નડિયાદ, તા. ૭
ખેડા જિલ્લામાં આજરોજ નડિયાદ શહેરન નજીક નેશનલ હાઈવે નંબર ૮ ઉપર પીપલગ ચોકડી નજીક ગોપાલ પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં બે મોટર સાઈકલ સવારોના મોત નીપજ્યા હતા જ્યારે મહેમદાવાદ તાલુકાના કાછઈ ગામની સીમમાં પિયોગો રીક્ષાની ટક્કરે સી.એન.જી. રીક્ષામાં મુસાફરી કરી રહેલ યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ખેડા જિલ્લાં વધતા જતા અકસ્માતોને કારણે રહીશોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.
- નડિયાદ નજીક નેશનલ હાઈ વે ઉપર અને મહેમદાવાદમાં અકસ્માતના બનાવો
અકસ્માતના બનાવોની પ્રાપ્ત માહિતીનુસાર સૂરત ખાતે ખાનગી કંપનીમાં ચાલક તરીકે ફરજ બજાવતા અને આજરોજ અમદાવાદ થી સૂરત તરફ મોટર સાઈકલ નંબર જીજે - ૧૬ - પી - ર૪૩પ લઈને પોતાના એક મિત્ર સાથે જઈ રહેલા કિરણકુમાર છેલશંકર પાઠક નડિયાદ નજીક નેશનલ હાઈ વે નંબર ૮ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોપાલપાટિયાથી નડિયાદ તરફના માર્ગે પુરોહિત હોટલ નજીક સામેથી આવી રહેલ આઈસર ટેમ્પા નંબર જીજે - ૧૦ - એક્સ - ૭૭૦પ ના ચાલકે જોરદાર ટક્કર મારતાં બેય મોટર સાઈકલ સવારો માર્ગ ઉપર ફંગોળાયા હતા. જ્યાં ગંભીર ઈજાઓને કારણે એકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતને પગલે દોડી આવેલ સ્થાનિકોએ બેયને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ યુવાનના મોતની પુષ્ટી સસ્વિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે કરી હતી. જ્યારે કિરણકુમારને પ્રાથમિક સારવાર બાદ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે તેઓનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે કિરણકુમાર પાસેથી મળી આવેલ લાઈસન્સના આધારે તેઓ સૂરતની એક ખાનગી કંપનીમાં ચાલક તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું તથા લાઈસન્સમાં પ્રાપ્ત માહિતી મુજબ તેમના પરિવારજનોને પણ જાણ કરી હતી. જોકે કિરણકુમાર સાથે મોટર સાઈકલ પર મુસાફરી કરી રહેલ અને ગંભીર ઈજાઓને કારણે સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ અન્ય મૃતકની ઓળખ હજી સુધી થઈ ન હોવાનું પણ તપાસ અધિકારીએ જણાવ્યું હતું. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે આઈસર ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે તથા મોટર સાઈકલ સવાર અન્ય વ્યક્તિની ઓળખ માટેની તથા તેમના વાલીવારસોની પણ શોધખોળ આદરી છે.
અકસ્માતનો બીજો બનાવ મહેમદાવાદ તાલુકાના કાછઈ ગામના પાટિયા પાસે બન્યો હતો. જ્યાં કાછઈ થી સરસપૂર તરફ જઈ રહેલ સી.એન.જી. રીક્ષાને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ પિયાગો રીક્ષા નંબર જીજે - ૭ - વી.વી.- ૬પ૧૦ ના ચાલકે જોરદાર ટક્કર મારતાં સી.એન.જી. રીક્ષામાં બેઠેલ અજયભાઈ પ્રભાતભાઈ ચૌહાણ (ઉ.વ.ર૦) (રહે. કાછઈ) ને ગંભીર ઈજા થતાં તેઓને તુરંત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસે પિયાગો રીક્ષાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.