180X600.jpg
Jul 27,2016 03:18:36 AM IST
 

પોલીસ તમાશો જોતી રહી, લૂંટારા માલ લૂંટતા ગયા

Mar 05, 2013 23:32 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 5614
Rate: 5.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૫

શહેરની ભાગોળે આવેલા બોપલ નજીક શેલા ગામમાં નંદનબાગ બંગલોઝમાં સિનિયર સિટિઝનના બંગલામાં ગઇકાલે મોડી રાત્રે સશસ્ત્ર ગેંગ લૂંટના ઇરાદા સાથે ઘૂસી હતી અને રોકડ તેમજ દાગીના સહિત કુલ રૂ.૫.૧૫ લાખની મતા લૂંટી લીધી હતી. ઘરમાં લુંટારા ઘુસ્યા હોવાની જાણ થતાં જ સતર્ક ડોકટર મહિલાએ પોલીસને ફોન કર્યો હતો.

  • બોપલ પાસે શેલામાં સિનિયર સિટીઝનના બંગલે ધાડપાડુ ત્રાટક્યાં
  • પોલીસ પર ભારે પથ્થરમારો કરી ગેંગ નાસી છૂટી : લૂંટારુ ટોળકીને પકડવા પાંચ ટીમની રચના

પોલીસ તત્કાળ ત્યાં પહોંચી હતી પરંતુ લૂંટારુ ગેંગે પોલીસની પરવા કર્યા વગર ઘટના સ્થળે જ દારૂની મહેફિલ માણી હતી અને ખાલી બોટલો પોલીસ પાર્ટી ઉપર જ ફેંકવાની શરૂઆત કરી દીધી હતી. તે સાથે પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરતાં ત્યાં અફડાતફડી મચી ગઇ હતી. આ ધાંધલમાં લૂંટારુ ટોળકી નાસી જવામાં સફળ થઇ હતી. પોલીસે લૂંટારુ ગેન્ગને ઝબ્બે કરવા પાંચ અલગ-અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ રવાના કરી છે. લૂંટના ઇરાદે આવેલી ટોળકીએ સ્થાનિક રહીશો ઉપર દારૂની બોટલો સાથે ભારે પથ્થરમારો કરતા નાસ ભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા ટોળકીએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીર તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધાડપાડુ ટોળકીને પકડવા માટે જુદી-જુદી પાંચ ટીમો તપાસમાં જોડાઇ છે.

બોપલ પાસે આવેલા શેલા ગામમાં નંદનબાગ બંગલો નંબર ૫૩માં સિનિયર સિટિઝન ડોકટર ભારતીબેન નયનભાઇ પારેખ (ઉ.વ.૬૭) તેમના પરિવાર સાથે રહે છે. ભારતીબેનના હિસ્ટો પેથોલોજીસ્ટ ડોકટર છે. ભારતીબેનના પતિ નયનભાઇ અને પુત્ર અપૂર્વ એન્જિનિયર છે.

ગઇકાલે રાબેતા મુજબ ભારતીબેન અને નયનભાઇ નીચેના બેડરૂમમાં સૂઇ ગયા હતા અને અપૂર્વ તેમની પત્ની રાજવી અને પુત્રી સાથે ઉપરના રૂમમાં સૂતા હતા તે દરમિયાન મોડી રાત્રે ૩.૩૦ વાગે બંગલાનો પાછળનો દરવાજો કોઇએ જોરજોરથી ખખડાવ્યો હતો. જેથી નયનભાઇ દરવાજો ખોલી બહારના મુખ્ય ગેટ તરફ ગયા અને દરવાજાની નાની બારી ખોલી તો ચાર-પાંચ માણસો ટોર્ચ સાથે દેખાતા તેમણે પૂછયુ હતુ કે, કોણ છો? જેના જવાબમાં ધાડપાડુઓએ જણાવ્યું હતુ કે, સિક્યુરિટીવાળા છીએ અને પથ્થર ફેંકતા નયનભાઇ ડરી ગયા હતા અને બંગલામાં જઇ અંદરથી દરવાજો લોક કરી દીધો હતો. પરંતુ ધાડપાડુઓ કમ્પાઉન્ડમાં આવી જઇ દરવાજો તોડવાનું શરૂ કરી દેતાં નયનભાઇ અને ભારતીબેન ઉપરના માળે સૂઇ રહેલા તેમના પુત્રના રૂમમાં જઇને દરવાજો બંધ કરી દીધો હતો. બીજી તરફ ધાડપાડુઓ દરવાજો તોડી બંગલામાં ઘૂસી જઇ તોડફોડ કરવા લાગ્યા હતા અને બે શખસો બહાર ઊભા હતા. ડરી ગયેલા પરિવારે આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી અને સિક્યુરિટી તથા આસપાસના લોકોને ફોનથી જાણ કરતા લોકો જાગી ગયા હતા પરંતુ ધાડપાડુઓ લોકોના ટોળા પર પથ્થરમારો કરતા સિક્યુરીટી ગાર્ડને ઇજા થઇ હતી.

