ભાવનગર, તા.પ
ભાવનગર શહેરમાં હાલ ફરી રહેલા લાખો વાહનો પૈકી અડધો અડધ વાહન ચાલકો પાસેથી મહાપાલિકાને કરોડોનો રોડ ટેક્સ વસુલવાનો બાકી છે. જુના વેરાનું જે થાય તે પરંતુ હવે નવું વાહન ખરીદનાર પાસેથી ડિલર જ વેરો વસુલશે. જેથી મહાપાલિકાને રોડ ટેક્સની રોજની દોઢલાખ એટલે કે મહિને ૪પ લાખ અને વર્ષે સાડાપાંચ કરોડની આવક થશે. આ કરોડોની આવક મેળવવા આજે મંગળવારે આર.ટી.ઓ. રાવ સાથે મહાપાલિકાના નાયબ કમિશનર દિલીપભાઈ દવે અને અધિકારી ડો.સિન્હાની બેઠક મળી હતી.
- આર.ટી.ઓ. સાથે મનપાના ડે.કમિશનરની સફળ બેઠક : મનપાની તિજોરી વર્ષે સાડાપાંચ કરોડથી છલકાશે
બેઠકમાં થયેલી પરિણામલક્ષી ચર્ચા અંગે વિશેષ વિગતો આપતા ડો.સિન્હાએ જણાવ્યું હતું કે મહાપાલિકાને છેલ્લા ઘણા વર્ષોથી વાહન કરની આવકમાં ધરખમ ઘટાડો થઈ ગયો હતો. મર્યાદિત સ્ટાફના કારણે દરેક વાહનચાલકના ઘર સુધી જઈને બાકી રોડ ટેક્સ વસુલવો અઘરો છે. તેમ છતાં આર.ટી.ઓ. પાસેથી તમામ વાહન ચાલકોના સરનામા લઈને મહાપાલિકા જુનો રોડ ટેક્સ વસુલવા વાહનચાલકોને નોટીસ આપવા સહિતની કાર્યવાહી કરશે. પરંતુ રોજના હજારો નવા વાહનો ખરીદાઈ રહ્યા છે ત્યારે નવા વાહનો પેટે અગાઉથી રોડ ટેક્સ મળી જાય તે માટે દરેક વાહન ચાલક વાહન ખરીદે તે સાથે આર.ટી.ઓ.ની પાસીંગ ફીની જેમ મહાપાલિકાનો આજીવન રોડટેક્સ પણ ડિલરને જ ચુકવવો પડે તેવું આયોજન કરાયું છે. જેમાં આજે મળેલી બેઠકમાં આર.ટી.ઓ. રાવે હકારાત્મક વલણ દાખવી સંપૂર્ણ સહયોગ આપ્યો છે. નાયબકમિશનર દિલીપભાઈ દવે સાથે થયેલા કમિટમેન્ટ મુજબ સંભવિત ૧લી એપ્રિલથી નવી પધ્ધતિ અમલી થઈ જશે. મહાપાલિકાને જે તે ડિલર આર.ટી.ઓ. હસ્તક રોડ ટેક્સ ચુકવી દેશે. દ્વિચક્રી વાહનોના રૂ.૮૦૦ થી ૧૦૦૦ આજીવન રોડટેક્સના છે. જ્યારે ફોર વ્હીલ વાહનોનો પ૦૦૦ થી પ૦૦૦૦ સુધીનો રોડ ટેક્સ છે. મહાપાલિકાને આ સફળ આયોજનથી રોજની દોઢેક લાખ અને ર્વાિષક સાડાપાંચ કરોડ જેટલી આવક થશે. જેથી કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો આપો આપ હલ થઈ જશે અને મહાપાલિકા આર્થિક સધ્ધર બની જશે.