વિસનગર તા.૫
વિસનગરના ગુંજા ગામે તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા આચરવામાં આવેલા નરેગા કૌભાંડમાં તપાસ બાદ બંને દ્વારા ગેરરીતિ થયાનું બહાર આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ નોટીસ પાઠવી છે. ગુંજા ગામના એક સ્થાનિકે નરેગા યોજનામાં ખોટા જોબ કાર્ડ બનાવ્યાં હોવાની ફરિયાદ સાથે વિકાસ કમિશ્નર ગાંધીનગર અને વિજીલન્સમાં અરજી કરી હતી જે તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી.
· નરેગામાં કૌભાંડ સંદર્ભે વિસનગરના ગુંજા ગામના
· ખોટા જોબવર્ક બનાવી ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં ખૂલ્યું : ટીડીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો
તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને ખાનગી તપાસ અહેવાલ સોંપતાં ગેરરીતિ કર્યા બાબતે તત્કાલિન સરપંચ અને તલાટીને ૫૭/૧ની નોટીસ પાઠવી છે. જો કે આ નોટિસથી સજા રૂપે સરપંચને હોદા પરથી દૂર કરાય છે. જ્યારે ગુંજાના તત્કાલિન સરપંચની ટર્મ પૂરી થઈ ચુકી છે. જો કે સમગ્ર પ્રકરણમાં તલાટી મંત્રીએ ભોગવવાનો વારો આવે તેમ છે. તાલુકા વિકાસ અધિકારી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી અથવા તો વર્ષોથી ગામમાં રહેતાં અને તે પણ પંચાયતના ઠરાવમાં લઈ જે તે વ્યક્તિને જોબકાર્ડ આપવામાં આવતાં હોય છે જ્યારે ગુંજા ગામે પરપ્રાંતિય મજુરોને જોબકાર્ડ અપાતાં કાર્યવાહી કરવામાં આવી છે.
આખજ ગ્રા.પં.ના સદસ્યને હાદ્દા ઉપરથી બરતરફ કરાયા
મહેસાણા : મહેસાણા તાલુકાના આખજ ગ્રામ પંચાયતમાં સદસ્યએ ગૌચર જમીનમાં બિન પરવાનગી દબાણ તેમજ ગામના તળાવમાંથી માટી ખોદી તેઓએ પોતાના ખેતરમાં પુરાણ કરવાના મુદ્દે કસૂરવાર ઠરતાં જિલ્લા વિકાસ અધિકારએ હોદ્દા ઉપરથી દુર કરવાનો હુકમ કર્યો હતો. ગ્રામ પંચાયતના સદસ્યને હોદ્દા ઉપરથી દુર કરવાના આદેશથી ગામમાં રાજકીય વાતાવરણ ઉભું થવા પામ્યું છે. આખજ ગ્રામ પંચાયતના સદસ્ય દશરથગીરી દેવગીરી ગોસ્વામીએ પોતાનાં ફરજ કાળ દરમિયાન ગામની ગૌચરની બ્લોક નં.૯૦ની જમીનમાં બિન પરવાનગી દબાણ કરી વાવેતર કર્યું હતું. પંચાયતના સદસ્યએ ગેર કાયદેસર રીતે પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવતાં ગામમાં વિરોધનો વંટોળ ફેલાયો હતો. ત્યાર બાદ, ગામના તળાવનું ખોદકામ ચાલુ હતું તે સમયે દશરથગીરીએ તળાવનું ખોદકામ કરનાર પરવાનેદાર મારફતે ૧૦૦ જેટેલા ટ્રેકટર તેઓએ પોતાના ખેતરમાં બિન અધિકૃત રીતે માટી પુરાણ કરાવેલ તે બાબતે પણ તેમના વિરુધ્ધ વિરોધનો સુર ઉઠાવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે રજુઆત કરાતાં તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. સદર મુદ્દે સ્થળ પર તપાસ કરવામાં આવતાં આ બાબતો સાબિત થવા પામી હતી. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સુનાવણી ચાલી જતાં ગુરુવારના રોજ આખજ પંચાયતના સદસ્ય દશરથગીરી દેવગીરી ગોસ્વમીને ડીડીઓએ હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કર્યો હતો.