બૈઇજિંગ, તા. ૫
પડોશી દેશો સાથે વધી રહેલા તંગ સંબંધોને જવાબદાર ગણાવ્યા
ચીને તેનાં સંરક્ષણ બજેટમાં ૧૦.૭ ટકાનો ધરખમ વધારો કર્યો છે. ચીને તેનું સંરક્ષણ બજેટ વધારીને ૧૧૫.૭ અબજ ડોલર એટલે કે રૂ. ૬,૨૯૭ કરોડ કરી દીધું છે. આ બજેટ ભારતનાં સંરક્ષણ બજેટ ૩૭.૪ અબજ ડોલર કરતાં ત્રણ ગણું વધારે છે. ચીન તેની સૈન્ય તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે, જે ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. ગયા વર્ષે પણ ચીને તેનાં સંરક્ષણ બજેટમાં ૧૧ ટકાનો વધારીને ૧૦૬ બિલિયન ડોલર કરી દીધું હતું.
મંગળવારે સવારે શરૂ થયેલા ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસનાં ર્વાિષક અધિવેશનમાં સંરક્ષણ બજેટમાં વધારા અંગે જાહેરાત કરાઇ હતી. ચીનના સંરક્ષણ ખાતાના અધિકારીઓએ બજેટમાં કરાયેલા વધારાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પ્રાદેશક સ્થિરતા અને કેટલાક પડોશી દેશો સાથે વધી રહેલા તણાવને કારણે આ પગલું આવશ્યક હતું. એક અઠવાડિયા સુધી ચાલનારા સેશનમાં નવા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના મહાસચિવ શિ જિંનપિંગની ઔપચારિક રીતે દેશના આગામી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવશે.
અમેરિકા સાથે મુકાબલો
ચીન સંરક્ષણ બજેટની દૃષ્ટિએ અમેરિકા સાથે મુકાબલો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાના ૫૩૧ અબજ ડોલરનાં બજેટ કરતાં ખૂબ જ ઓછું છે જ્યારે સંરક્ષણ બજેટમાં વધારા અંગેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે નેશનલ પીપલ્સ કોંગ્રેસની પ્રવક્તા ફુએ જણાવ્યું હતું કે, દેશની સ્થિરતા અને વિશ્વમાં શાંતિ જાળવવા માટે આ બજેટ ખૂબ જ જરૂરી છે. સંરક્ષણ લશ્કરી નીતિ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અમારી શાંતિ માટે અમારી વિદેશ અને સંરક્ષણ નીતિએ મહત્ત્વનું યોગદાન કર્યુ છે.
ભારત સહિત પડોશી દેશો સાથે સરહદોનો વિવાદ
ચીનનો તેના પડોશી દેશો સાથે જેમ જેમ સરહદ વિવાદ વધતો ગયો તેમ તેમ તેના સંરક્ષણ બજેટમાં વધારો થઈ રહ્યો છે. ભારતની સાથે અરૂણાચલ પ્રદેશનો અને બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બાધવા મુદ્દે ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં તેને ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે સાથે તાઇવાન, બ્રુનેઇ અને મલેશિયા સાથે પણ સરહદ મામલે વિવાદ ચાલી રહ્યો છે. આમ ચીન વ્યૂહાત્મક રીતે તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યું છે.
જાપાન સાથે તંગદિલી
હાલમાં ચીનનો જાપાન સાથે પૂર્વ ચીન સમુદ્રમાં વિવાદિત ટાપુ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં એનપીસીની પ્રવક્તા ફુએ જણાવ્યું હતું કે, સરહદના કે અન્ય મુદ્દે કોઈ વિવાદ ઊભો થાય અને કોઈ દેશ ઉશ્કેરણી કરે ત્યારે અમે શું કરી શકીએ? અમે તેનો જડબાતોડ જવાબ આપીશું અને ચોક્કસ સમયમાં તે સમસ્યા ઉકેલવા પ્રયત્ન કરીશું. ચીનનાં સંરક્ષણ બજેટમાં વધારા બાદ જાપાને પણ તાજેતરનાં વર્ષોમાં સંરક્ષણ બજેટમાં વધારો કર્યો હતો.