મુંબઈ 1, ડિસેમ્બર
અભિનેતા નીલ નીતિન મૂકેશે એવુ કહ્યું કે હોલિવૂડની તુલનાએ હિન્દી ફિલ્મો ઘણી પાછળ છે. નીલ 6 જાન્યુઆરીએ રિલિઝ થનારી ફિલ્મ પ્લેયર્સમાં અભિષેક બચ્ચન, બિપાસા બાસુ, બોબી દેઓલ અને સોનમ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મ અમેરિકી ફિલ્મ ધ ઈટાલિયન જોબની ભારતીય આવૃતિ છે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા નીલે બોલિવૂડની ફિલ્મો હોલિવૂડની સમકક્ષ બની ગયાના દાવાનુ ખંડન કર્યુ હતું.
નીલે ઉમેર્યુ કે 'બોલિવૂડમાં હંમેશા ચર્ચા થતી રહે છે કે આપણી ફિલ્મો હવે હોલિવૂડને ટક્કર આપે એવી બને છે પરંતુ મને આ વાત ગળે ઉતરતી નથી, કેમકે વાર્તાથી માંડીને ટેકનિક સુધી આપણે હોલિવૂડથી ક્યાંય પાછળ છીએ.' ઉદાહરણ આપતા નીલે જ્ણાવ્યુ કે ' હોલિવૂડે 30 વર્ષ પહેલા સુપરમેન ફિલ્મ બનાવી હતી ત્યારબાદ આપણે હમણાં છેક ક્રિશ ફિલ્મ બનાવી શક્યા જે ટેકનિકલ રીતે પણ પ્રભાવ પાડવામાં સફળ રહી હતી.
નીલ સંતુલન રાખીને બોલિવૂડનો પક્ષ પણ રજૂ કરે છે. પોતાનો મત આપતા આ અભિનેતાએ ઉમેર્યુ કે, ત્યાં દર્શકો ભવિષ્યમાં બનનારી ઘટનાઓ આધારિત ફિલ્મો સ્વીકારે છે જ્યારે આપણે ત્યાં એવુ બનતુ નથી. જો કે, એનો અર્થ એવો નથી કે હિન્દી ફિલ્મો સારી બનતી નથી પરંતુ ભારતના વિશાળ દર્શકોની નાડ પારખવાનું કામ કપરૂં છે.
|