ભુજ, તા.ર
આવક કે દૂધ વિનાના ઢોરનો નિભાવ ન કરી શકો તો અમને સોંપી દો, આવા ઢોર અમે આજીવન વિનામૂલ્યે સાચવશું તેવી અપીલ નગરપાલિકાના માધ્યમથી જીવદયાનું કામ કરતી સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ભુજમાં ગૌવંશને કતલખાને મોકલવાની ઘટના બાદ જીવદયા પ્રેમીઓએ મેદાનમાં આવી આ જાહેરાત કરવાની સાથે ભુજ શહેર ઉપરાંત કચ્છનાં તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યાનું કારણ મુખ્યત્વે આવક વિના ઢોરને માલિકો બજારમાં છુટ્ટા મૂકતા હોવાનું ગણાવ્યું હતું.
· ગૌવંશને કતલખાને મોકલવાની ઘટના બાદ જીવદયા પ્રેમીઓ મેદાનમાં: વિનામૂલ્યે ઢોરને કાયમી સાચવવાની સંસ્થાની તૈયારી
કચ્છના ભુજ સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા શિરદર્દ રૂપ બની છે અને આટલું જ નહીં, પરંતુ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ શોધવામાં પણ તમામ નગરપાલિકાઓ ફીંફાં ખાંડી રહી છે તેવામાં ભુજમાં ગૌવંશને કતલખાને મોકલવામાં આવતું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જીવદયાનું કાર્ય કરતી સંસ્થાના આગેવાનો મેદાનમાં આવ્યા છે અને રખડતા ઢોરની સમસ્યાનું કારણ શોધવાની સાથે તેના ઉકેલની પણ જવાબદારી સંભાળવાની અપીલ કરી છે. ભુજ નગરપાલિકા સમક્ષ ભીડ બજાર પશુ રાહત સમિતિ અને કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠને મુખ્યત્વે આવક ન રળી આપતાં ઢોરને તેના માલિકો બજારમાં છુટ્ટા મૂકી દેતા હોવાથી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ઉદ્દભવી રહી છે તેવું કારણ દર્શાવવાની સાથે આવા ઢોરનો જો માલિકોને નિભાવ ભારે પડતો હોય તો નગરપાલિકાને સોંપી આપે અને નગરપાલિકા આવા ઢોર સત્તાવારરીતે સંસ્થાને સોંપશે તો આજીવન વિનામૂલ્યે ઢોરનો નિભાવ કરશું તેવી અપીલ કરી છે.
આ મામલે ભુજ પાલિકામાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ નરેન્દ્ર ઠક્કર, મુખ્ય અધિકારી ચેતન ડુડિયા, મંજુલાબેન વોરા, ઘનશ્યામ ઠક્કર, હેમલતાબેન ગોર તેમજ સંસ્થાના છગનલાલ પારેખ, ઈશ્વરભાઈ ઠકકર, અશોક વોરા, જેઠાલાલ મહેતા, ભરત સોંદરવા સહિતનાઓએ હાજર રહી ચર્ચા વિચારણા કરી હતી.
૫ ગૌવંશને લુણી પાંજરાપોળમાં મોકલાયા
ભુજમાં સુધરાઈના પાંચ કર્મચારીઓ રખડતા ઢોરને પકડયા બાદ તેને પાંજરાપોળ સુધી પહોંચાડવાના બદલે રસ્તામાં તેનો સોદો કસાઈ સાથે કરતા શનિવારે ઝડપાયા હતા. સુધરાઈ કર્મીઓ દ્વારા ગૌવંશને કતલખાને ધકેલવાનાં ષડયંત્રનો જાગૃત યુવાનોએ પર્દાફાશ કરી, બચાવી લેવામાં આવેલા પાંચ ગૌવંશને આજે નગરપાલિકા દ્વારા લુણી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત હવે પકડાયેલા ઢોરને પાંજરાપોળ સુધી પહોંચાડવાની જવાબદારી પાલિકાનાં મહત્ત્વનાં કારકુન કક્ષાના કર્મચારીઓના શિરે મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઝુંબેશ અંતર્ગત પકડાયેલા રખડતા ઢોરની તમામ માહિતી વેરિફાઈ કરવાનો આદેશ પણ પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે.
ભુજ પાલિકા કર્મીઓને રંગેહાથે પકડી જાગૃત યુવાનોએ બચાવેલા
ભુજમાં રખડતા ઢોરને પકડી તેના માલિકને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, જો માલિક ઢોર ન છોડાવે તેવા ઢોરને પાંજરાપોળમાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ સંબંધિત વિભાગના કેટલાક કર્મચારીઓએ આ ઢોરને પાંજરાપોળ સુધી પહોંચાડવાના બદલે કસાઈના હાથમાં સોપવાનો કારસો ઘડયો હતો જેને જાગૃત યુવાનોએ રંગે હાથે પકડી લીધા બાદ પોલીસને સોંપ્યા હતા. શનિવારે પ્રકાશમાં આવેલી આ ઘટના બાદ નગરપાલિકા તંત્રએ બચાવવામાં આવેલા પાંચેય ગૌવંશને લુણીની પાંજરાપોળમાં મુક્યા છે. આ ઉપરાંત હવે ઢોરને પાંજરાપોળ સુધી પહોંચાડવાની કામગીરીમાં પાલિકાનો એક મહત્ત્વનાં કર્મચારીને સાથે રાખવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
ઢોર ત્રણ દિ’માં છોડાવો, અન્યથા પાંજરાપોળને સોંપાશે
રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે રસ્તાઓ તેમજ જાહેર સ્થળો પર ફરતા ઢોરને પકડયા બાદ તેના માલિકોએ ૩ દિવસમાં ઢોરને છોડાવવાના રહેશે અન્યથા હવે નગરપાલિકા ૩ દિવસ બાદ કાયમી માટે આવા ઢોરને પાંજરાપોળમાં મૂકી દેશે, આ ઉપરાંત રખડતા ઢોરનાં માલિકોને ૧ હજારનો દંડ કરવામાં આવે છે જે દંડની રકમમાં પણ વધારો કરવાની વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.