દરમિયાન બોપલના એક પીએસઆઇ અને કોન્સ્ટેબલ નંદનબાગ બંગલા પાસે પહોંચી ગયા હતા તેઓ આવતા ધાડપાડુઓએ દારૂની બોટલો, ખુરશીઓ ફેંકવાની સાથે પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારાના કારણે બોપલ પોલીસે બંગલામાં પ્રવેશ કરી શકી નહોતી. ઊલટું સિક્યુરિટી ગાર્ડને અંદર જવા માટે ધમકાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ અંદર જતાં ધાડપાડુઓએ કોટાસ્ટોનના પથ્થરો ફેંક્યા હતા અને રોકડ સહિત રૂ.૫.૧૫ લાખની મતા સાથે ધાડપાડુઓ બાજુના બંધ મકાનની દીવાલ કૂદી પાછળ નવી બની રહેલી વ્રજ ગાર્ડન નામની સ્કીમમાં થઇને નાસી છૂટયા હતા.

ઘટનાની જાણ થતાં જિલ્લા ડીએસપી ગગનદીપ ગંભીર સહિતનો કાફલો દોડી આવ્યો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કવોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે પણ તપાસ હાથ ધરી હતી.

બોપલ પોલીસ મથકના પીએસઆઇ કે.આર. નિનામા સસ્પેન્ડ

નંદનબાગમાં મધરાત્રે ત્રાટકેલા ધાડપાડુઓને પકડવા ગયેલા બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે આર નિનામાએ લૂંટારું ટોળકીનો સામનો કર્યા વગર વિલા મોઢે પાછા ફર્યા હતા. બનાવની જાણ થયા પછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જ બંગલામાં લૂંટારુંઓ હાજર હોવા છતાં પોતાની ર્સિવસ રિવોલ્વરનો પણ તેમને ઉપયોગ કર્યો નહીં જેના કારણે આટલી મોટી ઘટના ઘટી ગઈ હતી.

લૂંટારુંઓએ સ્થાનિક લોકો અને પોલીસને પડકાર ફેક્યોં કે, 'તુમ્હારે મેં હિંમત હૈ તો હમકો પકડ કે દિખાઓ'

બંગલા આગળ આવેલી પોલીસ અને સ્થાનિક લોકોને લૂંટારુંઓએ સ્થાનિક લોકો અને પોલીસને પડકાર ફેક્યોં કે, 'તુમ્હારે મેં હિંમત હૈ તો હમકો પકડ કે દિખાઓ.' લૂંટારું ટોળકીએ દારૂની બોટલો, ખુરશીઓ બંગલામાં લગાવેલા કોટાસ્ટોનના પથ્થરો અને છોડના કુંડાઓનો મારો ચલાવી રીતસર આતંક મચાવ્યો હતો. છતાં પોલીસ અને અન્ય લોકો પણ આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર થયા ન હતા.

બે ડીઆઇજી જિલ્લાની પોલીસ તપાસમાં જોડાઇ

આ ઘટના બાદ જિલ્લા રેન્જ ડીઆઈજી આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડોદરા રેન્જના ડીઆઇજી સાથે વડોદરા, ગોધરા અને દાહોદ પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. બોપલ પીઆઇ એ.બી.વાળંદની ટીમ એલસીબી, આરઆરસેલ અને એસઓજીની ટીમોએ પણ સ્થાનિક રાહે તપાસ હાથ ધરી છે. આ ગેંગ દાહોદ જાબુવાની ગેંગ હોવાની શંકા છે. અગાઉ પકડાયેલી ગેંગોની વિગતો પણ જુદા જુદા જિલ્લાઓમાંથી મંગાવાઇ છે.

વ્રજ ગાર્ડન સ્કીમમાંથી ડો.ભારતીબેનનું પર્સ મળ્યું

ચડ્ડી, બંડી અને માથે રૂમાલ બાંધીને આવેલી લૂંટારુગેંગે આશરે એક કલાકના સમયમાં લૂંટ ચલાવી હતી. ભારતીબેનના પાકીટમાંથી કિંમતી વસ્તુઓ કાઢી લીધો હતો. લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટો કાઢી લીધા બાદ ખાલી પર્સ વ્રજ ગાર્ડન નામના પ્લોટિંગની સ્કીમમાં ફેંકી દીધુ હતું. જે પોલીસે તપાસ માટે કબજે લીધું છે. પોલીસને લૂંટારુઓનું હજુ સુધી એક પણ પગેરું મળ્યું નથી.

 
Share This