ભુજ ,તા. ૮
ભુકંપ બાદ કચ્છના ચાર શહેરોમાં અસ્તિત્વમાં આવેલ સ્થાનિક વિકાસ સતા મંડળો પૈકી ભુજના સંતા મંડળે ભુજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી આગામી બે દાયકા માટેના વિકાસલક્ષી પ્રોજેકટો ઘડી રાખી તેની અમલવારી શરૂ કરી આપવામાં આવેલ છે અને આગામી થોડા સમય માં જ તેના મીઠા પરિણામોની અસર શહેરીજનોને જોવા મળશે તેવું ભુજ રોટરી કલબ દ્વારા 'આવતી કાલના ભુજ' વિષયે યોજાયેલ પરીસંવાદ ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવતાં હાલે આપવામાં આવતી બંધકામ મંજુરીઓના સ્ટ્રકચરમાં ફેરફાર કરવા ભાડા વિચારી રહ્યું છે અને ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ સાથે ભુજમાં ૧+૩ માળના બાંધકામની પરવાનગીઓ આપવા તાંત્રીક, નાણાંકીય અને તર્કસગત દરખાસ્ત સાથે પરામર્શ ચાલુમાં છે જોઆ મામલેરાજ્ય સરકાર સાનુકુળ વલણ અખત્યાર કરશે તો ટુંક સમયમાં શહેરમાં ત્રણ માળ સુધીનીબાંધકામ મંજુરીઓ આપવાનું શરૂ થઈ શકશે.
· ભુજ રોટરી કલબ દ્વારા પરીસંવાદ યોજાયો
વિષેશમાં ચારેય રીલોકેશન સાઈટો ખાતે અને ગામતળમાં ભાડાએ ઉભી કરેલ કોમર્શિયલ મીલ્કતો હવે થોડા સમયમાં જ જાહેર હરરાજી દ્વારા શહેરીજનોને ઓફર કરાશે તેમજ શહેરમાં ચાલુ વર્ષ જેવી જળ હોનારત ન થાય તે માટે એક એન.જી.ઓને સર્વેની કામગીરી સોંપવામાં આવેલ છે અને તેના રિપોર્ટના આધારે તત્કાલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અન્ય ફાયદાકારક બાબતમાં રાજ્ય સરકાર દ્વારા મંજુરી વિનાના બાંધકામોને નિયમીત કરી આપવામાં આવનાર હોવા અંગની વિગતો પણ અપાઈ હતી. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા વીજ થાંભલાઓ ખસેડવા અથવા રોડ ડીવાઈડરની વચ્ચે લાવવા વીજ કંપની સાથે સંપર્કમાં રહી કાર્યવાહી ચાલુ કરેલ છે જે માટેના ખર્ચ અને ફીની રકમ પણ ભરપાઈ કરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત હોસ્પિટલ રોડને પહોળો કરી શહેરનું નજરાણું બનાવા તરફ ભાડા પ્રગતિ કરી રહંયું છે તથા જેષ્ઠાનગર અને કેમ્પ એરીયામાંથી સીધા માધાપર હાઈવે પર તરફ રસ્તો બનાવવા પણ ભાડા આગળ ધપી રહ્યું હોવાનું જણાવાયું હતું. રોટરી પરિસંવાદની ચર્ચામાં પ્રમુખ રાજેશભાઈ જે. ઠક્કર, પીઆરઓ પ્રફુલ્લ ઠક્કર, ડો. જયંત વસા, ઈન્જી. અતુલ મહેતા, ઈન્જી. બંકીમ ઉપાધ્યાય, યશવંત ભટ્ટ સહિત ભુજ શહેરના પ્રબુધ્ધ નાગરિકો જોડાયા હતા.