180X600.jpg
Jul 23,2016 08:34:49 PM IST
 

એન.કે.અમીનને મુંબઇ હાઇકોર્ટના જામીન

Mar 06, 2013 01:31 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2352
Rate: 1.0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૫

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવી મૂકનાર શોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર કેસમાં ખૂબ જ મહત્વના આરોપી એવા ઉચ્ચ પોલીસ અધિકારી નરેન્દ્ર કે.અમીન (તત્કાલીન ડીવાયએસપી)ને મુંબઇ હાઇકોર્ટે આજે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ અભય થીપ્સેએ અરજદાર એન.કે.અમીનના કિસ્સામાં તેમની હેલ્થના ગ્રાઉન્ડ સહિતના અન્ય કારણોને ધ્યાનમાં રાખીને શરતી જામીન મંજૂર કર્યા હતા.

  • સીબીઆઇ સુપ્રીમમાં અપીલ કરવાની હોવાથી આદેશ બે સપ્તાહ માટે સ્થગિત
  • અન્ય આરોપી પોલીસ અધિકારીઓ માટે પણ આશાના કિરણનો સંચાર

જો કે, અમીનને જામીન મળવાથી નારાજ સીબીઆઇએ તરત જ તેમને સુપ્રીમકોર્ટમાં અપીલ કરવી હોઇ ચાર સપ્તાહ માટે હુકમ સામે સ્ટે આપવા માંગણી કરી હતી. અલબત્ત, જસ્ટિસ થીપ્સેએ સીબીઆઇની માંગણી અશંતઃ ગ્રાહ્ય રાખી બે સપ્તાહ માટે જામીનનો હુકમ સ્થગિત કર્યો હતો.

બીજીબાજુ, શોહરાબ કેસના અન્ય આરોપી પોલીસ અધિકારીઓ માટે પણ અમીનને જામીનનો હુકમ આશાના કિરણનો સંચારસમો બન્યો છે કારણ કે, એન.કે.અમીન સૌપ્રથમ એવા ઉચ્ચ પોલીસ અધિકારી છે કે જેમને આટલા ચકચારભર્યા અને સંવેદનશીલ કેસમાં જામીન મળ્યા હોય. શોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ દ્વારા ગત તા.૧૮-૨-૨૦૦૮ના રોજ આરોપી ઉચ્ચ પોલીસ અધિકારી નરેન્દ્ર કે.અમીનની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ આ કેસમાં પીઆઇ વી.એ.રાઠોડના સ્ટેટમેન્ટના આધારે એન.કે.અમીનની ધરપકડ કરી હતી. રાઠોડે તેના નિવેદનમાં અમીનની ભૂમિકાનો પર્દાફાશ કર્યો હતો.

આરોપી ઉચ્ચ પોલીસ અધિકારી તરફથી મુંબઇ હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જામીનઅરજીમાં સુપ્રીમકોર્ટના સીનીયર કાઉન્સેલ રામ જેઠમલાણી, મહેશ જેઠમલાણી અને એડવોકેટ જગદીશ રામાણીએ એ મતલબની વિગતવાર રજૂઆત કરી હતી કે, અરજદારનો સમગ્ર કેસમાં બહુ મર્યાદિત રોલ સ્પષ્ટ થાય છે. સીબીઆઇએ માત્ર પીઆઇ વી.એ.રાઠોડના સ્ટેટમેન્ટના આધારે અરજદારની આ કેસમાં સંડોવણી કરી તેમને ફસાવી દીધા છે, બાકી અરજદાર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા તપાસનીશ

