ભુજ, તા.૮
રાજ્ય સરકાર દ્વારા રમત ગમત પ્રવૃત્તિઓને વેગ આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે .ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે.તો બીજી તરફ કચ્છનાં પાટનગર ભુજ ખાતે આવેલા રમત ગમત માટેના મેદાનો વિવિધ સરકારી વિભાગો પાસે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી થતી ન હોવાથી તેમજ કેટલીક વહીવટી અધૂરાશોનાં કારણે આ મેદાનો પર રમતોનું આયોજન થઇ શકતું નથી.
· રમત ગમત માટેનાં મેદાનો હોવા છતાં યોગ્ય ઉપયોગ તેમજ જાળવણીનો અભાવ : તંત્ર બેધ્યાન
ભુજમાં રમત ગમત માટેનાં સરકારી વિભાગો હસ્તક હોય તેવા મેદાનોમાં જ્યુબિલી ગ્રાઉન્ડ, ખારસરા ગ્રાઉન્ડ, વ્યાયામ શાળા તેમજ માધાપરનું સર્વોદય સ્પોર્ટસ સંકુલનો સમાવેશ થાય છે.આ મેદાનોમાંથી ખારસરા મેદાન કે જે ખરેખર રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાસે હોવું જોઇએ ,પરંતુ તેની માલિકી અંગેનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. તો જ્યુબિલી ગ્રાઉન્ડ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ હસ્તક છે, વ્યાયામ શાળા ભુજ નગરપાલિકા હસ્તક તેમજ માધાપરનું સ્પોર્ટસ સંકુલ સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.આ તમામ સરકારી મેદાનામાંથી વધુ ઉપયોગ જ્યુબિલી ગ્રાઉન્ડ અને માધાપર સ્પોર્ટસ સંકુલનો જ થઇ રહ્યો છે. ખારસરા મેદાન તથા વ્યાયામ શાળાનો કંઇ જ ઉપયોગ ન કરીને તેને અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા બનાવી દેવામાં આવ્યા છે.
૧૯૯૨માં ભુજનાં રમતપ્રેમીઓ તેમજ સ્થાનિક નેતાઓની રજૂઆતોનાં પગલે સરકાર દ્વારા શહેરનાં ખારસરા મેદાનને રમત ગમત સંકુલ તરીકે વિકસાવવા માટે ૨૯ એકર જમીન ફાળવવાની સાથે તેને વિકસાવવા માટે રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.જેમાંથી અત્યાર સુધી ૪૦ લાખની જ ગ્રાન્ટ વાપરવામાં આવી છે, જેમાંથી ૧ લાખ લિટરની વોટર ટેન્ક, ચોકીદાર ક્વાર્ટર્સ, ૨ પમ્પ રૂમ, ગ્રાઉન્ડની ત્રણ બાજુ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી.કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપમાં આ મિલકતોમાંથી ઓવરહેડ વોટર ટેન્ક સિવાયની તમામ મિલકતો ધ્વસ્ત થઇ ગઇ હતી.
વર્ષ ૨૦૦૧ બાદ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ મેદાનને વોટરબોડી ( લેકઝોન) તરીકે દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.વોટરબોડી અંતર્ગત આ સ્થળે કોઇપણ પ્રકારનું બાંધકામ કરવાની તેમજ રસ્તો બનાવવાની મનાઇ ફરમાવાઇ હતી. ભાડા દ્વારા લેકઝોન જાહેર કર્યા હરિપર રોડ પર ૩૮ એકર જમીન રમત સંકુલ માટે તા.૩-૧૦-૨૦૦૩નાં માગવામાં આવી હતી.જેની દરખાસ્તની ફાઇલ ઘણા લાંબા સમય સુધી પેન્ડિંગ હતી.ત્યારબાદ આ જમીન અન્ય વિભાગને સોંપાઇ ગઇ. હાલમાં ખારસરા મેદાનમાં કચરાનાં ખડકલા તેમજ ગંદકીનું સામ્રાજ્ય પણ છવાઇ ગયું છે.
કચ્છ જિલ્લા રમત ગમત અધિકારી (ઇન્ચાર્જ) ડી.સી.ચાંગેલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં રમત ગમતનું એકપણ મેદાન અમારા હસ્તક નથી.મેદાનોની તમામ જવાબદારી કોચિંગ સેન્ટર એટલે કે રમત પ્રશિક્ષણ કેન્દ્રની હોય છે.કારણ કે, ખેલાડીઓને કોચિંગ શિખવવા માટે મેદાનની જરૂર પડે છે. રમત પ્રશિક્ષણ કેન્દ્રનાં સિનિયર કોચ કે.સી.પટેલે જણાવ્યું હતું કે ,ભુજમાં એકપણ મેદાન અમારા હસ્તક નથી.માત્ર ગાંધીધામ,નલિયા તેમજ ભચાઉનું મેદાન જ અમારા હસ્તક છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભુજનું કોઇપણ મેદાન રમત પ્રશિક્ષણ કેન્દ્ર હસ્તક નથી તેવું તેમણે જણાવ્યું હતું.
ભુજ નાં રાવલવાડી વિસ્તારમાં આવેલું વ્યાયામ શાળા ગ્રાઉન્ડ પણ છેલ્લા ઘણાં વર્ષોથી વહીવટીતંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યું છે.હાલમાં વ્યાયામ શાળા ગ્રાઉન્ડમાં આવેલા રૂમોમાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે જુગાર, દારૂ તેમજ અન્ય પ્રવૃત્તિઓ પણ થઇ રહી છે. ભુજમાં એકમાત્ર ઓફિસર્સ ક્લબમાં જ સ્વીમિંગ પુલ છે જે પણ અમુક ચોક્કસ કર્મચારીઓ માટે જ છે,
ભુજનાં રમતપ્રેમી રાકેશ રાવલે જણાવ્યું હતું કે, કચ્છના ખેલાડીઓમાં પ્રતિભા છે, પરંતુ તેને ખિલવવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી. હાલમાં માધાપરના સર્વોદય સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર બાસ્કેટ બોલ ૫૦ મીટર તેમજ સ્વીમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી સંચાલન કોના હાથમાં છે તે નક્કી નથી અત્યારે ગ્રાન્ટનો ઉપયોગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.શહેરના મધ્યભાગમાં આવેલું જ્યુબિલી ગ્રાઉન્ડ કે જેનું નિર્માણ રમત ગમતનાં હેતુથી જ કરવામાં આવ્યું છે. રાજાશાહી વખતમાં બનાવાયેલું આ મેદાન રમત ગમત કરતાં અન્ય પ્રસંગોમાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ મેદાનનાં વિકાસની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં કચરો તેમજ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે તેને સાફ કરવાની તસ્દી પણ સંચાલકો દ્વારા લેવામાં આવતી નથી.