ધોળકા, તા.પ
ધોળકા તાલુકાના ગાણોલ ગામની સીમમાં ગત રાત્રે એક યુવકનું તીક્ષ્ણ હથિયારો મારી ઠંડા કલેજે હત્યા કરી નાખી બાજુના ખેતરમાં તેની લાશને ફેકી દઈ અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.ધોળકા પોલીસને આ હત્યાના બનાવ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે.
- ગુલાબ વિણવા ગયેલા યુવકની અજાણ્યા શખસોએ હત્યા કરી દેતા પંથકમાં અરેરાટી
ધોળકા પોલીસના જણાવ્યા મુજબ ધોળકા તાલુકાના ગાણોલ ગામની સીમમાં આવેલ ભાઠા વિસ્તારની ગુલાબની વાડીમાં ગાણોલ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ કો.પટેલ(ઉ.વ.રર મુળ.રહે લોલીયા)ગત રાત્રી દરમીયાન ગુલાબ વીણવા ગયા હતા.દરમીયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુંમલો કર્યો હતો.
જેમાં તેના જમણા હાથનુ કાંડુ કાપી નાખેલ હતુ.ડાબા હાથની આંગળીઓ કાપી નાખી હતી.ગળાના ભાગે તથા મોઢાના ભાગે ઉંડા ઘા મારેલા હતા.માથાના પાછળના ભાગે તથા કાન નજીક તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ઠંડા કલેજે હત્યા કરી અજાણ્યા હત્યારાઓ ભાગી છુટયા હતા. આ ઘટના અંગે ધોળકા પોલીસ મથકના ટાઉન પી.આઈ.રાણા તથા પી.એસ.આઈ.સી.કે.વાણીયા,અજીતસિંહ ફેદરાવાળા ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત ગરીબ ખેત મજુરની હત્યા કોણે કરી ? શા માટે કરી ? તે અંગેની જીણવટ ભરી તપાસ પોલીસે હાથ ધરી છે.
હત્યાનું કારણ જાણવા પાલીસના હવાતિયા
ગાણોલ ગામની કોળી પટેલ સમાજના ખેત મજુર યુવકની કૃરતા પુર્વક કરાયેલી હત્યાનુ શુ કારણ હશે તે જાણા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. લુંટ કે કોઈ તસ્કરીના કારણે હત્યા થઈ હોય તેવુ પોલીસને લાગણુ નથી તો આ યુવકની હત્યા કોણે કરી શા માટે કરી તે તપાસનો વિષય છે.
દોઢ મહિના પહેલાનો હત્યા કેસ પણ હજુ વણઉકલ્યો
ધોળકાના જુના બસ સ્ટેન્ડ નજીક કબ્રસ્તાનમાં દોઢેક મહિના પહેલા તિક્ષ્ણ હથિયારથી અજાણ્યા હત્યારાઓએ કૃરતા પુર્વક હત્યા કરી ભાગી છુટયા હતા.ધોળકા પોલીસ હજુ સુધી મૃતક ઓળખ કે હત્યારાઓને શોધવામાં નાકામ રહી છે. આમ ધોળકા પંથકમાં અંદાજે બે મહિનામાં તિક્ષ્ણ હથિયારો વડે ગળા કાપી નાખી યુવકોની હત્યાના બે બનાવો બની ચુક્યા છે.શુ પોલીસને હત્યાના ભેદ અને હત્યારાઓને શોધવામાં સફળતા મળશે ખરી તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.?