એજન્સી પાસે નથી. વળી પીઆઇ વી.એ.રાઠોડને તો ગુજરાત હાઇકોર્ટે સોહરાબ કેસમાં આરોપી બનાવવાનો હુકમ કર્યો હતો તેમછતાં તપાસનીશ એજન્સીને સાક્ષી તરીકે તેમનું નિવેદન નોંધી તેની પર મદાર રાખ્યો છે. કાયદાકીય જોગવાઇ મુજબ, આરોપીના નિવેદનને ગ્રાહ્ય રાખી શકાય નહી અને તે દ્રષ્ટિકોણથી તપાસનીશ એજન્સીનો દાવો ખોટો ઠરે છે. અરજદાર છેલ્લા ઘણા સમયથી જેલમાં સબડી રહ્યા છે અને તેની સીધી અસર તેમની તબિયત અને આરોગ્ય પર પડી છે. જેના ગંભીર અસરો અરજદાર સહન કરી રહ્યા છે. અરજદાર હાલ મલ્ટીપલ ડીસીઝ(એક કરતાં વધુ રોગો)થી પીડાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રોસ્ટેટની ગંભીર તકલીફ, ઓબ્સ્ટ્રકટીવ સીપે પેનીયા(ઓએસપી), કાર્ડિયાક રીહેબીલીટેશન, હૃદયના વાલ્વની તકલીફ, એરપ્રેશર-ઓકિસજનની તકલીફ સહિતની ઘણી બિમારીઓનો શિકાર બની ચૂકયા છે. શરીર અને શ્વાસમાં પૂરતા પ્રમાણમાં ઓકિસજન પહોંચતો નહી હોવાથી અરજદારને રોજ રાત્રે પાંચથી છ કલાક સુધી સી-કેપ મશીન પહેરીને સૂવાની ફરજ પડે છે. જેમાં નાક મારફતે કોમ્પ્રેશડ પ્રેશર થકી ઓકિસજનનો પૂરતો પુરવઠો શરીરને પહોંચાડાય છે, અન્યથા અરજદારના શરીરમાં ગમે ત્યારે ગમે તે તકલીફ ઉભી થાય તેમ છે.

સાબરમતી જેલમાં અરજદારની તબિયત ગંભીર હદે લથડતાં ગત તા.૨૩-૩-૨૦૧૨ના રોજ તેમને સીમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ઘણો સમય સારવાર ચાલ્યા બાદ તેમને ડિસેમ્બર-૨૦૧૨થી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર પર રાખવામાં આવ્યા હતા. અગાઉ હાઇકોર્ટે અરજદારની જામીનઅરજી નામંજૂર કરતો જે હુકમ કર્યો તેમાં પણ એવું સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે, અરજદાર ઉચ્ચ પોલીસ અધિકારી અમીનની નાદુરસ્ત તબિયત જોતાં તેમને અમદાવાદ કે મુંબઇ જયાં પણ સારવારની જરૂરિયાત ઉભી થાય તો સીબીઆઇએ તેમની સારવાર માટે ધ્યાન રાખવું. આ સંજોગોમાં હેલ્થના જેન્યુઇન કારણોને જોતાં પણ અરજદાર જામીન મેળવવા હકદાર ઠરે છે. હાઇકોર્ટે કેસના તમામ પાસા અને બદલાયેલા સંજોગો લક્ષ્યમાં લઇને અરજદારને જામીન પર મુકત કરવા જોઇએ. અમીન તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી મુંબઇ હાઇકોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા.

અમીન જ એકમાત્ર આરોપી હતા કે, જેમને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા

ચકચારભર્યા શોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી નરેન્દ્ર કે.અમીન જ એકમાત્ર એવા આરોપી હતા કે, જેમને નીચલી કોર્ટ(સેશન્સ કોર્ટ)માંથી જામીન મળ્યા હતા. જો કે, પાછળથી હાઇકોર્ટે તેમના જામીન રદ કર્યા હતા અને સુપ્રીમકોર્ટે પણ તેમના જામીન રદનો હુકમ યથાવત્ રાખ્યા હતા. પરંતુ સોહરાબ કેસમાં ૨૦ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાલ જેલમાં છે. જે પૈકી નરેન્દ્ર અમીન જ સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવી શકયા હતા. ત્યારબાદ આજે મુંબઇ હાઇકોર્ટમાંથી જામીન મેળવવામાં અમીન જ સૌપ્રથમ સફળ રહ્યા છે. અમીનના જામીન બાદ છેલ્લા છ-સાત વર્ષોથી જેલમાં સબડી રહેલા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને આશાનું કિરણ જાગ્યું છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com