જામનગર તા.૮
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા ગામની મહિલાના હત્યા પ્રકરણમાં પોલીસે તેના પતિની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે. મહિલાના મૃતદેહને કોથળામાં બાંધી વોકળામાં ફેંકવામાં મદદગારી કરનાર મૃતક મહિલાના નણદોયાની પોલીસે ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધો છે. કાલાવડ તાલુકાના ગુંદા ગામના પાટીયા પાસેના વોકળામાંથી ગત તા.૧૩-૧રના રોજ કંતાન અને ધાબડામાં વીટેલો અને પથ્થરથી બાંધેલો અજાણી યુવતીઓ મૃતદેહ મળી આવ્યો હતો.
- મૃતદેહને વોકળામાં ફેંકવામાં તેણે મદદગારી કરી હતી
મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીનું પાંચ દિવસ પહેલાં કોઈ શખ્સોએ ગળુ દબાવી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવતીના કપડા અને વર્ણનના આધારે તેણીનું નામ મંગીતા ઉર્ફે મંગી મેરસંગ થાવરીયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ બાદ ગાયબ થઈ ગયેલા મૃતક યુવતીના પતિ, સાસુ, દીયર સહિતના પરિવારજનોની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે મૃતક યુવતીના પતિ મેરસંગને પકડી પાડી પૂછતાછ હાથ ધરી હતી. મેરસંગ મંગીતાને ભગાડી લગ્ન કરી વાડીએ લઈ આવ્યો હતો. આ બાબતે મેરસંગની તેના ભાઈ કમલેશ સાથે બોલાચાલી થઈ હતી. મંગીતાના કારણે ઝગડો થયો હોવાથી મેરસંગે તેણીનું ગળુ દબાવી હત્યા નિપજાવી મૃતદેહને કંતાનમાં વીંટાળી વોકળા પાસે ફેંકી દીધો હતો. મેરસંગના આ કૃત્યમાં તેના ભાઈ કમલેશ અને બનેવીએ મદદગારી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે મેરસંગના બનેવી મેરસુર પરસુભાઈને પકડી પાડી પૂછતાછ હાથ ધરી હતી. મેરસંગે મંગીતાની હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ કમલેશ અને મેરસુરે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી કપાસ બાંધવાના કપડા અને કોથળામાં મૃતદેહને બાંધી વોકળામાં ફેંકી દીધો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મેરસુરને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરતાં અદાલતે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.