સુરત, તા. ૮
નવસારી તથા સુરત વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપિત કરાયેલી પ્રતિમાઓના વિસર્જન માટે શુક્રવારે બપોર બાદ ઉભરાટ દરિયા કાંઠે આવેલાં ભક્તો પૈકી સચીન ગભેણી વિસ્તારના ત્રણ યુવાનો દરિયામાં ન્હાવા જતાં ડૂબી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ તમામ યુવાનોના મૃતદેહો શુક્રવારે સાંજે શોધી કાઢી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ત્રણેય યુવાનોની લાશ માટે મરોલી હોસ્પિટલમાં લઈ જવાતાં નાઈટ ડયૂટીમાં કોઈ તબીબ હાજર ન હોવાને કારણે આખી રાત રઝળી હતી. જ્યારે શનિવારે બપોર બાદ પીએમ કરી મૃતકોના પરિવારજનોને લાશની સોંપણી કરવામાં આવી હતી.
- મરોલી સામુહીક આરોગ્ય કેન્દ્રના અંધેર વહીવટનો ભોગ બનતા મૃતકના સ્વજનો
- મરોલી હોસ્પિટલમાં નાઇટ ડયૂટીમાં તબીબની ગેરહાજરી
- શનિવાર બપોર બાદ ઉભરાટના દરિયામાં મૃતકોના સગાઓને મૃતદેહ સોંપ્યા
મળતી વિગતો પ્રમાણે સુરતના સચીન તથા નવસારીના મરોલી પંથકમાં નવરાત્રિ દરમિયાન ઠેર ઠેર માતાજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતુ. ગત રોજ દશેરાબાદ આજે શુક્રવારે ઘણાં આયોજકો માતાજીની પ્રતિમાના વિસર્જન માટે મરોલી પાસેના ઉભરાંટ દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા. જયારે આજે બપોર બાદ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરી સચીન જીઆઈડીસી વિસ્તારમાં કેટલાક યુવાનો દરિયામાં ન્હાવા પડયા હતા. આ સમયે અગિયારસની મોટી ભરતીમાં કેટલાક યુવાનો આવી જતાં તે તણાય ગયા હતા. આ તણાયેલા યુવાનોની શોધખોળ શરૂ કરાતા સાંજે ત્રણ યુવાનોના મૃતહેદ મળી આવ્યા હતા. તમામ મૃતદેહોનો કબજો મેળવી પોલીસે મરોલી સીએચસી ખાતે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. આ કિસ્સા અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરતાં ત્રણેય યુવાનો સચીન વિસ્તારના હોવાનુ બહાર આવ્યું હતુ.
આ કમભાગીઓમાં સચીન જીઆઈડીસીમાં નોકરી કરતા તથા મુળ યુપીના અજીત રામસંજીવન શાહ (ઉ.વ. ૨૧), શિવનારાયણ છોટેલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૨) અને વિમલલલ્લુ સંગવાર (ઉ.વ ૧૮) નો સમાવેશ થતો હતો. વધુમાં આ ત્રણેય મૃતકો અપરિણીત તથા ગભેણી ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં દયાળભાઈના મકાનમાં ભાડેથી રહેતા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતુ. તેઓની લાશને પી.એમ. માટે મરોલીની હોસ્પિટલમાં ખસેડાય હતી, પરંતુ રાત્રીની ડયુટીમાં ડોકટર હાજર ન રહેતા ત્રણેની લાશ રાતભર પી.એમ. રૂમમાં રઝળતી પડી રહી હતી. જ્યારે શનિવારે બપોર બાદ અંતે પી.એમ. કરી મૃતકોના પરિવારજનોને લાશની સોંપણી કરવામાં આવી હતી. નણધિયાત હોસ્પિટલની વહારે આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ જરૂરી તાકીદે પગલા ભરે તે જરૂરી છે.
ઇમરજન્સીમાં તબીબની ગેરહાજરી
મરોલી ખાતે આવેલ રાજય સરકારના તાબા હેઠળની ૩૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ કાર્યરત છે. જેમાં છેલ્લા એકાદ માસથી નર્મદા જિલ્લાની હોસ્પિટલમાંથી ટ્રાન્સર થયેલા ડોકટર મેહુલ પોતાની ફરજનિષ્ઠાના ભાગરૂપે હેડકર્વાટરમાં ન રહેતા હોસ્પિટલના ઈ. અધિક્ષક ડોકટર ભાવસારે લેખિતમાં તેમજ મૌખિકમાં પણ સૂચનાઓ આપી હતી અને પોતાની મનસ્વીપણે ફરજ બજાવી વગર રજાએ ગેરહાજર રહેતા હોવાનું હોસ્પિટલના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળે છે. રાત્રીની ઈમરજન્સી ડયુટીમાં ડોકટર હાજર ન રહેતા મૃતકોના સગા-સ્નેહીઓને હાલાકી વેઠી પડી હતી. આરોગ્ય વિભાગના ઉપલા અધિકારી એવા આરોગ્ય કમિશનર ગાંધીનગર, સુરત આર.ડી..ડી વિભાગના વડા ડો. ઠાકર અને ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. હજીરાવાલા ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા ડોકટરની શાન ઠેકાણે લાવવા માટે જરૂરી તાકીદે પગલા ભરી યોગ્ય તે કાર્યવાહી હાથ ધરે એવી આ વિસ્તારના જાગૃત રહીશોની પણ લાગણી અને માંગણી છે.