નવી દિલ્હી, તા. ૫
હાલ આ મર્યાદા દસ લાખની છે
જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૃપિયાથી વધુ હોય તો તમારે તમારું આઇટી રિટર્ન ઇલેક્ટ્રોનિક ફોર્મથી ફાઇલ કરવું પડશે એટલે કે ઈ-રિટર્નનાં માધ્યમથી આઇટી રિટર્નનું ઈ-ફાઇલિંગ કરવું પડશે. હાલ આ મર્યાદા વાર્ષિક દસ લાખ રૃપિયાની છે. ઇન્કમટેક્સ વિભાગ આગામી દિવસોમાં આ અંગે જરૃરી નોટિફિકેશન જાહેર કરશે, ઉપરાંત નાણામંત્રાલય પણ વેલ્થટેક્સ રિટર્ન્સનાં ઈ-ફાઇલિંગ માટે કેટલીક જોગવાઈઓ તૈયાર કરી રહ્યું છે.
રેવન્યૂ સેક્રેટરી સુમિત બોસના જણાવ્યાનુસાર, 'પાંચ લાખ રૃપિયાથી વધુની આવક ધરાવતાં લોકોએ ટેક્સ રિટર્ન્સ, દરેક પ્રકારનાં રિટર્ન્સ ઈ-ફાઇલ કરવાં પડશે. ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા તરફ આ પગલું લેવામાં આવ્યું છે, તેનાથી આકારણી અધિકારી અને કરદાતા વચ્ચેની વાતચીત ઘટી જશે.' સરકારે ગયા વર્ષે દસ લાખ કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે આઇટી રિટર્ન્સ ભરવા ઈ-ફાઇલિંગની સિસ્ટમ અપનાવી હતી.
વેલ્થટેક્સ એક્ટના સેક્શન ૧૪માં ફોર્મમાં વેલ્યૂએશન તારીખ પર નેટ વેલ્થનું રિટર્ન પ્રસ્તુત કરવાની જોગવાઈ છે. હાલ વેલ્થટેક્સ એક્ટની જોગવાઈઓ મુજબ નેટ વેલ્થનું રિટર્ન ભરવાની સાથે કેટલાક દસ્તાવેજો અને રિપોટ્ર્સ પ્રસ્તુત કરવા જરૃરી છે જ્યારે ઇન્કમટેક્સ(આઇટી)ના સેક્શન ૧૩૯સી અને ૧૩૯ડીમાં આઇટી રિટર્ન્સ દાખલ કરવાની સુવિધા માટે ઇલેક્ટ્રોનિક ફોર્મની જોગવાઈ છે.