અમદાવાદ, તા. ૫
- વ્હોર્ટન સ્કૂલ ઓફ બિઝનેસને સણસણતો જવાબ-'તૂ નહીં તો ઔર સહી'
- એડિસન, ન્યૂ જર્સી, શિકાગો, ઈલિનોઈસ ખાતે વીડિયો કોન્ફરન્સથી ૯ માર્ચે સાંજે ૭થી ૯ કલાકે (NRI) સંબોધશે
અમેરિકાની વ્હોર્ટન બિઝનેસ સ્કૂલ દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ રદ કરવામાં આવ્યા પછી પણ યુએસમાં મોદીની બોલબાલા બરકરાર રહી છે, હવે તેઓ યુએસમાં ૯ માર્ચે સાંજે ૭થી ૯ કલાકે (ભારતીય સમય મુજબ ૧૦મી માર્ચે રવિવારે સવારે ૫.૩૦ વાગે) ઈન્ડિયન ડાયસ્પરાને સંબોધન કરશે. અમેરિકાનાં રાજ્યો એડિસન, ન્યૂ જર્સી, શિકાગો તેમજ ઈલિનોઈસમાં રહેતા ભારતીયો તેમના વક્તવ્યનો લાભ લઈ શકશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની આ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું છે. વ્હોર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાં નહીં તો તેમનું ભાષણ હવે ઈન્ડિયન ડાયસ્પરામાં યોજાશે તેવું આ કાર્યક્રમથી પુરવાર થાય છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ ધ બીજેપી યુએસએની વેબસાઈટ પર સ્ક્રોલ કરીને તેઓ તેમનું ભાષણ વાંચશે. પોર્ટલનાં જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતેથી ઈન્ડિયન ડાયસ્પરાને સંબોધશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. મોદી દ્વારા ભૂતકાળમાં અનેક વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુએસમાં ઈન્ડિયન ડાયસ્પરાને સંબોધવામાં આવ્યું છે.
મોદીની છબીને માનવઅધિકાર મુદ્દાઓ સાથે સંબંધ નથી : જર્મની
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો દાયકા જૂનો બહિષ્કાર યુરોપિયન સંઘ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા પછી જર્મનીએ મંગળવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મોદીની છબીને માનવ અધિકારના મુદાઓ સાથે કોઈ સંબંધ નથી. આ બંને બાબતોને પરસ્પર સાંકળવી જોઈએ નહીં. જર્મનીનાં રાજદૂત માઈકલ સ્ટેઈનરે કહ્યું હતું કે મોદી સાથે સંબંધો રાખવા કે નહીં તેને અમારી માનવ અધિકારો અંગેની સ્થિતિ કે મહિલાઓ અંગેનાં અધિકારો અંગે અમારા વલણ સાથે કોઈ લેવાદેવા નથી. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જર્મનીની એમ્બેસી દ્વારા યોજાનાર કાર્યક્રમની વિગતો આપતાં સ્ટેઈનરે આ સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં મોદીનાં મુખ્યપ્રધાનપદ
વખતે ૨૦૦૨નાં કોમી રમખાણોમાં મહિલાઓને જ વધારે સહન કરવું પડયું હતું. આવા સંજોગોમાં એક બાજુ મહિલાઓનાં અધિકારોની વાત કરવી અને બીજી તરફ મોદીને ટેકો આપવો એ વિરોધાભાસ નથી? તેવા પ્રશ્નના જવાબમાં સ્ટેઈનરે ઉપર મુજબ કહ્યું હતું. ગુજરાતી યુવતીઓ ફિગર કોન્સિયસ હોવાથી ત્યાં કુપોષણનો દર વધારે છે તેવી મોદીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.