ભાવનગર તા. પ
ભાવનગર સહિત રાજયભરમાં સ્વાઈન ફલુ કેસ વધી રહ્યાં છે જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો મોતને ભેટયા છે. ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આજરોજ સ્વાઈન ફલુથી એક મહિલા અને એક વૃધ્ધાનુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઈન ફલુથી બે મહિલા અને એક વૃધ્ધાનુ મોત નિપજયા છે. સ્વાઈન ફલુના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
- ઘોઘાના ત્રંબક ગામની મહિલા અને પાલિતાણાના ખાખરીયાની વૃધ્ધાનુ મોત
ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ગત તા. ર૪ ફેબ્રુઆરીએ એક મહિલાનુ સ્વાઈન ફલુથી મોત નિપજયુ હતું. આ ઘટનાને હજુ દિવસ થયા છે ત્યાં આજે મંગળવારે સ્વાઈન ફલુએ વધુ બે વ્યકિતનો ભોગ લીધો છે જેમાં ઘોઘા તાલુકાના ત્રંબક ગામની એક મહિલા અને પાલિતાણા તાલુકાના ખાખરીયા ગામની એક વૃધ્ધાનો સમાવેશ થાય છે. સ્વાઈન ફલુનો કહેર વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરની હોસ્પિટલમાં સ્વાઈન ફલુથી એકી સાથે બે વ્યકિતના મોત નિપજતા તંત્ર દોડતુ થઈ ગયુ છે.
જિલ્લામાં સ્વાઈન ફલુનો કહેર વધતા લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે અને આરોગ્ય ખાતુ હરકતમાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગઈસાલ સ્વાઈન ફલુએ ભરડો લીધો હતો અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.