ગાંધીધામ ,તા. ર
ગાંધીધામમાં વહીવટીતંત્રની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે કૂતરાઓનો આતંક હજુ પણ જારી છે. રોજના ડઝનેક લોકો ભોગ બને છે, છતાં તંત્રના પેટનું પાણીએ હલતું નથી. તાજેતરમાં જ ગાંધીધામાં નરભક્ષી બનેલા બે કૂતરાઓએ ઉપરાઉપરી બે દિવસ બે કુમળા બાળકોને પીંખી નાખ્યા હતા જે બંનેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ ઘટનાઓએ સમગ્ર ગાંધીધામ શહેરને હચમચાવી મૂકયું હતું. છતાં નમાલી નગરપાકિાના સત્તાધીશો દ્વારા કૂતરાઓને પકડી પાડવાની કામગીરી શરૂ થતી ન હોવાથી પ્રજાજનો હિંસક કૂતરાઓનો ભોગ બની રહ્યા છે.
· આઠ દિવસમાં ર૩ વ્યકિતઓને કરડયાં
છેલ્લા આઠ દિવસમાં તા. રપમી ડિસેમ્બરથી રજી જાન્યુઆરી દરમિયાન ૮૭ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હોવાનું આદિપુરની રામબાગ હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું, તે પૈકી છેલ્લા બે દિવસો રવિ - સોમ દરમિયાન ૪ર૩ વ્યકિતઓ કૂતરાઓના નિશાન બન્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે રાત પડતાં જ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કૂતરાઓનો આતંક બંધ થવાનું નામ લેતો નથી છતાં નીંભર વહીવટી તંત્રના અધિકારીઓના પેટનું પાણીએ હલતું નથી.
આદિપુરમાં બે સગી બહેનો પર કૂતરાનાં ટોળાંનો હુમલો
ગાંધીધામમાં બે બાળકોને હિંસક કૂતરાઓએ પીંખી નાખ્યા હતા તે ઘટના હજુ તાજી જ છે, ત્યાં સોમવારે ફરીથી કૂતરાઓએ બે યુવતીઓને નિશાન બનાવી હતી. આદિપુરમાં વોર્ડ ૩-ડી વિસ્તારમાં રહેતા અનિતાબેન રાજવાણી અને તેની બહેન સ્કૂટી ઉપર બેસીને નોકરીએ જતા હતા ત્યારે કૂતરાઓનાં ટોળાંએ હુમલો કર્યા હતો. અનિતાબેનને હાથ ,પગ, મોઢું સહિતના ભાગે બચકાઓ ભરી લેતાં લોહીલુહાણ બની ગયા હતા. જેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હિંસક સિલસિલો ક્યારે અટકશે ?
ગાંધીધામમાં છેલ્લા કેટલાએ દિવસોથી નરભક્ષી કૂતરાઓના આંતકના કારણે પ્રજાજનોનું જીવવું હરામ થઈ ગયું છે .હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે કોઈ જ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેથી આ હિંસક સિલસિલો ક્યારે અટકશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.