સુરત તા.૫
સિવિલ હોસ્પિટલમાં એક નિષ્ઠુર જનેતા બાળકીને જન્મ આપ્યાની ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઇ ગઇ હતી. નવજાત બાળાને તરછોડી માતા ભાગી જતાં સિવિલનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને પોલીસને જાણ કરાઇ હતી. પથ્થર દિલ જનેતા સામે સિવિલના સ્ટાફે ભારે ફિટકાર પણ વરસાવ્યો હતો. દરમિયાન ગણતરીના સમયમાં જ લાવારિસ થઇ ગયેલી કમનસીબ બાળાએે સાંજના સુમારે વોર્ડમાં દમ તોડી દીધો હતો અને તેણીની લાશ પીએમ રૃમમાં મુકાઇ હતી.
- કમનસીબ બાળાએ ગણતરીના સમયમાં જ સિવિલમાં દમ તોડયો
- બાળકીની લાશ બિનવારસી હાલતમાં પીએમ માટે મુકાઇ
રૃસ્તમપુરામાં અકબર સઇદના ટેકરા ખાતે રહેતી નૂરઝહાંબી શેખ કલીમે ગત સાંજે સિવિલ હોસ્પિટલના એચ-૩ વોર્ડમાં બાળકીને જન્મ આપ્યો હતો, બાળકીને જન્મ આપ્યા બાદ રાત્રિ દરમિયાન નૂરજહાંબી વોર્ડમાંથી ગાયબ થઇ ગઇ હતી. વોર્ડના ર્નિંસગ સહિતના સ્ટાફે ભારે શોધખોળ કરી હોવા છતાં નૂરજહાંબીનો કોઇ પત્તો નહિ લાગતાં આખરે એમએલસી કરાવાયું હતું અને મામલો ખટોદરા પોલીસમાં ગયો હતો.
તાજી જન્મેલી બાળકીને માતા ત્યજીને ચાલી જતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે માતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પોતાનું પાપ છુપાવવા માતા બાળકીને સિવિલમાં જન્મ આપી ભાગી ગઇ હોવાની વાત ચાલી હતી. જન્મ થયાની ગણતરીની મિનિટોમાં જ બાળકી લાવારિસ હાલતમાં મુકાઇ ગઇ હતી અને એચ-૩ વોર્ડનો સ્ટાફ તેણીની સારસંભાળ રાખી રહ્યો હતો. દરમિયાન સાંજના સુમારે નવજાત બાળકીએ દમ તોડી દીધો હતો. માતા છોડી જતા લાવારિસ થઇ ગયેલી બાળાની લાશને સિવિલના પીએમ રૃમમાં બિનવારસી તરીકે મુકાઇ હતી.
મહિલાએ નામ-સરનામું ખોટું લખાવ્યું હોવાની પોલીસને શંકા
સિવિલમાં બાળકીને જન્મ આપી માતા ભાગી જતાં ખટોદરા પોલીસે તપાસ કરી હતી. સિવિલમાં નોંધાવેલા નામ અને સરનામા મુજબ પોલીસે રૃસ્તમપુરા અકબર સઇદના ટેકરા વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે, આ નામની કોઇ મહિલા પોલીસને મળી ન હતી. જેથી મહિલાએ હોસ્પિટલ ચોપડે નામ-સરનામું ખોટું લખાવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
બાળકીને દત્તક લેવા નિઃસંતાન મહિલા આગળ આવી હતી
અકબર સઇદના ટેકરા ખાતે રહેતી મહિલા સિવિલમાં નવજાત બાળકીને તરછોડી જતા પોલીસે તે વિસ્તારમાં તપાસ કરી હતી. બાળકીને ત્યજી દેવાયાની વાત માલૂમ પડતા જ સંતાન સુખથી વંચિત મહિલા રઝીયા ઉસ્માન કુરેશી (રહે. આંબાવાડી-કાલીપુલ) સિવિલ દોડી આવી હતી. તેણીએ બાળકીને દત્તક લેવાની પણ તૈયારી બતાવી હતી. જોકે, કાયદાકીય ગૂંચવણને કારણે બાળકી દત્તક મળી શકે એમ ન હોય તેણી પરત ફરી હતી.
૭મી વખત પણ બાળકી જન્મતાં તરછોડી દેવાયાનું અનુમાન
સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી નૂરજહાંબીએ ડોક્ટરો-નર્સોની પૂછપરછમાં તેણીને સંતાનમાં છ પુત્રીઓ હોવાનું જણાવ્યું હતું. આ વખતે તેણીએ પુત્રની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, સાતમી વખત પણ પુત્રીનો જન્મ થતાં બાળકીને તરછોડી ગઇ હોવાની શક્યતા વર્ણવાઇ રહી છે.