તરનતારન, તા. ૫
પોલીસ દ્વારા યુવતી પર કેસ પાછો ખેંચી લેવા દબાણ
કેન્દ્ર સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષા માટે નવા નવા કાયદા લાવવા પ્રયાસ કરી રહી છે, છેડછાડ કે અન્ય હેરાનગતિની ફરિયાદ કરવા પોલીસના મોબાઇલ બૂથ શરૃ કરવાની તૈયારી કરી રહી છે ત્યાં મહિલા પર પોલીસ દ્વારા જ કરાયેલા અમાનવીય દમનનો કિસ્સો બહાર આવ્યો છે. પંજાબના તરનતારન ખાતે છેડછાડની ફરિયાદ કરવા જનારી યુવતી અને તેના પિતાને પોલીસે જાહેરમાં જ માર માર્યો હતો. તેને મુક્કા માર્યા અને લાકડીથી પણ ફટકારી હતી. પોલીસકર્મીઓ દ્વારા યુવતીની મદદ કરવાની જગ્યાએ તેને જ માર મારવામાં આવ્યો અને પોલીસે તેનો દુપટ્ટો પણ ખેંચી કાઢયો અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ પણ ખેંચી ગયા.
આવા અમાનવીય કૃત્ય કર્યા બાદ મીડિયાએ આ મામલો ચગાવ્યો અને સરકારનું ધ્યાન આ મુદ્દે ગયું, જોકે પંજાબ પોલીસ દ્વારા તાત્કાલિક ચાર કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તે ઉપરાંત પંજાબ સરકારે આ મુદ્દે જ્યુડિશિયલ તપાસનો આદેશ આપ્યો છે. યુવતીએ જણાવ્યું કે ડ્રાઈવરે મારી છેડતી કરી હતી.
અમે તેની છેડતીનો વિરોધ કર્યો તો ડ્રાઈવર તેના સાગરીતો સાથે અમને મારવા આવ્યો અને અમારા સગાં અને ડ્રાઇવરો વચ્ચે મૂઠભેડ થઈ, જોકે પોલીસને ફોન કરતાં પોલીસ ત્યાં આવી અને મને અને મારા પિતાને માર મારવા લાગી, તે ઉપરાંત મને ધમકી આપી કે ડ્રાઇવરોએ તો માત્ર છેડતી કરી છે પણ જો ફરિયાદ કરી તો તારી આબરૃ સાવ બગાડી દઈશું. તે ઉપરાંત જેણે પોલીસને બોલાવી હતી તેને પણ પોલીસસ્ટેશન લઈ જઈને તેનું મોઢું ટોયલેટમાં નાખીને તેને અપમાનીત કરવામાં આવ્યો હતો.