વડોદરા, તા.૫
આજવા રોડ વિસ્તારની સરકારી શાળામાં આજે બપોરે ધો.૩ ની વિદ્યાર્થિનીએ બ્લીચિંગનું પ્રવાહી પી લીધું હતું.
આજવા રોડ પર એકતા નગરમાં રહેતા હારૂન મલેક એક છોકરી સહિત ત્રણ સંતાનનો પિતા છે. પોતે કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હારૂનની મોટી છોકરી નાઝમીન (ઉ.વ.૮) આજવા રોડ પરની સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળાના ધો.૩ માં અભ્યાસ કરે છે. આજે શાળામાં વાલીઓની મીટિંગ હોવાથી નાઝમીનને લઇને તેની મમ્મી બપોરે બાર વાગ્યાની આસપાસ સ્કૂલમાં ગઇ હતી. પરંતુ ઘરેથી નીકળતી વખતે નાઝમીને પાણીની બોટલને બદલે બ્લીચિંગની બોટલ લીધી હતી.
- ઘરેથી પીવાના પાણીને બદલે બ્લીચિંગની બોટલ લઇ ગઇ હતી
શાળામાં પહોંચ્યા બાદ તેની મમ્મી શિક્ષકો સાથે વાતચીત કરતી હતી. જ્યારે બીજી તરફ નાઝમીન તેના ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે બેઠી હતી. દોઢ વાગ્યાના સુમારે નાઝમીનને પાણીની તરસ લાગતા ઘરેથી લાવેલી બોટલમાંથી બ્લીચિંગ પાણી સમજીને પી લીધું હતું. જે બાદ તેની હાલત બગડતાં ઊલટી કરી હતી. અને ક્લાસમાં જ બેભાન થઇ ઢળી પડી હતી. જેથી ત્યાં હાજર નાનકડા વિદ્યાર્થીઓ ગભરાતા બૂમાબૂમ કરી હતી. જેથી શિક્ષકો સહિત તેની માતા ત્યાં દોડી ગયા હતા. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં પીડિયાટ્રિક વોર્ડમાં સમયસર તેની સારવાર મળતા તેના માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.