વલ્લભવિધાનગર, તા.૫
વલ્લભવિદ્યાનગર પાસેના મોગરી સ્થિત વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મંદિરના જ જવાબદાર વહીવટ કર્તા-હર્તા દ્વારા દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ઘટનાનો ગતરોજ પર્દાફાશ થતાં જ સત્સંગી ગ્રામજનોએ કલંકિત કૃત્ય આચરનાર મુખ્ય સંચાલક બિપીન કા.પટેલ (ભગત)ને તત્કાલિન અસરથી મંદિરમાંથી હાંકી કાઢી મંદિરનો વહીવટ હસ્તક લઇ મામલો થાળે પાડયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની ઘટના હોઇ શ્રદ્ધાળુઓમાં ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
- સત્સંગી ગ્રામજનોએ મંદિરનો વહીવટ હસ્તક લઈ પરિસ્થિતિ થાળે પાડી : શ્રદ્ધાળુઓમાં ઘેરા પ્રત્યાઘાત
આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી મુજબ વડતાલ સંપ્રદાયના મોગરી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં આરતી, સત્સંગ, સેવાપૂજા સહિતની વહીવટી કામગીરી સંભાળતા અને ભગતનું બિરૂદ પામેલા બિપીન શંકરભાઇ કા.પટેલે ધાર્મિકતાના ઓથા હેઠળ મંદિરને દેહ વ્યાપારનું કેન્દ્ર બનાવ્યુ હતું. છેલ્લા કેટલાક સમયથી માયા પટેલ સાથે ઘરોબો કેળવી રૂપલલનાઓને મંદિરમાં આવેલી રૂમોમાં ઉતારો આપીને દેહ વ્યાપાર શરૂ કર્યો હતો. જુદા-જુદા સ્થળોએથી ગ્રાહકોને બોલાવી તગડી રકમ વસુલી આર્થિક ફાયદો મેળવી રહ્યા હતા. પરંતુ ધાર્મિકતાની આડમાં આચરાઇ રહેલા કલંકિત કૃત્ય સામે ગ્રામજનો કે મંદિરના સત્સંગીઓ બિલકુલ અજાણ હતા. જ્યારે તેઓને સમગ્ર ઘટના અંગે જાણ થઇ ત્યારે ભગતને રંગે હાથ પકડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવાનુ નક્કી કરાયુ હતું. જે અંતર્ગત ગતરોજ નિત્યક્રમ મુજબ મંદિર પરિસરની રૂમોમાં માયા પટેલે અમદાવાદની પુષ્પા પરમાર નામની અન્ય રૂપલલનાને બોલાવી તારાપુરમાં એલઆઇસી એજન્ટનું કામ કરતા પ્રકાશ મનુભાઇ પટેલ સાથે વ્યવસ્થા ગોઠવી આપી હતી. તે દરમ્યાન ધુંધવાયેલા અને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ મંદિર પરિસરમાં ‘બગ’ભગતને
હલ્લાબોલ મચાવી રૂમને બહારથી બંધ કરી દઇ વિદ્યાનગર પોલીસને જાણ કરતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ બિપીન ભગત, પ્રકાશ પટેલ, માયા પટેલ અને પુષ્પા પરમાર સામે બીપીએક્ટ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને કોર્ટમાં રજુ કર્યા છે.
જોકે સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી અને ધાર્મિકતાના ઓથા હેઠળ મંદિરને દેહ વ્યાપારનું કેન્દ્ર બનાવનાર બિપીન પટેલ (ભગત)ને ગતરોજ મોડીરાત્રે જ સત્સંગી ગ્રામજનોએ મંદિરમાંથી હાંકી કાઢી સમગ્ર વહીવટ પોતાને હસ્તક લઇ મામલો થાળે પાડયો હતો. પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં સર્જાયેલા કલંકિત કૃત્યને લઇને સંપ્રદાયના સત્સંગીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને કહેવાતા ભગત સામે ફિટકારની લાગણી પ્રસરી છે.
ચારેય આરોપીઓને કોર્ટે મોડી સાંજે મુક્ત કર્યા
મોગરી સ્થિત વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરને દેહવ્યાપારનું કેન્દ્ર બનાવી અનૈતિક પ્રવૃત્તિઓ કરતા ગ્રામજનોના હાથે રંગેહાથ ઝડપાયેલા બિપીન કા.પટેલ (ભગત), તારાપુરના એલઆઇસી એજન્ટ પ્રકાશ પટેલ, માયા પટેલ તથા પુષ્પા પરમાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચારેયની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા. ના. કોર્ટે ચારેય આરોપીઓને મોડીસાંજે મુક્ત કર્યા હોવાનું પોલીસવર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભગતને હાંકી કાઢી વહીવટ પોતાને હસ્તક લીધો
ધાર્મિકતાના ઓથા હેઠળ ભાવિકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી ભગવાનના પાવન ધામને દેહ વ્યાપારનું કેન્દ્ર બનાવી કલંકિત કૃત્ય આચરનાર બિપીન પટેલ (ભગત)ને ગતરોજ ઘટના સર્જાયાના થોડા સમય બાદ જ સત્સંગી ગ્રામજનોએ મંદિરમાંથી હાંકી કાઢી સમગ્ર વહીવટ પોતાને હસ્તક લઇ લીધો હતો.