વડોદરા,તા.૫
દેશભરમાં ૮ મી માર્ચે વુમન ડેની ઉજવણી કરાશે ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એ છે કે પર્વતારોહણ જેવા પુરુષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રમાં વડોદરાની બે સગી બહેનોએ પોતાનો ડંકો વગાડયો છે અને તે બદલ પ્રસાર ભારતી દૂરદર્શન દ્વારા વડોદરાની આ પર્વતારોહણ બે સગી બહેનોને ૧લી માર્ચે તેજસ્વીની એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલાઓને સન્માનિત કરવા માટે પ્રસાર ભારતી દૂર દર્શન દ્વારા આ વર્ષથી તેજસ્વીની એવોર્ડની શરૂઆત કરાઇ છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં ગુજરાતની શૌર્યવાન ૧૦ મહિલાઓને તેજસ્વીની એવોર્ડથી સન્માનિત કરાઇ હતી જેમાં વડોદરાની પ્રાચી વૈદ્ય અને પ્રાર્થના વૈદ્ય સીકેનીસનો સમાવેશ થાય છે.
- પ્રાચીએ ૬ વર્ષની ઉંમરે ૧૯૦૦૦ ફૂટની અને પ્રાર્થનાએ ૧૧ વર્ષની ઉંમરે ૨૦૦૦૦ ફૂટની ઊંચાઇ સર કરી હતી
- યંગેસ્ટ માઉન્ટેનર ઓફ ઇન્ડિયાનો ખિતાબ પ્રાચીના નામે અને યંગેસ્ટ માઉન્ટેનર ઓફ વર્લ્ડનો ખિતાબ પ્રાર્થનાના નામે આજે પણ કાયમ
- તેજસ્વીની એવોર્ડ પ્રાપ્ત કરનાર બહેનો પ્રાચી વૈદ્ય અને પ્રાર્થના વૈદ્ય.
હાલમાં એમ.એસ.યુનિર્વિસટીમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રાચીએ માત્ર ૬ વર્ષ અને ૨૯ દિવસની ઉંમરે ગંગોત્રી રેન્જમાં આવેલા માઉન્ટ થેલું નામના ૧૯૦૦૦ ફુટ ઊંચા ર્બિફલા પહાડને માઇનસ ૧૫ ડિગ્રી વાતાવરણમાં સર કરીને યંગેસ્ટ માઉન્ટેનર ઓફ ઇન્ડિયાનો ખિતાબ હાસીલ કર્યો હતો અને આજે પણ આ ખિતાબ તેના નામે છે.
જ્યારે પ્રાચીની બહેન પ્રાર્થનાએ માત્ર ૧૧ વર્ષ અને ૪ મહિનાની ઉંમરે ચાઇના બોર્ડર પર આવેલા ૨૦,૦૮૦ ફૂટ ઊંચા માઉન્ટ કાલિન્દીને માઇનસ ૧૦ ડિગ્રીમાં સર કર્યો હતો. પ્રાચી યંગેસ્ટ માઉન્ટેનર ઇન વર્લ્ડનો ખિતાબ આજની તારીખે પણ ધરાવે છે કેમ કે પ્રાચીએ ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇ સર કર્યા બાદ પર્વતારોહણ ક્ષેત્રે કાયદો લાગુ કરી દેવાયો છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને ૧૮,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઇએ જવા દેવી નહી. આઇપીસીએલમાં ફરજ બજાવતા પ્રાચી અને પ્રાર્થનાના પિતા સંદીપ વૈદ્યએ જણાવ્યું હતંુ કે મને મારી પુત્રીઓ પર ગૌરવ છે. પ્રાર્થનાએ તો તેના લગ્ન બાદ પણ પર્વતારોહણનું સાહસ ચાલુ રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રસારભારતી દ્વારા પ્રાચી અને પ્રાર્થના ઉપરાંત ગુજરાતના પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર મંજૂલાબેન પ્રજાપતિ, પહેલા મહિલા વીડિયોગ્રાફર લીલાબેન દત્તાણી, પ્રથમ તબલા વાદક હેતલ મહેતા, પ્રથમ આઇપીએસ પરીક્ષિતા રાઠોડ, નાની ઉંમરના પ્રથમ મહિલા સરપંચ અફસાના કાજી, પેરા ઓલમ્પિકમાં પ્રથમ વખત અર્જુન એવોર્ડ મેળવનાર પારૂલબેન પરમાર, સતત ૬૨ કલાક ગાયન ગાઇને ગિનીશ બુકમાં સ્થાન મેળવનાર ધારી પંચમદા અને કોમન વેલ્થ ગેમમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રથમ ગુજરાતણ લજ્જા ગોસ્વામીને પણ તેજસ્વીની એવોર્ડથી સન્માનિત કરાયા હતા.