વલ્લભવિધાનગર, તા.૨
આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હોવા છતાં જિલ્લા આરોગ્યતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોઇ તેમ તકેદારીના પગલાં કે રોગચાળાના નિયંત્રણ અર્થે કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્રણ દિવસ પૂર્વે ૩૫, તથા છેલ્લા બે દિવસમાં વધુ ૫ દર્દીઓને ઉપરાંતના શહેરીના વિવિધ વિસ્તારના દર્દીઓને ઝાડા-ઉલ્ટીના લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યારે સમગ્ર સપ્તાહ દરમ્યાન કુલ ૭૦ ઉપરાંતના દર્દીઓએ સારવાર લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
- આરોગ્ય તંત્રની નિષ્કાળજી-દુર્લક્ષથી દર્દીઓમાં પ્રબળ રોષ
આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં થોડા સમય પૂર્વે ભાલેજ પાસેના મેઘવા, ધુવારણ, ખડોધી, બદલપુર, હમીદપુરા, સામરખા, લાંભવેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાયરલ ફીવર, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ દેખા દેતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલુ આરોગ્યતંત્ર હરકતમાં મુકાયું હતું. જોકે ગંભીર રોગચાળાની સ્થિતિ છતાં આરોગ્યતંત્રએ આળસ દાખવતા પેટલાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ઝાડા-ઉલ્ટીના રોગચાળાએ દેખા દીધી હોઇ સ્લમ એરિયા સહિત મોટાભાગના વિસ્તારોમાં ઘરે-ઘરે દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યાં છે. શહેરના કાળકાગેટ, ભઠ્ઠીવાડ, શેખવાડો, નાનો શેખવાડો, ખોડીયાર ભાગોળ, પ્રજાપતિ વાસ, પઠાણવાડા મસ્જીદ વિસ્તાર, સોહમ સિનેમા પાસેના હરીજનવાસ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીનો વાવર પ્રસરી જતાં રહીશોમાં કોલેરા સહિતના ૭૦ દર્દીઓને રોગની ભીતિએ દહેશત વ્યાપી છે. ત્રણ દિવસ પૂર્વે ૩૫ દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે વીતેલા સપ્તાહ દરમ્યાન વધુ ૩૫ દર્દીઓને ઝાડા-ઉલ્ટીની સારવાર કરવામાં આવી છે. ઉપરાંત છેલ્લા બે દિવસમાં ૫ દર્દીઓ નવા મળી આવતા ૭૦ ઉપરાંતના દર્દીઓ અસરગ્રસ્ત થયા હોવાનું સિવિલ સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યું છે. શહેરના પઠાણવાડા સ્થિત વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતાં દૂષિત પાણી ઉપયોગમાં લેવાના કારણે રોગચાળો પ્રસર્યો હોવાનું સિવિલ વર્તુળો દ્વારા જણાવાઇ રહ્યું છે. જોકે રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેની રાહ જોતુ હોય તેમ આરોગ્યતંત્રએ અસરકારક પગલા ન ભર્યા હોવાનું દર્દીઓ મહેસુસ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પાણી લીકેજના કારણે રોગચાળો ફેલાયો હોવાનું રટણ કરી પરિણામલક્ષી કામગીરી પ્રત્યે દુર્લક્ષ સેવાઇ રહ્યું હોઇ રહીશોમાં પ્રબળ રોષ પ્રગટી રહ્યો છે.
ડૉ. ગોગલે શું કહે છે ?
પેટલાદનાં વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના વાવર અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. ગોગલેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે છેલ્લા આઠેક દિવસથી વિવિધ વિસ્તારોમાં રોગચાળાની સ્થિતિ ઉભી થઇ હોઇ આજસુધી ૭૦ દર્દીઓને સીપ્રો ટેબ્લેટ, બોટલ, ઓઆરએસના પેકેટનું વિતરણ કરી સારવાર આપવામાં આવી છે. તદુપરાંત આજની તારીખે અન્ય પાંચ દર્દીઓ નવા નોંધાયા હોઇ તેઓની તત્કાલિન સારવાર ચાલુ છે. ઝાડા-ઉલ્ટીનો રોગચાળો પાણીજન્ય રોગચાળો હોઇ પાઇપલાઇનના લીકેજને કારણે દૂષિણ પાણી ઉપયોગમાં લેવાતા રોગચાળો વકર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
બ્લોક હેલ્થ કચેરીના ડોક્ટર શું કહે છે?
પેટલાદમાં ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે બ્લોક હેલ્થ કચેરીના ડૉ. અલ્પેશ મકવાણાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે શહેરના પઠાણવાડા વિસ્તારમાં પાઇપલાઇનમાં લીકેજ સર્જાયુ હોઇ દૂષિત પાણી ઉપયોગમાં લેવાતા રોગચાળાની સ્થિતિ વણસી હતી. જોકે તાજેતરમાં લીકેજ રીપેર કરાયા બાદ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા ઉપરાંત સર્વે ટીમ દ્વારા કલોરીનેશન, દર્દીઓને ઉચિત સારવાર-માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.