Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:12:17 PM IST
 

આર્થિક સહાય આપવામાં તંત્રનો ઠેંગો

Oct 09, 2011 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 361
Rate: 0
Rating:
Bookmark The Article

આણંદ, તા.૮

આણંદ જિલ્લાના ખંભાત શહેર તથા તેની નજીકના ગામ શક્કરપુર ખાતે લાયસન્સવાળા અને વગર લાયસન્સે ચલાવાતા અકીકના પથ્થર ઘસવાના કારખાનામાં કામ કરતાં શ્રમજીવીઓ સીલીકોસીસ નામના મહાભયંકર રોગનો ભોગ બની મોતને ભેટી રહ્યા છે.આ બાબતે ગંભીર થયેલ સરકારે આવા શ્રમજીવી કર્મચારીઓના કુંટુંબને આર્થિક વળતર મળે તે માટે આયોજન કર્યુ છે.ચોંકાવનારી હકિકત એ છે કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે અકાળે મોતને ભેટ આપતી અકીકની ફેક્ટરીઓમાં કામ કરવા મજબુર બનેલા આ શ્રમજીવીઓને અન્યત્ર વૈકલ્પિક રોજગાર મળતો નથી અને તેના પરિણામે તેમને સીલીકોસીસ જેવી જાનલેવા બિમારીનો ભોગ બન્યા બાદ પણ કામ પર જઈને નિશ્વિત મોતનો સામનો કરવો પડે છે અને તેઓ આવું કામ કરે છે કારણ કે તેમને ઉંડે ઉંડે અપેક્ષા હોય છે કે તેમના કુંટુંબને પગભર થવા આર્થિક સહાય મળશે પરંતુ હકિકતમાં તેમ થઈ રહ્યું નથી.

  • મૃત્યુ બાદ આર્થિક સહાય માંગે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની માંગણી કરી

જીંદગીભર સીલીકોસીસ નામની જીવલેણ બિમારીથી પીડાવા છતાં કામ કરવા મજબુર આવા શ્રમજીવી કર્મચારીઓને રેકોનાઈઝ હોસ્પિટલ દ્વારા સીલીકોસીસની બિમારી થઈ હોવાનું નિદાન થયું હોવા ઉપરાંત છેક સુધી સારવાર ચાલતી હોવા છતાં તેમના મૃત્યુ પછી તેમને મળવાપાત્ર આર્થિક સહાય આપવામાં તંત્ર વાંધા વટાકાઓ સાથે અખાડા ઉભા કરી મોતના ભોગ બનનાર પરિવારને આર્થિક સહાય ન મળે તે માટે પુરતા પ્રયત્નો કરે છે.એટલું જ નહી માન્ય હોસ્પિટલોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા થયેલ સીલીકોસીસ રોગના નિદાનને માન્ય રાખવાના બદલે સહાય ન આપવા માનસિકપણે સજ્જ થયેલ તંત્રના માંધાતાઓ આવા રોગીઓની આ બાબતે કોઈપણ જાતની અગાઉથી માહિતી આપી નહીને તેમના મૃત્યુ બાદ સીલીકોસીસથી પીડાતા હોવાનું સાબિત કરવા અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો પાસેથી પોસ્ટમોર્ટમ રીપોર્ટ માંગે છે.

બિમારીથી મૃત્યુ પામેલા દર્દીનું પોસ્ટમોર્ટમ કેવી રીતે કરાવવું ? કુદરતી રીતે સીલીકોસીસ બિમારીનો ભોગ બનેલા દર્દીઓ જ્યારે મરણ પામે છે તેનું પોસ્ટમોર્ટમ કોણ કરે તેની કોઈ જ માહિતી પરિવારને આપવામાં આવતી નથી તેવી ચોંકાવનારી વિગતો ખંભાતમાં મૃત્યુ પામેલા સાત જેટલા સીલીકોસીસના દર્દીઓના સહાયના દાવાની માંગણી દરમ્યાન બહાર આવી છે જેના કારણે આ વિસ્તારના શ્રમજીવીઓમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

