Nov 23,2014 09:16:59 PM IST
 

શિક્ષણના નામે ચલાવાતી ઉઘાડી લૂંટ

Mar 06, 2013 03:39 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 935
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૪

શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ કચ્છ જિલ્લામાં પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અને સરકારી મોટા કે નાના દવાખાનાઓમાં શિક્ષકો કે પેરા મેડિકલ સ્ટાફનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, પરિણામે શિક્ષણ અને આરોગ્યની સેવા સરેઆમ કથળી હોય તેવો તાલ જિલ્લામાં જોવા મળે છે. બીજીબાજુ કચ્છની સ્વનિર્ભર શાળાઓ દ્વારા શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે અને સરકારની ઉદાર નીતિનો મનસ્વી રીતે ગેરલાભ ઉઠાવી નિયમસરની પહોંચ આપ્યા વગર લાખો રૃપિયા ઘરભેગાં કરતા હોવાની ગંભીર ફરિયાદો જિલ્લાના શિક્ષણતંત્ર અને રાજ્ય સરકારને મળી હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે.

  • નિયમસરની પહોંચ આપ્યા વગર વાલીઓ પાસેથી દાન પેટે રકમની માગણી કરાતી હોવાની ફરિયાદ
  • કચ્છની સ્વનિર્ભર શાળાઓ સરકારની ઉદાર નીતિનો મનસ્વી રીતે ઉઠાવે છે ગેરલાભ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દરેક શાળા દ્વારા વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને ગુણવત્તા, શાળાના મકાનની સુવિધા તેમજ શૈક્ષિણક અને ઈત્તર પ્રવૃત્તિ માટે અપાતી સગવડને લક્ષમાં લઈ તા. ૩૧-૧-૯૭ના ઠરાવથી ટયૂશન ફી, સત્ર ફી તથા પ્રવેશ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં શાળાને જે ફીની આવક થાય તેમાંથી ૮૦ ટકા રકમ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના પગાર ભથ્થા માટે અને ર૦ ટકા રકમ શાળાના અન્ય ખર્ચ માટે કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે, પરંતુ કચ્છમાં ૧ર૩ જેટલી સ્વનિર્ભર માધ્યમિક - ઉચ્ચમાધ્યમિક શાળાઓ મનસ્વી રીતે સરકારના આદેશોનું ધોરી ધરાર ઉલ્લંઘન કરીને ટયૂશન ફી, સત્ર ફી તથા પ્રવેશ ફીના નામે ઉંચી ફી લેતી હોવાની તથા કોઈપણ જાતની નિયમ અનુસારની પહોંચ આપ્યા વગર વાલીઓ પાસે દાનની માગણી કરી રહી હોવા સંદર્ભેની ફરિયાદો રાજ્ય સરકારને મળી છે, જેની નોંધ સરકારે ગંભીરતાથી લીધી હોય તેવું જણાતું નથી.ભુજ તથા ગાંધીધામ વિસ્તારની મોટાભાગની આવી સેલ્ફ ફાઈનાન્સ માધ્યમિક શાળાઓ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લીધા વિના જ દર વર્ષે રૃ. ર૦૦૦/- ફીનો તોતિંગ વધારો ઝીંકી દે છે, જે સંદર્ભે વાલીઓએ અનેક રજૂઆતો જિલ્લાના શિક્ષણતંત્રના વડાને કરી હોવા છતાં તે દિશા તરફ કોઈ પગલાં આવા શાળા સંચાલકો સામે ભરવામાં આવતા નથી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકોએ આ શાળાઓનું ઈન્સ્પેકશન હાથ ધરવાનું હોય છે, પરંતુ ઈન્સ્પેકશન દરમિયાન આ કર્મચારીઓની આગતા - સ્વાગતા અને વહીવટ અને વ્યવહાર થઈ જતો હોવાથી આંખ આડા કાન ધરી રહ્યા હોવાની સ્પષ્ટ છાપ ઉપસી રહી છે. સ્વનિર્ભર શાળાના સંચાલકો વૈભવી બંગલા તેમજ મોંઘીદાટ કારમાં ફરી રહ્યા છે અને તેમની શાળામાં ફરજ બજાવતાં શૈક્ષણિક સ્ટાફનું આર્િથક શોષણ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે, જે બાબતની પણ સરકાર તપાસ હાથ ધરે તો આવા અનેક સંચાલકો ઉઘાડા પડે તેમ છે.

વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી સ્વનિર્ભર શાળાઓને તાત્કાલિક અસરથી તેની માન્યતા રદ કરી કાયદેસરના પગલાં ભરવાની માગ પણ ઉઠી રહી છે, જે બાબતે શિક્ષણના હિતમાં આવા પગલાં ભરાય તેવી રજૂઆતો વાલીઓ દ્વારા પણ થઈ રહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com