નવી દિલ્હી, તા. ૫
અડવાણી સહિત ૧૯ લોકો સામે બાબરી ધ્વંસના આરોપો
અયોધ્યામાં વિવાદિત બાંધકામ તોડવાના કેસમાં સીબીઆઈ દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને અન્ય ૧૯ લોકોને નિર્દોષ કરાર અપાયાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ પર બીજી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એલ.એચ.દત્તુ અને જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે મંગળવારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી અને આગ્રહને ધ્યાનમાં રાખીને બીજી એપ્રિલે સુનાવણીની જાહેરાત કરી હતી. સીબીઆઈ તરફથી વરિષ્ઠ અધિકારી પી.પી.રાવે જસ્ટિસ પેનલને કેટલાક સમય માટે આ કેસની સુનાવણી સ્થગિત કરવાની અપીલ કરી હતી. જો કે પેનલ દ્વારા પ્રતિવાદીઓ કલ્યાણસિંહ અને અન્ય તથા તેમના વકીલની દલીલ સાંભળવામાં આવી હતી. બંને પક્ષોની સહમતી સધાયા પછી પેનલે બીજી એપ્રિલ સુધી કોઈ સુનાવણી નહીં થાય તેવી જાહેરાત કરી હતી.
અયોધ્યાના વિવાદીત બાંધકામને, બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ તોડી પાડવાના આરોપમાંથી ભાજપ અને વિશ્વહિન્દુ પરિષદના કેટલાક મુખ્ય નેતાઓને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા છોડી મૂકવાના નિર્ણય સામે સીબીઆઈએ સુપ્રીમમાં અરજી કરી હતી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પણ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, આ નિર્ણયને જ હાઈકોર્ટે બહાલી આપી હતી.
બાબરી ધ્વંસ માટે અડવાણી, કલ્યાણ સિંહ, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, પ્રવીણ તોગડિયા, વિષ્ણુહરિ દાલમિયા અને સાધ્વી ઋતુંભરા સહિત ૨૦ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.