ભુજ, તા. ૫
એક પરિણીતા કે જેના ત્રણ સંતાનો હોય અને માનસિક રીતે અસ્થિર હોય, તે અચાનક ગુમ થઇ જાય, તો પરિવારજનો પર શું વિતે તેની કલ્પના સૌ કોઇ કરી શકે છે, પરંતુ પાંચ વર્ષ બાદ તે મહિલા સહી સલામત પાછી ફરે, તો કેટલી ખુશી થાય તે કદાચ વર્ણન કરવું મુશ્કેલ છે. અવારનવાર પોતાના વહાલસોયા દીકરા, દીકરી ગુમ થવાની ઘટનામાં બહુ ઓછા કિસ્સામાં એવું બને છે કે, કોઇ સહીસલામત પાછું આવે, પરંતુ ભુજના સુખપરની એક પરિણીતાનું પાંચ વર્ષ બાદ તેના પરિવારજનો સાથે મિલન થતાં સૌ કોઇના આંખમાંથી હર્ષના આંસુ સરી પડયા હતા.
- મુદઇ લાખ બુરા ચાહે ક્યાં હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ
- કચ્છ પહોંચતાજ પરિવાર જનોની આંખમાંથી હર્ષના આંસુ સરી પડયા
ફિલ્મી કહાનીનો પ્લોટ હોય તેવી આ વાસ્તવિક કહાનીની વાત કરીએ, તો ભુજ તાલુકાના સુખપરમાં રહેતી ૩૫ વર્ષીય રોશનબેન સલીમ રાયમાં પાંચ વર્ષ પહેલા ક્યાંક ચાલી ગઇ હતી.પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તે પતિના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે આવી હતી. વર્ષ ૨૦૦૮માં તે તા.૧૧-૪-૨૦૦૮ના અચાનક ગુમ થઇ ગઇ હતી. જે અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરતા તપાસ શરૃ થઇ હતી. જો કે, ઘટનાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા તેણીની માતા નિયામતબેન આમદ રાયમાએ હિંમત હારી ન હતી. તેમને જેની ઉપર અતૂટ શ્રદ્ધા છે, તેવા મોટાપીર ઉપર અતુટ વિશ્વાસ હતો અને છેવટે તેમની દુવા ફળી હોય તેમ દિલ્હીથી તેમની વહાલસોયી દીકરી મળી આવી હતી. જે અંગે જાણ થતાં કચ્છ પોલીસની ટીમે ત્યાં જઇને કચ્છ લઇ આવવામાં આવી હતી.
પોતાની દીકરીને પાંચ વર્ષના લાંબા સમય બાદ નિહાળતા માતાના આંખમાંથી હર્ષના આંસુ સરી પડયા હતા અને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે, હેમખેમ તેમની દીકરી પાછી આવી ગઇ. પરિવારના અન્ય સભ્યો પણ જાણ થતાંજ પહોંચ્યા હતા અને રોશનબેનને સહીસલામત નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પોલીસે દરેક સભ્યોનું નિવેદન લઇને તપાસ શરૃ કરી હતી કે, આખરે ઘટના બની કઇ રીતે. યુવતીના જણાવ્યા પ્રમાણે તે પ્રથમ ભુજથી સુરત અને ત્યારબાદ હરિયાણા ટ્રેન મારફતે પહોંચી હતી.જ્યાંથી તે કોઇપણ રીતે દિલ્હી સુધી પહોંચી ગઇ હતી. દિલ્હી પોલીસને મહિલાની ભાળ મળતા તિહાડ જેલના .નિર્મલ છાયા મહિલા આશ્રમમાં મોકલી આપી હતી. ત્યાં તે પોતાના પરિવારજનો અને ઘર વિશે વાત કરતા છેવટે દિલ્હી પોલીસે ચોક્કસ માહિતી મળતા કચ્છ એસપી કચેરીમાં સમગ્ર હકીકત વિશે માહિતી આપતો વાર્તાલાપ કર્યો હતો અને તે રીતે પાંચ વર્ષ બાદ સુખપરની યુવતી મળી આવી હતી.