વિતેલા દિવસો દરમ્યાન ખંભાત ખાતે અકીકના કારખાનામાં કામ કરતા અને સીલીકોસીસ રોગના ભોગ બનેલા સાત જેટલા શ્રમજીવીઓ અકાળે મોતને ભેટયા હતા.આ શ્રમજીવીઓના વારસદારોને આર્થિક સહાય માટે પી.ટી.આર.સી નામની સ્વૈચ્છિક સંસ્થાએ હ્યુમન રાઈટ કમિશનમાં અરજી કરતા સરકારી ખાતામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આર્થિક અરજીના અનુસંધાને ખંભાત પ્રાંત અધિકારી નાણાંવટીએ ખંભાત ખાતેના સરકારી ડોક્ટરો અને જવાબદાર અધિકારીઓની એક મીટીંગ બોલાવી હતી.

જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર,ક્ષય રોગ નિવારણના ડોક્ટર ડેવીડ,ઉન્દેલ પી.એસ.સીના ડોક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરે હાજર રહ્યા હતા.જેમાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓએ મૃતક શ્રમજીવીઓના આર્થિક સહાય ન મળે તે માટે કરમસદ મેડિકલના નિષ્ણાંત ડોક્ટરોના સીલીકોસીસ હોવાના થયેલ નિદાનને પણ માન્ય ન રાખી પોતાનો રીપોર્ટ બરાબર હોવાનું તેમજ સાતમાંથી માત્ર એક જ દર્દી સીલીકોસીસ હોવાનું જણાવ્યું હતું.આ મીટીંગમાં શ્રમ વિભાગના આસીસ્ટન્ટ ડાયરેક્ટર બામણીયાએ પોતાના ખાતાની જવાબદારી સ્વીકારવાના બદલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર જવાબદારી નાંખી હાથ ખંખેરી નાખ્યા હતા.જો કે પ્રાંત અધિકારીએ કુદરતી ન્યાય ખાતર પણ નોકરીની ફરજો અને જવાબદારી સમજવાની આરોગ્ય વિભાગના ડોક્ટરોને તાકીદ કરી મૃતકોને સહાય મળે અને ગેરકાયદેસર ચાલતા કારખાના બંધ કરાવવા શ્રમ વિભાગના અધિકારીને પણ તાકીદ કરી હતી.

મૃતકોની યાદી

નઝીરશા મહંમદશા દિવાન રહે.અકબરપુર,ખંભાત

ભાઈલાલભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહે.જાગનાથની ચાલી,ખંભાત

જીવણભાઈ હિંમતભાઈ ભીલ રહે.ઉદપુર રબારીવાડ ખંભાત

છગનભાઈ મંગળભાઈ રાઠોડ રહે.રાલેજ ખંભાત

કેસરીસિંહ હરિસિંહ પરમાર રહે.શક્કરપુર ખંભાત

અરવિંદભાઈ જયંતિભાઈ ભીલ રહે.ઉદપુર રબારીવાડ ખંભાત

ફિરોજભાઈ અબ્દુલભાઈ વહોરા રહે.શક્કરપુર ખંભાત

પ્રાંત અધિકારી શું કહે છે?

ખંભાત ખાતે સીલીકોસીસના રોગનો ભોગ બનેલા મૃતકોના પરિવારને સરકારી આર્થિક સહાય મળે તે માટે કુદરતી ન્યાય માટે પણ જવાબદારી સ્વીકારી આવા લાચાર પરિવારોને મદદરૂપ થવા અને ગેરકાયદેસર અને નિતિ નિયમોને નેવે મુકી કામ ચલાવતા કારખાનાઓને બંધ કરાવવાની નૈતિક જવાબદારી સ્વીકારવાની અધિકારીઓને તાકીદ કરવા સાથે પોતે પણ આ સહભાગી બનવા અને મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભુતિ દાખવવા પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com