાસ ઉત્પાદનમાં ભારતના હિસ્સામાં કોઇ ઘટાડો થયા વગર ૨૨થી ૨૩ ટકા નોંધાયો છે. હાલ ઓપન જનરલ લાઇસન્સ હેઠળ કપાસ નિકાસ થાય છે. કોટન એડવાઇઝરી બોર્ડના મતે ચાલુ કપાસ સિઝનમાં ૩૩૦ લાખ ગાંસડી કપાસ ઉત્પાદનનો અંદાજ છે.