Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 01:54:51 PM IST
 

ભાજપ સમર્થિત ઉમેદવારોને ધોબીપછાડ

Jan 01, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 585
Rate: 0
Rating:
Bookmark The Article

વલસાડ તા.૩૧

વલસાડ જિલ્લાની ૨૮૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજરોજ હાથ ધરાયેલ મતગણતરીમાં સાંજે ૫-૩૦ વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં ૨૧, ધરમપુરમાં ૩૦, પારડીમાં ૨૯, ઉંમરગામમાં ૧૭ અને કપરાડામાં ૩૮ પંચાયતોના પરિણામો જાહેર થયાં હતાં. વલસાડ તાલુકામાં ભાજપ સમર્થિત ઉમેદવારોને જબરદસ્ત આંચકારૂપ ધોબીપછાડ મળી છે. ભાજપ મહામંત્રી ભરતભાઇ પટેલને પારનેરાપારડી અને જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન નરેન્દ્ર પટેલને ધનોરી ગામમાં પછડાટ ખાવી પડી છે.

  • બહુચર્ચિત પારનેરાપારડી ગામે જિલ્લા ભાજપ મહામંત્રી ભરત પટેલ સમર્થિત પેનલનો ઘોર પરાજય
  • મતગણતરી મથકની બહાર બેકાબૂ બનેલ ભીડને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી
  • ગૂંચવાડો સર્જાતા નવ વાગ્યાને બદલે ગણતરી સવા દશ વાગ્યે ચાલુ થઈ
  • વલસાડ તાલુકામાં ૨૧, ધરમપુરમાં ૩૦, પારડીમાં ૨૯, ઉંમરગામમાં ૧૭ અને કપરાડામાં ૩૮ પંચાયતોના પરિણામો જાહેર

વલસાડ જિલ્લાના પાંચ તાલુકાઓમાં ગત તા. ૨૯ના રોજ થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની મતગણતરીનું કાર્ય આજરોજ સવારે ૯-૦૦ વાગ્યે જે તે તાલુકાના મુખ્યમથકે હાથ ધરાઇ હતી. વલસાડ તાલુકામાં આર.ઓ. દ્વારા મતગણતરી માટે નિશ્ચિત કરેલ ગામોની યાદીને મામલતદારે ગતરાત્રે ફેરવી નાંખ્યા બાદ જાણ ન કરાતાં, આજે સવારે ૯ વાગ્યે મતગણતરી ચાલુ કરતી વેળા ભારે ગુંચવાડો સર્જાયો હતો. જેને પગલે ૯-૦૦ વાગ્યે પ્રારંભ થનાર મતગણતરીનું કાર્ય લગભગ સવા કલાક એટલે કે સવા દશ વાગ્યાના સુમારે ચાલુ થઇ શકી હતી. બેલેટ પેપરથી ચૂંટણી થયેલ હોવાની સાથે રિટર્નીંગ ઓફિસર સહિતના તમામ કર્મચારીઓ તદ્દન બિનઅનુભવી હોવાને પગલે મતગણતરીની કામગીરી ખૂબ જ ધીમી ચાલતી હોવાને કારણે સાંજે ૫-૩૦ વાગ્યા સુધીમાં વલસાડ તાલુકાની કુલ ૬૯ પંચાયતો પૈકી માત્ર ૨૧ પંચાયતોના જ પરિણામો જાહેર થઇ શક્યા હતાં.

વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલમાં હાથ ધરાયેલ મતગણતરીનો પ્રારંભ થતાંની સાથે જ જે તે ગામના ઉમેદવારોના ટેકેદારોના ટોળેટોળાં આવાંબાઇ સ્કૂલ પાસે આવી પહોંચતા કોઇ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય જાય તે હેતુથી પોલીસે શાળાનો મુખ્ય ગેઇટ બંધ કરી દીધો હતો. અને જે પંચાયતોની મતગણતરી હાથ ધરાનાર હોય તેના જ ઉમેદવારો અને ગણતરી એજન્ટને હોલમાં પ્રવેશ આપ્યો હતો. વલસાડના ડી.વાય.એસ.પી. અજયભાઇ ખખ્ખરના નેતૃત્વમાં પોલીસનો કાફલો મતદાન મથક પર તૈનાત થઇ ગયો હતો. પોલીસ બંદોબસ્ત જડબેસલાક હોવા છતાં લોકોનો ધસારો વધી જતાં અને પરિણામો જાહેર થયાં બાદ વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવા ઉત્સુક ગ્રામજનોએ જીતની ચિચિયારી પાડયા બાદ હારેલા ઉમેદવારોની હાય-હાય બોલાવવા માંડતા મામલો તંગ બની ગયો હતો. જેને પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને તોફાની બનવા જઇ રહેલ ભીડને દૂર કરવાની ફરજ પડી હતી.

વલસાડ તાલુકામાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો ચૂંટણીમાં કરૂણ રકાસ થયો છે. બહુચર્ચિત પારનેરાપારડી ગ્રા.પં.ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઇ પટેલ તરફી ટી.વી.ના નિશાનવાળી પેનલનો ઘોર પરાજય થયો છે. કુલ ૧૪ પૈકી કોંગ્રેસના અગ્રણી રાજન પટેલની પતંગની પેનલને ૯ અને ટી,વી, પેનલને ૫ બેઠકો મળી હતી. કોંગ્રેસ સમર્થિત સરપંચના ઉમેદવાર રમીલાબેન ઠાકોરભાઇ નાયકાનો તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપ સમર્થિત પેનલના મંજુલાબેન છીબુભાઇ પટેલ ઉપર ૨૪૩ મતે વિજય થયો છે. એ જ રીતે ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ પટેલની પેનલને ધનોરી ગ્રા.પં.ની ચૂંટણીમાં પછડાટ મળી છે. નરેન્દ્ર પટેલ સમર્થિત સરપંચના ઉમેદવાર બકુલ રાજુભાઇ પટેલનો તેમના નજીકના પ્રતિસ્પર્ધી કમલેશ રમણભાઇ પટેલ સામે ૫૧૬ મતે પરાજય થયો છે.

વલસાડમાં મતગણતરીની કાર્યવાહી ગોકળગાયની ગતિએ ચાલી રહેલ હોઇ તમામ પરિણામો રાત્રે ૨-૦૦ વાગ્યા સુધીમાં જાહેર થવાની આશંકા સેવાઇ રહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com